પ્રાંત અધિકારીએ ખેડૂતો સાથે ચર્ચા ચાલુ રાખી સેટેલાઈટ માપણી કરી લેતા ખેડૂતોમાં આક્રોશ
નવસારી : ભારત સરકારના મહત્વાકાન્ક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨ વર્ષથી નવસારી જિલ્લામાં માપણીને કારણે ખોરંભે પડ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ૨૮ ગામોમાંથી બાકી રહી ગયેલા ૫ ગામોમાં આજથી માપણીનો પ્રારંભ કરાયો હતો જોકે વળતરની જાહેરાત કર્યા વિના જ સરકાર દ્વારા અસરગ્રસ્ત પરથાણ ગામે માપણી શરૂ કરતા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોએ ભેગા થઇ માપણી અટકાવી હતી, જેથી અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરવાનો રસ્તો અપનાવવો પડ્યો હતો. જોકે ખેડૂતો સાથે ચર્ચા વચ્ચે જ તંત્ર દ્વારા સેતેલાઈટ માપણી કરી લીધી હોવાનો રાગ આલાપ્યો હતો, જયારે ખેડૂતોએ આજની માપણીને બિન કાયદાકીય ગણાવી હતી.


મોદી સરકાર દ્વારા અમદાવાદથી મુંબઈ સુધી પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું જોયું છે અને તેની જાહેરાત થયા બાદ જમીન સંપાદનની પ્રક્રિયા આરંભ કરવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લામાં ૨૮ ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થશે. જેના અસરગ્રસ્ત ખેડૂતો અને રહેવાસીઓને કેટલું વળતર મળશે, એની જાહેરાત કર્યા વગર જ સરકાર દ્વારા માપણી આરંભાઈ હતી. જેમાં બે વર્ષોમાં તંત્ર દ્વારા ૨૩ ગામોમાં ફિઝીકલી માપણી કરવામાં આવી છે, પરંતુ જિલ્લાનાં પરથાણ, વેજલપોર, આમડપોર, કેસલી અને પાટી ગામમાં માપણી બાકી રહી હતી. દરમિયાન આજે જિલ્લા તંત્ર દ્વારા આજે નવસારી તાલુકાના પરાથાણ ગામે માપણી માટે સંબંધિત ખેડૂતોને નોટીસ પાઠવી હતી. જયારે અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવા પહોંચ્યા હતા જ્યાં બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂતો એકજુથ થઇ ભેગા થયા હતા અને માપણીનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે પરથાણ ગામે પણ બંધ બારણે બેઠક કર્યા બાદ નવસારી પ્રાંત અધિકારીએ ખેડૂત આગેવાનોને ચર્ચા વિચારણા માટે પ્રાંત કર્ચેરીએ બોલાવ્યા હતા. જ્યાં ખેડૂતોની સાથે ચર્ચા વચ્ચે સેટેલાઈટ માપણી કરી લીધી હોવાની પ્રાંત અધિકારીએ વાત કરતા ખેડૂત આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો.
” ખેડૂતોએ માપણીને બિન કાયદાકીય ગણાવી, ખેડૂતો ગાંધીનગર સરકારમાં કરશે રજૂઆત “
મોદી સરકારના મહત્વના પ્રોજેક્ટોમાંથી એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વળતર મુદ્દે ગુજરાત સરકાર કોઈ ફોડ નથી પાડી રહી. બીજી તરફ નવસારી જિલ્લાની જંત્રી પણ અવાસ્તવિક હોવાનો તત્કાલીન જિલ્લા કલેક્ટરે રીપોર્ટ પણ સરકારમાં કર્યો હતો. ત્યારે સરકાર જિલ્લાના ખેડૂતોને વળતર મુદ્દે ન્યાય આપે છે કે કેમ એ જોવું રહ્યું.

પરથાણ ગામની માપણી બિન કાયદાકીય ખેડૂતોના આક્ષેપ
જમીન સંપાદન અધિકારી અને નવસારી પ્રાંત અધિકારીએ ખેડૂતોને વાતોમાં પાડી પરથાણ ગામની માપણી પૂરી થઇ હોવાનો રાગ આલાપતા ખેડૂતો લાલધૂમ થયા હતા. ખાસ કરીને ખેડૂત આગેવાનોએ તંત્ર દ્વારા કરવામાં આવેલી માપણી બિન કાયદાકીય ગણાવી હતી. જેમાં જિલ્લાના ૨૩ ગામોમાં ફીઝીકલ અને જોઈન્ટ માપણી કરવામાં આવી હતી, જ્યાં સ્થાનિક અધિકારી સાથે ખેડૂત અને પ્રોજેક્ટ અધિકારીએ માપણી કરી હતી અને તેમાં બધાની સહી પણ કરવામાં આવી હતી. જ્યારે પરથાણ ગામે ખેડૂતોને અંધારામાં રાખીને કરવામાં આવેલી સેટેલાઈટ માપણીને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આવતી કાલે ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા જવાની તૈયારી બતાવી હતી.
ખેડૂતોને જમીનની જંત્રી પ્રત્યે સંતોષ ન હોય, તેઓની સાથે ચર્ચા ચાલુ છે. – તુષાર જાની

બુલેટ ટ્રેન અંતર્ગત નવસારી જિલ્લામાં જે પાંચ ગામોની માપણી છે, જે પૈકી આજે પરથાણ ગામે માપણી ચાલુ કરવામાં આવી હતી. જે શાંતિપૂર્ણ રીતે પૂરી કરવામાં આવેલ છે. ખેડૂતોને જમીનની જંત્રીનો ભાવ પ્રત્યે સંતોષ ન હોય, એ બાબતે રજૂઆત હતી. જે બાબતે તેઓની સાથે ચર્ચા વિચારણા હાલ ચાલુ છે.
તુષાર જાની, પ્રાંત અધિકારી, નવસારી