ચીખલી ચાર રસ્તાથી કોલેજ તરફના માર્ગ પર બુધવારે વહેલી સવારે પુર ઝડપે આવેલી ટ્રકની અડફેટે ખુંધના મોપેડ ચાલક આધેડ આવતા ગંભીર રીતે ઘવાયા હતા. જેમને ઘાયાલાવાસ્થામાં ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે તેમને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, ચીખલી તાલુકાના ખુંધ ગામે, અંબાજી મહોલ્લામાં રહેતા ડાહ્યાભાઈ રણછોડભાઈ પટેલ બુધવારે સવારે પોતાની એકટીવા મોપેડ લઇ કોઈક કામ અર્થે ચીખલી ચાર રસ્તા ગયા હતા. જેઓ પરત ઘરે ફરી રહ્યા હતા. બગલાદેવ મંદિર સર્કલ પાસે પહોચી ત્યાંથી વળાંક લેતા હતા, ત્યારે પુર ઝડપે આવેલી ટ્રકે તેમને અડફેટે લેતા ડાહ્યાભાઈની મોપેડ ટ્રકનાં નીચે આવી ગયા હતા. જેઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ નજીકમાં જ આવેલી ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને તપાસ્યા બાદ મરણ જાહેર કર્યા હતા. આ બાબતે મૃતકના સંબંધી અજય ચીખલી પોલીસ મથકના ચોપડે ફરીયાદ નોધાવતા મહિલા પીએસઆઈ એ. ડી. ભટ્ટે આગળની તપાસ હાથ ધરી છે.
દુકાનદારો દ્વારા દબાણ કરાતા અકસ્માતોમાં વધારો
ચીખલી રેફરલ હોસ્પિટલથી બગલાદેવ મંદિર સુધી તેમજ કોલેજ સર્કલ પર દુકાનદારો દ્વારા થતા દબાણ તેમજ દુકાનોમાં ખાણીપીણી માટે આવતા તેમજ ખરીદી કરવા આવતા લોકો પોતાના વાહનો મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરીને જતા ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થાય છે. જેના કારણે રસ્તા પર જગ્યા ઓછી રહેતા અકસ્માતોના બનાવો વધતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સાથે જ ચીખલી પોલીસ આવા મન ફાવેતેમ પાર્કિગ કરતા વાહન ચાલકોને દંડ કરવાની જગ્યાએ નિર્દોષોને દંડતી હોવાની ચર્ચાઓ પણ વહેતી થઇ છે.
ટ્રાફિક બ્રિગેડના જવાનો માત્ર શોભાના ગાંઠિયા
ચીખલી પોલીસ દ્વારા ટ્રાફિક હળવુ થાય એ માટે ચીખલી એસટી ડેપો, બગલાદેવ મંદિર સહિતનાં ટ્રાફિક પોઈન્ટો ઉપર ટ્રાફિક બ્રિગેડના જવાનો મુકી ટ્રાફિક હળવુ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ ટ્રાફિક બ્રિગેડના જવાનો શોભાના ગાંઠિયાની જેમ બેસી ફોન પર વાતો કરતા તેમજ એક બીજા સાથે ગપ્પા મારતા હોવાની ચર્ચાઓ પણ સ્થાનિકોમાં થઇ રહી છે. જેના કારણે ટ્રાફિક હળવુ થવુ તો દુર પરંતુ ટ્રાફિકનુ ભારણ વધતુ હોવાની સ્થિતિ બને છે. જેથી ચીખલી પીઆઈ ટ્રાફિક બ્રિગેડને પણ કડક સુચનાઓ આપી ટ્રાફિક નિયંત્રણ કરાવે એવી લોક લાગણી ઉઠવા પામી છે.