જિલ્લા કલેકટર મારફતે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ
નવસારી : ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ બનાવી, ગુજરાત કોમન એડમીશન સર્વિસ (GCAS) પોર્ટલ બનાવ્યુ છે, પરંતુ આ પોર્ટલ પર અનેક ખામીઓ છે, જેને સરકારની બ્યુરોકેસી દ્વારા સુધારવામાં આળસ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે નવસારી જિલ્લા ABVP દ્વારા 7 મુદ્દાઓના સુધારાની માંગ સાથે જિલ્લા કલેકટર મારફત રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.
48 કલાકમાં હકારાત્મક કાર્યવાહી ન કરવામાં આવે, તો આંદોલનની ચીમકી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) 75 વર્ષોથી વિદ્યાર્થીઓની સમસ્યાઓ માટે કાર્યરત છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ વિશ્વવિદ્યાલયો અને તેના સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા બનાવવામાં આવી છે. જેમાં ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકારે GUJARAT COMMON ADDMISSION SERVICE (GCAS) પોર્ટલ બનાવવામાં આવ્યું છે. પરંતુ આ પોર્ટલ પર અનેક ખામીઓ છે, જેને કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આ સમસ્યાઓના સમાધાન માટે આજે નવસારી જિલ્લા ABVP ના કાર્યકર્તાઓ દ્વારા નવસારી જિલ્લા કલેકટરના ચીટનીસને આવેદનપત્ર આપી, રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને 7 મુદ્દાઓ સુચવી કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાના પોર્ટલમાં સુધારા કરવાની માંગ કરી છે. સાથે જ જો 48 કલાકમાં સરકાર દ્વારા પોર્ટલમાં સુધારો ન કરવામાં આવશે, તો ABVP રસ્તા પર ઉતરી, ઉગ્ર આંદોલન કરશેની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ 7 મુદ્દાઓ દર્શાવી, પોર્ટલ ઉપર સુધારો કરવાની કરી માંગ

ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે, તેમને માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે, ગ્રામ્ય વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને પ્રક્રિયાની જાણકારીના અભાવને કારણે પ્રવેશથી વંચિત ન રહે, વિદ્યાર્થી પહેલા રાઉન્ડમાં એડમીશન મેળવે છે, એ બીજા રાઉન્ડમાં ભાગ લઇ શકતો નથી અને તે પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય છે. વિદ્યાર્થીએ પ્રવેશ રદ્દ કરવો હોય કે ફોર્મમાં રહેલ ભુલ સુધારી શકાતી નથી, GCAS દ્વારા લેવાતો ડેટા ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે, એની માહિતી આપવામાં આવે, કોલેજના મેરીટ લીસ્ટ કયા માપદંડથી બને છે, એની કોઈપણ પ્રકારની માહિતી નથી. જેના કારણે પોર્ટલની પાર્દાશીતા ઉપર સવાલો ઉભા થાય છે, પોર્ટલ ઉપર કોઈ દસ્તાવેજની ચકાસણી શક્ય નથી, વિદ્યાર્થી જે જાતી દર્શાવે, એને જ માની લેવામાં આવે છે, જેથી પ્રવેશ આપવામાં ભુલ થઇ શકે છે, LLB લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ નથી થઇ, જેને તાત્કાલિક શરૂ કરવામાં આવે, કેટલાક સ્નાતક અભ્યાસક્રમોના છેલ્લા સેમેસ્ટરના પુન: ચકાસણી કે પુરક પરીક્ષાના પરિણામ બાકી છે, ત્યારે PG વિદ્યાર્થીઓ માટે અલગ પ્રવેશ પ્રક્રિયાની વ્યવસ્થા કરવામાં આવે અથવા પરિણામ જાહેર કરવામાં આવે, પોર્ટલ પર કઈ કોલેજમાં કેટલી બેઠકો છે, કેટલી બાકી છે, કટઓફ ક્યાં છે, ફી કેટલી છે અને આરક્ષિત બેઠકો કેટલી છે, એની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માંગણીઓ કરવામાં આવી છે.