બાઈક ચાલક સહીત પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજીયાત
નવસારી : ગુજરાત સરકારે હેલ્મેટને મરજીયાત કર્યાની જાહેરાત કર્યા બાદ થોડા દિવસો અગાઉ હાઈકોર્ટમાં પલટી મારતા હવે બાઈક ચાલક જ નહિ, પણ પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજીયાત બન્યું છે. ત્યારે આજથી નવસારી ટ્રાફિક પોલીસે નેશનલ હાઈવે નં. ૪૮ પર બોરીયાચ ટોલનાકા નજીકથી હેલ્મેટ ડ્રાઈવનો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓના હાથે આરંભ કરાવ્યો હતો.



ભારત સરકારે ટ્રાફિકના નિયમો કડક બાવતા સમગ્ર દેશમાં વિરોધનો સુર ઉઠ્યો હતો. જોકે ભાજપની જ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના કાયદા સામે પડી એમાં છૂટછાટ સાથે ગુજરાતમાં ટ્રાફિક નિયમોને લાગુ કર્યા હતા. જેમાં પણ શહેરોમાં હેલ્મેટ મુદ્દે ઉહાપોહ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ શહેરોમાં હેલ્મેટ પહેરવું મરજીયાત કરી શહેરી લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ટ્રાફિક પોલીસ પણ હેલ્મેટ સહીત ટ્રાફિક નિયમના પાલન કરાવવા મુદ્દે થોડી હળવી બની હતી. પરંતુ હાલમાં જ હાઈકોર્ટમાં ગુજરાત સરકારે બાઈક ચાલકો માટે તો ઠીક પણ પાછાળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજીયાત હોવાનું ગાણું ગાઈ પલટી મારતા રાજ્યમાં સરકારની જાહેરાત ચર્ચાએ રહી છે. ત્યારે નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નવસારી જિલ્લામાં આજથી હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવતા બાઈક ચાલકો માટે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે. જેનો નેશનલ હાઈવે નં. ૪૮ પર નવસારીના બોરીયાચ ટોલનાકા નજીકથી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓનાં હાથે પ્રારંભ કરાવાયો હતો. ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગર બાઈક હંકારતા વાહન ચાલકો અને જે બાઈક પર પાછળ બેસનારે હેલ્મેટ ન પહેર્યું હોય એવા બાઈક ચાલકોને અટકાવી તેમની પાસે ૫૦૦ રૂપિયાનો દંડ ન વસુલાતા ૫૦૦ રૂપિયાનું આરટીઓ માન્ય હેલ્મેટ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનિય છે કે ટ્રાફિક પોલીસ બે મહિના સુધી હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે અને જેના માટે ૧ હજારથી વધુ હેલ્મેટ મંગાવ્યા છે. જયારે બજારમાં મળતા ૮૦૦ રૂપિયાના હેલ્મેટ સામે ટ્રાફિક પોલીસ આઈએસઆઈ માર્કા સાથે ૫૦૦ રૂપિયામાં હેલ્મેટ આપી રહી હોવાની ચર્ચા ઉઠી હતી.



આ અવસરે નવસારી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના મધુભાઈ કથીરિયા, ગણદેવી પીપલ્સ બેંકના ગોપાળભાઈ ગોહિલ, ચીખલી કવોરી એસોસીએશનના સલીમભાઈ શેખ, ન્યુ ઇન્ડીયા બેકરીના હરીશ મંગલાણી, ટાટા હાઈક્સૂલના આચાર્ય બોમી જાગીરદાર, ટ્રાફિક પી. એસ આઈ. એચ. એચ. રાઉલજી સહીત ટ્રાફિક પોલીસની ટીમ, ટ્રાફિક બ્રિગેડના જવાનો અને એઆરટીઓ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.