સુરતના કતારગામ, વરાછા, એ.કે.રોડ પરના માર્કેટો, અઠવાલાઇન્સ, ડભોલી, કામરેજ, વાલોડ સહિતના વેપારીઓ દંડાયા
સુરત : સુરતમાં તોલમાપમાં ચેડા કરી ગ્રાહકોને લૂટતા અનેક વેપારીઓને ત્યાં તોલમાપ વિભાગે આકસ્મિક દરોડા પાડી ગેરરીતિ પકડીને કુલ ૫૦ હાજરથી વધુનો દંડ વસુલતા જિલ્લાના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
વેપારીઓ અને દુકાનદારો વેચાણની વસ્તુઓ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત લઇને અથવા વજન ઓછું તોલીને ગ્રાહકોને છેતરીને વધુ કમાણી કરતા હોય છે. આ પ્રકારની ફરિયાદો સુરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા નિરિક્ષકોની કચેરીને મળી હતી. જેને ધ્યાને લઇ બંને કચેરીઓના અધિકારીઓ દ્વારા ઓક્ટોબર ૨૦૧૯ મહિનામાં તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારી બી. આર. વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના નિરીક્ષકો દ્વારા વેપારીઓ અને એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ કુલ ૪૮ વેપારીઓ સામે કેસ કરી ૫૦,૨૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
સુરત અને તાપી જિલ્લાના ૪૯૮૪ વેપારીને ત્યાં ચકાસણી અને મુંદ્દાદનની કામગીરી હાથ ધરી કુલ ૧૬,૧૩,૨૬૪ રૂપિયાની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. આકસ્મિક દરોડાઓ દરમિયાન બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કામરેજ ચાર રસ્તા વિસ્તારના ૧૫ વેપારીઓ અને દુકાનદારો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી ૨૪ હાજર રૂપિયાનો દંડ તથા તાપી જિલ્લાના વાલોડ ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન ૧૯ વેપારીઓ સામે કેસ કરી ૬૭ હજાર રૂપિયાનો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.
ખાસ કરીને જોઈએ તો ૨૦ ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ કામરેજ ચાર રસ્તા ખાતેના યાદગાર જયુસ સેન્ટર સામે ઠંડા પીણા પર વધુ ભાવ લેવા બાબતે નિયમ ૧૮(૨)નો પ્રોસીકયુશન કેસ કરી ૨ હજાર રૂપિયાનો સ્થળ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે મોબાઈલ કોર્ટ દરમિયાન રેલ્વે સ્ટેશન રોડ ખાતે મે.ચુનીલાલની મિઠાઈઓ નામની મીઠાઈ/ફરસાણની દુકાન સામે તપાસણી દરમિયાન એક કિલો કાજુકતરીના મિઠાઈ બોક્ષમાં નિયત વજન કરતા ઓછો જથ્થો માલૂમ પડતા એકમની સામે ધી લીગલ મેટ્રોલોજી એકટ-૨૦૦૯ની કલમનો કેસ કરી ૧૫ હજારનો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ નવરાત્રી, દશેરા તથા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વિભાગીય નિરીક્ષકો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વજનમાપ તથા પીસીઆર કાયદા અન્વયે ઓચિંતી તપાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ડભોલી ખાતે મઢુલી કુંભણીયા ભજીયા, ગણેશ કાઠીયાવાડી ધાબા તથા વેડરોડ ખાતે વૈશાલી ફાસ્ટફુડ કોર્નર, વરાછા ખાતે વી.એસ.સ્નેકસ, અઠવાલાઇન્સ ખાતે મહેશ પાઉભાજી સામે છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે પીસીઆર કાયદાના ભંગ બદલ પ્રોસીકયુશન કેસ કરી ૧૪ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. એ.કે.રોડ ખાતે જય રામદેવ સ્વીટ માર્ટ તથા જય અંબે સુપર માર્કેટ, કતારગામ ખાતે ઉમિયા ફરસાણ તથા શ્રી જેન્ટલમેન્ટ, વરાછા ખાતે માહેશ્વર જવેલર્સ, સરસાણા ખાતે જલારામ લોચો એન્ડ ખમણ, જય માજીસા સુપર માર્કેટ અઠવાલાઈન્સની સામે વજનમાપ ધારા હેઠળ કેસ કરીને ૫ હજાર ૫૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અઠવાગેટ ખાતે મેધા ફુડ પ્રોડકટસ, યશ મનસુખલાલ ટાવ લેન ખાતે કચેરીના સિનીયર નિરીક્ષક, કાનુની માપ વિજ્ઞાન દ્વારા ઓચિંતી તપાસણી દરમિયાન બ્રેડ તથા પીઝા બ્રેડ જેવા ખાદ્ય પદાર્થોના સીલ બંધ પેકેટ ઉપર પીસીઆર કાયદા નિયમ મુજબની જરૂરી નિદર્શનો દર્શાવેલ ન હોવાથી કચેરી દ્વારા કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહર સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એ-બ્લોક, ગ્રાઉન્ડ ફલોર અઠવાલાઈન્સ, સુરત સંપર્ક સાધી શકે છે.