Connect with us

આરોગ્ય

સુરત અને તાપી જિલ્લામાં તોલમાપના કાયદાનો ભંગ કરનારા વેપારીઓ દંડાયા

Published

on

સુરતના કતારગામ, વરાછા, એ.કે.રોડ પરના માર્કેટો, અઠવાલાઇન્સ, ડભોલી, કામરેજ, વાલોડ સહિતના વેપારીઓ દંડાયા

સુરત : સુરતમાં તોલમાપમાં ચેડા કરી ગ્રાહકોને લૂટતા અનેક વેપારીઓને ત્યાં તોલમાપ વિભાગે આકસ્મિક દરોડા પાડી ગેરરીતિ પકડીને કુલ ૫૦ હાજરથી વધુનો દંડ વસુલતા જિલ્લાના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

વેપારીઓ અને દુકાનદારો વેચાણની વસ્તુઓ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત લઇને અથવા વજન ઓછું તોલીને ગ્રાહકોને છેતરીને વધુ કમાણી કરતા હોય છે. આ પ્રકારની ફરિયાદો સુરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા નિરિક્ષકોની કચેરીને મળી હતી. જેને ધ્યાને લઇ બંને કચેરીઓના અધિકારીઓ દ્વારા ઓક્ટોબર ૨૦૧૯ મહિનામાં તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારી બી. આર. વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના  નિરીક્ષકો દ્વારા વેપારીઓ અને એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ કુલ ૪૮ વેપારીઓ સામે કેસ કરી ૫૦,૨૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સુરત અને તાપી જિલ્લાના ૪૯૮૪ વેપારીને ત્યાં ચકાસણી અને મુંદ્દાદનની કામગીરી હાથ ધરી કુલ ૧૬,૧૩,૨૬૪ રૂપિયાની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. આકસ્મિક દરોડાઓ દરમિયાન બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કામરેજ ચાર રસ્તા વિસ્તારના ૧૫ વેપારીઓ અને દુકાનદારો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી ૨૪ હાજર રૂપિયાનો દંડ તથા તાપી જિલ્લાના વાલોડ ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન ૧૯ વેપારીઓ સામે કેસ કરી ૬૭ હજાર રૂપિયાનો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.

ખાસ કરીને જોઈએ તો ૨૦ ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ કામરેજ ચાર રસ્તા ખાતેના યાદગાર જયુસ સેન્ટર સામે ઠંડા પીણા પર વધુ ભાવ લેવા બાબતે નિયમ ૧૮(૨)નો પ્રોસીકયુશન કેસ કરી ૨ હજાર રૂપિયાનો સ્થળ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે મોબાઈલ કોર્ટ દરમિયાન રેલ્વે સ્ટેશન રોડ ખાતે મે.ચુનીલાલની મિઠાઈઓ નામની મીઠાઈ/ફરસાણની દુકાન સામે તપાસણી દરમિયાન એક કિલો કાજુકતરીના મિઠાઈ બોક્ષમાં નિયત વજન કરતા ઓછો જથ્થો માલૂમ પડતા એકમની સામે ધી લીગલ મેટ્રોલોજી એકટ-૨૦૦૯ની કલમનો કેસ કરી ૧૫ હજારનો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.

આ સાથે જ નવરાત્રી, દશેરા તથા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વિભાગીય નિરીક્ષકો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વજનમાપ તથા પીસીઆર કાયદા અન્વયે ઓચિંતી તપાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ડભોલી ખાતે મઢુલી કુંભણીયા ભજીયા, ગણેશ કાઠીયાવાડી ધાબા તથા વેડરોડ ખાતે વૈશાલી ફાસ્ટફુડ કોર્નર, વરાછા ખાતે વી.એસ.સ્નેકસ, અઠવાલાઇન્સ ખાતે મહેશ પાઉભાજી સામે છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે પીસીઆર કાયદાના ભંગ બદલ પ્રોસીકયુશન કેસ કરી ૧૪ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. એ.કે.રોડ ખાતે જય રામદેવ સ્વીટ માર્ટ તથા જય અંબે સુપર માર્કેટ, કતારગામ ખાતે ઉમિયા ફરસાણ તથા શ્રી જેન્ટલમેન્ટ, વરાછા ખાતે માહેશ્વર જવેલર્સ, સરસાણા ખાતે જલારામ લોચો એન્ડ ખમણ, જય માજીસા સુપર માર્કેટ અઠવાલાઈન્સની સામે વજનમાપ ધારા હેઠળ કેસ કરીને ૫ હજાર ૫૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અઠવાગેટ ખાતે મેધા ફુડ પ્રોડકટસ, યશ મનસુખલાલ ટાવ લેન ખાતે કચેરીના સિનીયર નિરીક્ષક, કાનુની માપ વિજ્ઞાન દ્વારા ઓચિંતી તપાસણી દરમિયાન બ્રેડ તથા પીઝા બ્રેડ જેવા ખાદ્ય પદાર્થોના સીલ બંધ પેકેટ ઉપર પીસીઆર કાયદા નિયમ મુજબની જરૂરી નિદર્શનો દર્શાવેલ ન હોવાથી કચેરી દ્વારા કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.           

ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહર સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એ-બ્‍લોક, ગ્રાઉન્‍ડ ફલોર અઠવાલાઈન્‍સ, સુરત સંપર્ક સાધી શકે છે.

આરોગ્ય

કોઈપણ એલર્જીક બીમારી હોય, હવે વિનામૂલ્યે થશે સારવાર

Published

on

By

સુરત નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનો થયો પ્રારંભ

સુરત : સતત બદલાતા વાતાવરણ સાથે શહેરમાં ઉડતી ધૂળ એલર્જી વધારી શકે છે, ખાસ કરીને ઔદ્યોગિક વિકાસને કારણે શ્વાસને લગતી એલર્જીના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના OPD નં. 11 ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી. આર. પાટીલના હસ્તે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનો થેરાપી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એલર્જી ક્લિનિકમાં દર મંગળવાર તથા શુક્રવારે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી નિદાન સાથે સારવાર કરવામાં આવશે.

બેથી 5 વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખનો ખર્ચ : અહીં વિનામૂલ્યે થશે સારવાર

 

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ લોકોની નિરંતર સેવા કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. એલર્જી ક્લિનિક શરૂ થવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના દર્દીઓને એલર્જીની સારવાર વિના મૂલ્યે મળી રહેશે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં એલર્જીના નિદાન તેમજ સારવારનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા સુધી થતો હોય છે. જે સિવિલમાં વિનામૂલ્યે શકય બનશે.

શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું સ્ક્રીન પ્રીક ટેસ્ટથી થશે વિનામૂલ્યે નિદાન

નોંધનીય છે કે, એલર્જી ક્લિનિક ખાતે સ્ક્રીન પ્રીક ટેસ્ટથી એલર્જીનું નિદાન કરવામાં આવશે. જેમાં જૂની ઘુળના કીડા, પરગરજ, ફૂગ ખાધ્ય પદાર્થ (મગફળી, દૂધ, ઈંડા તથા પાળતું પ્રાણીઓ જેમા બિલાડી, કુતરાની રૂવાટીના એલજન્સ તથા પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી) દર્દીઓના લક્ષણ તથા પર્યાવરણમાં રહેલા એલજન્સને ધ્યાનમાં રાખીને હાથ કે બરડાની ચામડી ઉપર એલજન્સના ટીપા મુકીને લેનસેટથી પ્રીક કરવામાં આવશે. અને જે ટેસ્ટના રિપોર્ટના આધારે 10 થી 15 મિનિટમાં એલર્જીનું પરિણામ મળી જશે. શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું નિદાન તથા સારવાર હવે નવી સિવિલ હોસ્પિટલના એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઈમ્યુનોથેરાપી ક્લિનિકમાં વિના મુલ્યે થશે. ખાનગી હોસ્પિટલમાં બેથી પાંચ વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખ રૂપિયા ખર્ચ થાય છે.

ક્લિનિકના પ્રારંભ પ્રસંગે મહાનુભાવો તેમજ હોસ્પિટલના ડોકટરો રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે પૂર્વ અધિક નિયામક ડો. વિકાસબેન દેસાઈ, મનપાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, તબીબ અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, RMO ડો. કેતન નાયક, ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, SMCA ના ડો. પરેશ કોઠારી,  IMA ના પ્રમુખ દિકન શાસ્ત્રી, RSS ના દિનેશ પટેલ અને નંદુજી શર્મા તથા તબીબો, વિવિધ વિભાગના વડાઓ, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

આરોગ્ય

નવસારીમાં પૂર્ણાના પાણી ઓસરતા ગંદકીનુ સામ્રાજ્ય

Published

on

By

લોકો ઘર, ઓફિસો અને દુકાનોમાં સફાઇમાં જોડાયા

નવસારી : નવસારી શહેરમાં શુક્રવારે પૂર્ણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં 4 થી 8 ફૂટ પુરના પાણી ભરાઇ જતા, લાખો લોકોને મુશ્કેલી વેઠવા પડી હતી. આજે વહેલી સવારથી પુરના પાણી ઓસરતા પુર અસરગ્રસ્ત વિસ્તરોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતુ. પાલિકા સફાઇકર્મીઓની ફોજ ઉતારી સફાઇ કરાવે, એવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

