આંતરરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવની નવી પહેલથી ગુજરાતે શૂન્યમાંથી સર્જન કર્યું છે. – રમણલાલ પાટકર

Published

on

૧૫ દેશ અને વિવિધ રાજ્યના ૮૯ પતંગબાજો ઉપસ્થિત રહ્યા

ડાંગ : પતંગ મહોત્સવના કારણે નવી દિશા અને નવી પહેલથી ગુજરાતે શૂન્યમાંથી સર્જન કર્યું છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ધદ્રષ્ટિને કારણે આજે આપણા ગુજરાત અને દેશનું નામ વિશ્વ ફલક ઉપર મુકાયુ છે. આપણી સંસ્કૃતિ વિશ્વના લોકોને જાણવા મળે અને આપણા પ્રવાસન ઉઘોગનો વિકાસ થયો છે. હાલમાં આપણાં પ્રવાસન ઉઘોગની આવક ૬૦૦ કરોડે  પહોંચી છે. જેનાથી રોજગારીનું નિર્માણ થયું અને સ્થાનિક લોકોની આવકમાં પણ વધારો થયો છે. આ વિચારો ગુજરાતના વન અને આદિજાતિ વિકાસ મંત્રી તથા ડાંગના પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે રાજ્યના એકમાત્ર ગિરમથક સાપુતારા ખાતે શનિવારે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં કહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવને દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકતા રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે ઉત્તરાયણના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરૂણા અભિયાન શરૂ કરાયું છે. પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ ધાયલ થાય અને તેઓની તાત્કાલિક સારવાર થાય તે માટે ટોલ ફ્રી નં. ૧૯૬૨ શરૂ કરાયો છે. તેમજ દવાખાના અને ડોકટરોની ટીમ તૈનાત રખાઇ છે. ગત વર્ષે ૧૭,૦૦૦ પશુ-પક્ષીઓ ધાયલ થયા હતા, જેમાંથી ૧૩,૦૦૦ ને બચાવી લેવાયા હતા.

ડાંગ કલેકટર એન. કે. ડામોરે વિવિધ દેશોના પતંગબાજો તેમજ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રવાસન ઉઘોગને વેગ અપાય છે. ત્યારે આપણી ફરજ થઇ પડે છે કે વિદેશોમાંથી કે ભારતભરમાંથી આવતા પ્રવાસીઓની સલામતિ જળવાય અને વિદેશી હુંડિયામણ આપણને મળે તેમજ રોજગારીની તકોનું નિમાર્ણ થાય.

આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવમાં ડાંગના માલેગામનાં આદિવાસી લોકનૃત્ય કલા મંડળ દ્વારા ડાંગી નૃત્ય તેમજ કાલિકા યુવક મંડળ ચીંચલી દ્વારા પારંપારિક પાવરી નૃત્ય રજુ કરાયું હતું. સાપુતારાની સાધના ઈન્ટરનેશનલ સ્કુલની બાળાઓએ બોલીવુડ સોન્ગ રજુ કર્યું હતુ જયારે જવાહર નવોદય વિઘાલયની બાલિકાઓએ ગણેશ વંદના, ગુજરાતી ગરબો રજુ કરી સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.

પતંગ મહોત્સવમાં ફ્રાન્સ, નેપાળ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, રસિયા, સીંગાપોર, સ્લોવેનિયા, સ્પેન, શ્રીલંકા, ટર્કી, ટયુનિશિયા, થાઈલેન્ડ, યુક્રેન, અમેરિકા, વિયેટનામ ના ૫૦ પતંગબાજો અને ભારતના ઉત્તરપ્રદેશ, તામીલનાડુ, કેરાલા, વેસ્ટ બેંગાલ, બિહાર, લક્ષદ્વીપ, કર્ણાટક, સિક્કીમ ના ૩૯ પતંગબાજો મળીને કુલ-૮૯ પતંગબાજોએ ભાગ લઇ દેશ-વિદેશના અવનવા રંગબેરંગી પતંગો ચગાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે લીંગા રાજવી, જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણિયા, નાયબ વન સંરક્ષક અગ્નૈશ્વર વ્યાસ, દિનેશ રબારી, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, પ્રાયોજના વહીવટદાર કે. જી. ભગોરા, જિલ્લા શિક્ષણાધિકારી એમ. સી. ભુસારા, માજી ધારાસભ્ય વિજય પટેલ, હોટલ એસોશિયેશન સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો અને સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Click to comment

Trending

Exit mobile version