સતત આવતા ભૂકંપના આચંકાથી સ્થાનિકોમાં ભય, તંત્રના મૌનથી રોષ
નવસારી : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનાઓથી આવતા ભૂકંપના આંચકાઓને કારણે તાલુકાના ગામોના લોકોમાં ભયનો માહોલ બન્યો છે. સતત ભૂકંપને કારણે લોકોના ઘરોમાં તિરાડો પાડવા માંડી છે, જયારે તંત્ર સમગ્ર બાબતને સામાન્ય માની કોઈ માહિતી પણ ગ્રામીણોને ન આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકા કેટલાક ગામોમાં બે મહિનામાં સતત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. નવસારીથી ૩૪ કિમી, વલસાડથી ૪૩ કિમી અને સુરતના ઉકાઈથી પણ અમુક કિમી દુર એપી સેન્ટર હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં ગત અઠવાડિયામાં વાંસદામાં ૨.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવતા તાલુકાના ઉપસળ, મોટી વાલઝર, નાની વાલઝર સહીતનાં આસપાસનાં ગામોમાં લોકોનાં ઘરોમાં મોટી મોટી તિરાડો પડી જવા પામી હતી. સામાન્ય રીતે વાંસદાનાં ગામોમાં કાચા કે અર્ધ પાકા ઘરો વધુ હોય છે, ત્યારે લોકોના ઘરોમાં તિરાડો પડતા ઘર પડી જવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. જોકે સિસ્મોલોજી વિભાગ દ્વારા વાંસદા તાલુકાના ત્રણ ગામોમાં ભૂકંપના કંપનો માપવા માટે ઓફલાઈન સિસ્મોગ્રામ મશીનો મુકવામાં આવ્યા છે. સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા ભૂકંપના આંચકાઓ કયા કારણસર આવી રહ્યા હોવાની માહીતી ન આપતા ગ્રામીણોમાં ભયનાં માહોલ સાથે રાજ્ય સરકાર અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

વાંસદા તાલુકો પહાડી તેમજ જંગલ વિસ્તાર હોવાથી અહીં ચોમાસામાં વરસાદ પણ વધુ જોવા મળે છે. જયારે ઉપરવાસના ડાંગ જિલ્લાને ચેરાપુંજી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેથી વાંસદામાં આ વર્ષે ભારે વરસાદને કારણે વાંસદા તાલુકામાં મૌસમનો કુલ સરેરાસ ૧૧૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ વાંસદામાં જુજ અને કેલીયા બે નાના ડેમ આવેલા છે અને હાલમાં બંને ડેમ છલોછલ ભરાયેલા છે. ભારે વરસાદને કારણે ભૂગર્ભમાં ઉતારેલા પાણીને કારણે ભૂગર્ભીય પ્લેટો ઉપર નીચે થવાને કારણે ભૂકંપની સ્થિતિ બની હોવાનું અને આવનારા બે થી ત્રણ મહિના સુધી વાંસદામાં ભૂકંપના આંચકા આવશે એવું અનુમાન સિસ્મોલોજીકલ વિભાગ લગાવી રહ્યું છે. જોકે આ મુદ્દે સ્થાનિક તંત્ર વાંસદા ભૂકંપ પ્રભાવિત ઝોનમાં ઘણુ નીચે હોવાથી અને ભૂકંપના આંચકા ૩ ની તીવ્રતાથી ઓછા હોવાથી કોઈ ચિંતાજનક સ્થિતિ નથી અને મોટો ભૂકંપ આવે એવું નથી. પરંતુ સતત આવી રહેલા ભૂકંપને કારણે ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગની ટીમને બોલાવી સર્વે કરાવવા સાથે જ ગ્રામ્ય સ્તરે તલાટીઓને પણ એલર્ટ કર્યા હોવાનો રાગ આલાપ્યો હતો.

ભૂકંપને લઇને હાલ તો વાંસદા તાલુકા સહીત સરહદના ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોમાં પણ ભાયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં પણ તંત્ર ભૂકંપ આવવાના કારણો વિષે લોકોને માહિતગાર કરે એવી ગ્રામીણો આશા સેવી રહ્યા છે.