ઘાયલ બાળકને વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
નવસારી : નવસારી જિલ્લામાં છેલ્લા થોડા મહિનાઓથી દીપડાઓની સંખ્યા વધી છે અને વાંસદા તાલુકામાં ત્રણ મહિનામાં માણસ ઉપર ચોથો હુમલો દીપડા દ્વારા કરવામાં આવ્યો છે. વાંસદાના આંબાબારી ગામે કુદરતી હાજતે ગયેલા 6 વર્ષીય બાળક ઉપર આજે સવારે દીપડાએ હુમલો કરી, શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારની હિંમતને કારણે બાળક બચી ગયુ હતું, જેને ગંભીરાવ્સ્થામાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયુ છે, દીપડાના હુમલાની ઘટના સામે આવતા જ નેશનલ પાર્ક તેમજ વાંસદા વન વિભાગના અધિકારીઓ દોડતા થયા છે, સાથે જ ગામમાં દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.
વાંસદા નેશનલ પાર્કના RFO એ આંબાબારી ગામમાં પાંજરા ગોઠવવાની કરી શરૂઆત

નવસારી જિલ્લો દીપડાઓનું અભયારણ્ય બની રહ્યું છે. વન વિભાગની વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીમાં નવસારીમાં 70 થી વધુ દીપડા હોવાની પુષ્ટિ થઇ હતી. ત્યારે છેલ્લા થોડા મહિનાઓમાં નવસારીના એનક ગામડાઓમાં દીપડાઓ દેખાયા હોવાની ફરિયાદો થઇ રહી છે. જેમાં પણ ગત ત્રણ મહિનાઓમાં દીપડાઓએ 3 લોકો ઉપર હુમલો કર્યો હતો. દરમિયાન આજે સવારે ફરી દીપડાએ વાંસદા નેશનલ પાર્ક નજીકના આંબાબારી ગામે કુદરતી હાજતે ગયેલા 6 વર્ષીય દીક્ષિત ચૌહાણ ઉપર હુમલો કરતા ગંભીર રીતે ઘવાયો હતો. દીપડાના હુમલાને જોતા જ બાળકના માતા પિતા દોડી આવ્યા હતા અને બાળકને દીપડાથી બચાવી લીધો હતો. જયારે દીપડો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા દીક્ષિતને તાત્કાલિક વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેને જમણા ગાલ, ગળા અને માથામાં દીપડાનાં નખને કારણે ગંભીર ઈજા હોવાથી ડ્રેસિંગ કરવામાં આવ્યુ હતું. બીજી તરફ ઘટનાની જાણ થતા જ વાંસદા નેશનલ પાર્ક સહીત વાંસદા પૂર્વ વન વિભાગના અધિકારીઓએ હોસ્પિટલમાં ઘાયલ બાળકની મુલાકાત લઇ, તેના ખબર અંતર જાણ્યા હતા. સાથે જ આંબાબારી ગામની મુલાકાત લઇ, દીપડો ક્યાંથી આવ્યો હશે, કેવી રીતે હુમલો કર્યો એ વિષેની માહિતી મેળવી, દીપડાના જ્યાંથી આંટાફેરા રહે છે એ સ્થળે તેમજ બાળકના ઘર નજીક એમ અલગ અલગ સ્થળોએ 4 પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
સપ્ટેમ્બર – ઓક્ટોબર મહિનામાં પણ દીપડાએ માણસો પર કર્યો હતો હુમલો
વાંસદા તાલુકામાં જંગલ વિસ્તાર વધુ છે. બીજું વાંસદા નેશનલ પાર્ક પણ વાંસદા અને ડાંગના વઘઇની સરહદ ઉપર બનાવવામાં આવ્યુ છે. નેશનલ પાર્કમાં ફરતા દીપડાઓ તેના સરહદી ગામડાઓમાં પણ જઈ ચઢતા હોય છે. જેમાં નેશનલ પાર્કની દીવાલ પાસે બેઠેલા દીપડાએ કુદરતી હાજતે ગયેલા બાળક ઉપર દીપડાએ હુમલો કરતા વાંસદામાં ગત મહિનાઓમાં થયેલા હુમલાઓ પણ લોકોને યાદ આવી ગયા છે. ગત 26 સપ્ટેમ્બરના રોજ વાંસદાના મોટી વાલઝર ગામે બાળકી ઉપર હુમલો કર્યો હતો, જેના બે કે ત્રણ દિવસોમાં જ દીપડાએ નજીકના ઉપસળ ગામે પણ બાળકી ઉપર હુમલો કર્યો હતો. જેમાં બંને બાળકીઓ ગંભીર રીતે ઘવાતા તેમની યોગ્ય સારવાર કરાવવામાં આવી હતી. જયારે જેના અઠવાડીયા બાદ જ વાંસદાના ઉપસળ ગામના એક ઘરમાં પ્રવેશેલા દીપડાએ ઘરના યુવાન ઉપર હુમલો કરતા, યુવાનને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.