નિચાણવાળા વિસ્તારોના રસ્તાઓ, મોહલ્લા, સોસાયટીઓમાં કાદવ જ કાદવ

નવસારી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી નજીકથી પસારથતી પૂર્ણા નદીની જળસપાટી વધતા પુરની સ્થિતિ બની હતી. સવારથી બપોર સુધીમાં પૂર્ણા 30 ફૂટે પહોંચી જતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં 4 થી 8 ફૂટ પુરના પાણી ભરતા હજારો લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા હતા. પુરના પાણી નિચાણવાળા વિસ્તારના ઘરોમાં ભરાઇ ગયા હતા. પુરના પાણી ગત મોડી રાતે ઉતર્યા હતા, ત્યારબાદ શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ રહી ગયો હતો. લોકોના ઘરો, દુકાનો, ઓફિસો, કારખાનાઓમાં પણ પુરને કારણે કાદવ થઇ ગયો હતો. જેથી વહેલી સવારથી જ અસરગ્રસ્તો દ્વારા પોતાના ઘર, દુકાનો, ઓફિસો, કારખાનાઓમાં સાફ સફાઇ હાથ ધરી હતી. જેમાં પુરના પાણીમાં પલળી જવાથી ખરાબ થયેલા અનાજ સહિતના સામાનને ફેંકી દેવા પડ્યો હતો. જેને કારણે પુર અસરગ્રસ્ત લોકોને હજારોથી લાખો રૂપિયાનું નુકશાન થવાનો અંદાજો છે.

પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઇ શરૂ ન કરાતા લોકોમાં આક્રોશ

નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ગંદકી ફેલાય છે. શહેરના 40 ટકા વિસ્તારમાં રસ્તાઓ, શેરી, મોહલ્લા, સોસાયટીઓમાં કાદવ કીચડ તેમજ પુરમાં તણાઈ આવેલ કચરો જોવા મળ્યો હતો. લોકોએ પોતાના ઘર, ઓફીસ, દુકાનોમાં સફાઇ હાથ ધરી હતી, પણ પાલિકા દ્વારા સફાઇમાં આળસ કરી હોવાની લોકચર્ચા ઉઠી છે. રસ્તાઓ ઉપર પાલિકાના એકલ દોકલ સફાઇકર્મીઓ દેખાતા સ્થાનિકોએ પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઇકર્મીઓની ફોજ ઉતારવામાં આવે તો શહેર સ્વચ્છ થશે, નહીં તો ગંદકીને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની સંભાવના વ્યક્ત કરી હતી.

Continue Reading

આરોગ્ય

નવસારીના મુનસાડ ગામે ઝાડા ઉલ્ટીનો વાવર, આરોગ્ય વિભાગ દોડતું થયુ

Published

on

By

તમામને ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા, એક નવસારી સિવિલ હોસ્પિટલમાં

નવસારી : ચોમાસુ શરૂ થતા પાણીજન્ય રોગોની સમસ્યા સામે આવતી હોય છે. જેમાં નવસારીના પૂર્વ પટ્ટીના મુનસાડ ગામે બે દિવસમાં 15 લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જાણતા તેમને નજીકના ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આર્થિક ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એકની તબિયત વધુ બગડતા નવસારી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા નવસારી આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. સાથે જ કોલેરા છે કે કેમ..? એ માટે સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે.

ચોમાસુ શરૂ થતા જ પાણીજન્ય રોગોની વધે છે સમસ્યા

ચોમાસુ આવતા જ વરસાદી પાણીથી ખાબોચિયા ભરાવાને કારણે મચ્છર અને માખીનો ઉપદ્રવ વધી જાય છે. જેથી શહેર ગ્રામ્ય વિસ્તારના શ્રમિક વિસ્તારોમાં પાણીજન્ય રોગ થવાની સંભાવના પણ વધી જતી હોય છે. સાથે જ વરસાદમાં પલળવાથી શરદી ખાંસી અને તાવની બીમારી પણ સામાન્ય બનતી હોય છે. ત્યારે નવસારી તાલુકાના બારડોલી રોડ ઉપર આવેલ મુનસાડ ગામના હળપતિવાસમાં બે દિવસથી લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જણાઈ હતી. જેમાં ગતરોજ 11 લોકોને તબિયત બગડતા નજીકના ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકની તબિયત વધુ બગડતા તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આજે પણ વધુ ચાર લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા થતા, ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. બે દિવસમાં 15 લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જણાતા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતુ. સાથે જ ઝાડા ઉલ્ટીની સમસ્યા શાને કારણે છે..? તે ચકાસવા મુનસાડ ગામમાં પાણીના સેમ્પલ લઈ, તેને લેબોરેટરીમાં મોકલી કોલેરા છે કે કેમ..? એની ચકાસણી કરવાના પ્રયાસો પણ આરંભ્યા છે. સાથે જ ગામમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લોરિનેશનની પ્રક્રિયા હાથ ધરવા સાથે પીવાના પાણીમાં કોઈ લીકેજ છે કે કેમ..? એની પણ ગ્રામ પંચાયતને તપાસ કરવા સૂચના આપી છે.

ઝાડા ઉલ્ટીનું કારણ ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે..!!!

ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓના કેટલાક સગાઓએ ગામમાં એક દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે કરેલા નાસ્તા બાદ લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા થઈ હોવાનું જણાવ્યું હતુ. જેથી અસરગ્રસ્તોને ફૂડ પોઈઝનિંગની અસર હોય એવું પણ પ્રાથમિક તબક્કે અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્યારે કેટલાક લોકોએ ફળિયામાં પાણી સમસ્યા હોવાનું કહેતા આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે. જોકે રિપોર્ટ બાદ જ ખરી હકીકત સામે આવશે.

Continue Reading
Advertisement

Trending