નશાની હાલતમાં મેહુલ સાથે મારામારી કરી અશ્વેતે કરી હત્યા
નવસારી : અમેરિકાના જ્યોર્જિયામાં રહેતા અને મુળ નવસારીના ગણદેવીના રહીશ મેહુલ વશી (૫૨) એટલાન્ટાની રેડ બ્લુફીન મોટેલમાં ફરજ દરમિયાન ડ્રગ્સના ઓવરડોઝમાં આવેલા અશ્વેત સાથે મગજમારી બાદ આવેશમાં આવી અશ્વેતે મેહુલનું ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ ગણદેવી સ્થિત તેના પરિવારજનોને થતા પરિવારમાં શોકની લાગણી ફેલાવા પામી છે, જયારે ભારતીયની હત્યા મુદ્દે નવસારીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
અશ્વેત ડ્રગ્સના ઓવરડોઝમાં હોવાથી મારામારી કરી ગળુ દબાવી કરી હત્યા
નવસારીના ગણદેવી ખાતે પટેલ સ્ટ્રીટનાં મુળ રહેવાસી મેહુલ રવીન્દ્રભાઇ વશી (૫૨) અમેરિકાના જ્યોર્જિયા સ્થિત ઓગસ્ટા ઇવાન્સમાં ૯ વર્ષથી સ્થાઇ થયા હતા. જેઓ અમેરિકાના એટલાન્ટાની રેડ બ્લુફીન મોટેલમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા સાથે ત્યાં જ રહેતા હતા. જયારે તેમની પત્ની અને બે દીકરીઓ જ્યોર્જિયામાં રહેતા હતા. એટલાન્ટાના એરપોર્ટ નજીકની મેહુલની મોટેલમાં હાલ રીનોવેશન ચાલી રહ્યુ છે, જેથી ફક્ત ૫ રૂમ જ કાર્યરત છે. બે દિવસ આગાઉ રાત્રીના સમયે એક અશ્વેત ડ્રગ્સના ઓવર ડોઝમાં આવ્યો હતો અને નશાની હાલતમાં મેહુલ સાથે કોઇક વાતે માથાકૂટ થતા મારામારી પર ઉતરી આવ્યો હતો. આવેશમાં અશ્વેતે હુમલા દરમિયાન મેહુલનું ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. દરમિયાન મેહુલની સાથે કામ કરતા તેને ફોન કર્યો ત્યારે ફોન અશ્વેતે ઊંચક્યો હતો. જેણે ફોન પર જ મેહુલની હત્યા કરી હોવાનું જણાવતા કર્મચારી ડઘાઇ ગયો હતો. સમગ્ર મુદ્દે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે મૃતક મેહુલ વશીના મૃતદેહનું પીએમ કરાવ્યુ હતુ.
મેહુલની હત્યાથી પરીવાર આઘાતમાં સરી પડ્યો
ગણદેવીના મેહુલ વશીની અમેરિકામાં અશ્વેત દ્વારા થયેલી હત્યાની જાણ તેમના ગણદેવી સ્થિત ઘરે અને સાસરે થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. મેહુલના મોટા ભાઇ ગૌરાંગ વશીએ જણાવ્યુ કે, અમારા માટે મેહુલનું અવસાન આઘાત જનક છે. મેહુલ છેલ્લા ૯ વર્ષથી અમેરિકા સ્થાયી હતો અને અમેરિકન સીટીઝન બન્યા પરિવાર સાથે બેવાર ભારત આવ્યા હતા. જેમાં તેમના મોટાભાઇની દિકરીના લગ્ન વખતે અને બે વર્ષ અગાઉ પણ આવ્યા હતા. અશ્વેતે ડ્રગ્સના ઓવરડોઝમાં હત્યા કરી હોવાની માહિતી મળી છે, શનિવારે અમેરિકામાં જ તેમના અગ્નિ સંસ્કાર કરાશે.