Connect with us

કૃષિ

માંડવાના મહિલા જૂથના શિવશક્‍તિ કાજુ પ્રોસેસિંગ યુનિટનુ લોકાર્પણ

Published

on

વલસાડ : વલસાડના કપરાડાના માંડવામાં દક્ષિણ વન વિભાગના સહયોગથી શિવશક્તિ મહિલા સ્વસહાય જૂથ દ્વારા સંચાલિત શિવ શક્તિ કાજુ પ્રોસેસિંગ યુનિટનું રાજ્યના વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાર્પણ કરવામા આવ્‍યુ હતુ.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે સ્‍વસહાય જૂથની મહિલા ટીમને અભિનંદન પાઠવતાં રાજ્‍ય સરકારે ગ્રામ્‍ય વિસ્‍તારના વિકાસ માટે બનાવેલી યોજનાઓનો લાભ લઇ યોગ્‍ય માર્ગદર્શન મેળવી આગળ વધવા અનુરોધ કર્યો હતો. કાજુ પ્રોસેસિંગ યુનિટ માટે વન વિભાગ દ્વારા સહાય આપવામાં આવે છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સ્‍વસહાય જૂથો કાજુ પ્રોસેસિંગ ઉપરાંત અનેક રોજગારલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે સરાહનીય છે. આદિવાસીઓને ડુંગર વિસ્‍તારમાં વધુમાં વધુ વાવેતર કરવું જોઇએ. સમગ્ર વન વિસ્‍તારમાં કાજુના પ્‍લાન્‍ટેશન થકી ઘરે-ઘરે કાજુનો ગૃહઉદ્યોગ સ્‍થપાશે. શુદ્ધ વાતાવરણ માટે વૃક્ષોનું વાવેતર કરવું જોઇએ, તેમ જણાવી વન વિભાગ દ્વારા દસ વૃક્ષની સામે માલિકીના એક વૃક્ષ કાપવાની મંજૂરી આપવામાં આવે છે, જે ધ્‍યાને લઇ વધુમાં વધુ સાગનું વાવેતર કરવા અનુરોધ કર્યો હતો. ઓર્ગેનિક ખેતીનો બજારમાં સારો ભાવ મળે છે, જે ધ્‍યાને લઇ ગ્રામ્‍ય વિસ્‍તારોના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા જણાવ્‍યું હતું. વિકાસના કામો કરવા માટે એકતા જરૂરી છે. માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કપરાડા તાલુકાના અનેક રસ્‍તાઓ અને પુલોનું નિર્માણ કરવામાં આવનાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા જેવી અનેક યોજનાઓ થકી ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવાસ અને સ્‍વરોજગારી માટેનાં પ્રયાસો હાથ ધરાયા છે. અતિવૃષ્‍ટિના કારણે ખેતીપાકમાં થયેલા નુકશાન માટે રાજ્‍ય સરકારે બાકી રહેલા ખેડૂતોને ૧૪મી જાન્‍યુઆરી સુધીમાં ફોર્મ ભરી દેવા અનુરોધ કર્યો હતો.

કપરાડાના ધારાસભ્‍ય જીતુ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કપરાડા વિસ્‍તારમાં થતી વન પેદાશોની જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, સ્‍વસહાય જૂથની અનેક મહિલાઓ પોતાની આવડત પ્રમાણે કામગીરી કરી રહ્યા છે, જે અભિનંદનીય છે.  દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક એચ. એસ. પટેલે વન વિભાગ દ્વારા અમલી યોજનાકીય જાણકારી આપી હતી. સાથે જ વન વિસ્‍તારને સાચવવા માટે સૌના સહયોગની અપેક્ષા પણ વ્‍યક્‍ત કરી હતી. શિવશક્‍તિ મહિલા સ્‍વસહાય જૂથના પ્રમુખ ગીતાબેન ભુસારાએ મંડળની કામગીરીની રૂપરેખા આપી હતી. વાપીના મદનીશ વન સંરક્ષક આર. બી. સોલંકીએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. નાનાપોંઢા સહાયક વન સંરક્ષકે આભાર વિધિ કરી હતી.

