જિલ્લા કક્ષાના કૃષિ મેળાને સાપુતારા ખાતે ખુલ્લો મુકાયો
ડાંગ : ગુજરાતની આંખોનો તારો એવા રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શુક્રવારે રાજ્યના વન અને આદિજાતિ વિકાસ તથા ડાંગના પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે કૃષિ મેળાનો પ્રારંભ અક્રાવ્યો હતો. આ અવસરે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ મેળાને ખુલ્લો મુક્યા બાદ વન મંત્રી રમણલાલ પાટકરે સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લાને સેન્દ્રિય ખેતી ધરાવતા જિલ્લાનું બિરૂદ મળેલું છે. આપણે વૈજ્ઞાનિક અભિગમથી ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધીએ. આજે પાકમાં રાસાયણિક ખાતર, દવાઓના વપરાશના કારણે માણસો બિમાર પડે છે, ત્યારે ઓર્ગેનિક ખેત-પેદાશ ઉત્પાદન કરી વપરાશમાં લઇએ તો નિરોગી રહી શકીશું. વધુમાં ગુજરાત સરકારે હાલમાં જ વરસાદથી થયેલ પાકના નુકશાન પેટે કૃષિ સહાય પેકેજ જાહેર કરેલું છે. તમામ ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુકશાની થઇ હોય તો વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં રૂા.૬૮૦૦/- લેખે પ્રતિ હેકટર ચૂકવવામાં આવનાર છે. જેની પોર્ટલ ઉપર ઓન લાઈન એન્ટ્રી કરી પિ્રન્ટ લઇ ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો જેથી સીધા ખેડૂત ખાતેદારના ખાતામાં પૈસા જમા થશે. તેમણે સરકારની સહાયતાનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા બનાવેલા ચેકડેમોને કારણે પીવાનું પાણી મળી રહે છે. પશુપાલન પ્રવૃત્તિ દ્વારા દુધની આવક પણ મળી રહે છે. જયારે જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ૪ હજારથી વધુ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ખેતી અને ઉત્પાદન વધતા જેની પ્રોડક્ટ બજારમાં વેચી શકાય છે. ખેડૂતોને વધુ આવક સાથે રોજગારી પણ મળે છે. વધુમાં આ વર્ષે ચોમાસામાં લાંબો સમય વરસાદથી પાકને નુકશાન થયું છે. જેના માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરેલું છે. ૩૧ ડિસેમ્બર સુધી કૃષિ રાહત પેકેજનો તમામ ખેડૂતો ઓનલાઈન અરજી કરી તેનો લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

કૃષિ મેળો-૨૦૧૯ના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી સુનિલ પટેલે સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર એમ.એમ.પટેલે ખેડૂતોને ૨૦૨૨ સુધીમાં આવક બમણી કરવા ઓર્ગેનિક ખેતી કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે કૃષિ પ્રદર્શન-કમ-વેચાણ પણ રાખવામાં આવ્યુ છે. અહીં ડાંગમાં થયેલ ઓર્ગેનિક પાકો સહેલાણીઓ ખરીદી શકે તે માટે સ્ટોલ બનાવી વ્યવસ્થા કરવામાં આવી છે. કૃષિ મેળો 1 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને ઉપયોગી માહિતી પુરી પાડવામાં આવી હતી.
કૃષિ મેળા પ્રસંગે આહવા તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ ગવળી, વધઈ તાલુકા પંચાયત પ્રમુખ સંકેતભાઈ બંગાળ, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, પ્રાયોજના વહીવટદાર ભગોરા, બાબુરાવ ચૌર્યા, માજી ધારાસભ્ય અને એપીએમસી ચેરમેન વિજયભાઈ પટેલ, સંયુક્ત ખેતી નિયામક હોર્ટિકલ્ચર દિનેશભાઈ પાડલિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.