આ અવસરે મુખ્‍ય વન સંરક્ષક એમ. જે. પરમાર, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. બી. સુચિન્‍દ્રા, નાયબ વન સંરક્ષક એસ. વી. કેદારીયા, માધુ રાઉત, ગુલાબ રાઉત, મહેશ ભટ્ટ, સરપંચ તૃપ્‍તીબેન, સહભાગી વન વ્‍યવસ્‍થાના પ્રમુખો, મંત્રીઓ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ

નવસારીના કુકેરી ગામે ધીમે પગલે આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો

Published

on

By

દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં થયો કેદ

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ચીખલી વન વિભાગે દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.

Continue Reading

કૃષિ

જલાલપોરના કરાડી ગામે ગેરકાયદે બાંધેલા ઝીંગાના તળાવો તોડાયા

Published

on

By

જલાલપોર મામલતદારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશનો કરાવ્યો અમલ

નવસારી : નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાંજણ જમીનમાં બનેલા ઝીંગાના તળાવો ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર જલાલપોર મામલતદારે લાલ આંખ કરી છે. જલાલપોરના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે 4 હેક્ટર જમીનમાં બનેલા 5 ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારે દૂર કરાવ્યા હતા.

15 JCB મશીનોની મદદથી 5 ઝીંગા તળાવોને તોડી દૂર કરાયા

નવસારી જિલ્લાને 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેની નજીક કાંઠાનાં ગામડાઓની ખાંજણ જમીનમાં મત્સ્યાધ્યોગને પ્રોત્સાહન આપવા ઝીંગાના તળાવો વિકસાવાયા છે. પરંતુ ઘણી જગ્યાએ નિયમોને નેવે મુકીને આડેધડ બનાવી દેવાયેલા ઝીંગાના તળાવો ભરતીનાં પાણી, કે ચોમાસામાં દરિયાને મળતા પાણીને અવરોધે છે અને તેના કારણે કાંઠાના ગામડાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જલાલપોર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે CRZ ના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 હેક્ટર જમીનમાં બનાવેલા 5 ઝીંગા તળાવો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશની જલાલપોર મામલતદારે અમલવારી કરી, ગેરકાયદે બનેલા પાંચેય ઝીંગા તળાવોને દૂર કરાવ્યા હતા. જલાલપોર મામલતદાર મૃણાલદાન ગઢવી આજે પોલીસ પ્રોટેક્શન સાથે 15 JCB મશીનો લઇ કરાડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે NGT ના આદેશાનુસાર પૂર્ણા નદી કિનારે ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મુકીને બનાવેલા પાંચેય ઝીંગા તળાવોને JCB મશીનની મદદથી તોડીને દૂર કર્યા હતા. આગામી દિવસોમાં પણ જલાલપોર તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર રીતે બનેલા ઝીંગા તળાવોને પણ દૂર કરવાની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.

Continue Reading

કૃષિ

ચીખલીના સાદકપોર ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો

Published

on

By

ચીખલી રેંજમાંથી એક મહિનામાં 6 દીપડા પકડાયા

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, જેને કારણે ખેતી અને વાડી વિસ્તારમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી ચીખલીના સાદકપોર ગામે આંટાફેરા મારતો દીપડો ગત મોડી રાતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સાદકપોરમાં પાંજરે પુરાયેલા દીપડાને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ

નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યું છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાની વસ્તી થોડા વર્ષોમાં ખાસ્સી વધી છે. જેનું કારણ દીપડાઓ માટે આબોહવા માફક આવવા સાથે જ નદી કોતરો સાથે ખેતી અને વાડી વિસ્તાર, જેમાં જંગલી ભુંડ અને મરઘા ફાર્મ થકી શિકાર મળી રહે છે. જોકે દીપડાઓ નજીકની માનવ વસ્તીમાં આવી શ્વાન અને વાછરાડાનો પણ શિકાર કરી લેતા હોય છે. જેમાં પણ છેલ્લા થોડા મહિનાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બનવા સાથે વન વિભાગ દ્વારા પણ ઘણા દીપડાઓને પાંજરે પુર્યા છે. ગત રાતે જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે બામણીયા ફળિયામાં અલ્પેશ પટેલની વાડીમાં ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચમાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સરપંચે ચીખલી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ચીખલી વન કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં દીપડો માદા દીપડો હોવા સાથે તેની અંદાજીત ઉંમર 3 વર્ષની હોવાનું ખુલ્યુ હતુ. વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Continue Reading
Advertisement

Trending