નવસારીની પીડિતાના દોષિતોને ફાંસીએ ચઢાવવાની માતાની માંગ
નવસારી : વડોદરામાં સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી નવસારીની દિકરીએ ટ્રેનમાં કરેલી આત્મહત્યા પ્રકરણમાં આજે વડોદરા પોલીસે OASIS સંસ્થાના મુખ્ય સંચાલકો સહિત ત્રણ સામે બેદરકારીનો ગુનો નોંધતા પીડિતાની માતાએ ખુશી વ્યક્ત કરી, પીડિતાના દોષિતોને ફાંસીએ ચઢાવવાની માંગ કરી હતી. સાથે જ મારી દિકરીને ન્યાય મળશે, તો સંસ્થાના અન્ય યુવક-યુવતીઓને પણ જીવનદાન મળશેની આશા વ્યક્ત કરી છે.
ઘટનાના ૩૩ દિવસો બાદ વડોદરા પોલીસે OASIS સામે નોંધ્યો ગુનો
નવસારીના વિજલપોરમાં રહેતી દિકરીએ લેખક બનવાના સપના સેવ્યા હતા અને તેને પુરા કરવા વડોદરાની જાણીતી OASIS સંસ્થામાં બે વર્ષોથી રહીને અભ્યાસ કરી રહી હતી. લોકોને મોટીવેટ કરવાના પાઠ ભણતી નવસારીની દિકરીનુ ગત ઓક્ટોબરના અંતમાં વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ નજીક બે અજાણ્યા રિક્ષા ચાલકોએ જબરદસ્તી અપહરણ કરી, ગ્રાઉન્ડમાં લઇ જઇ સામુહિક દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટનાના અઠવાડિયા બાદ ફાંસો ખાધેલી અવસ્થામાં વલસાડમાં ગુજરાત ક્વીન ટ્રેનમાંથી પીડિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ કરી રહેલી પોલીસ મહિનો વીતવા છતાં દુષ્કર્મીઓને પકડી શકી નથી. દરમિયાન ગત ૩ જી નવેમ્બરની રાતે પીડિતાએ OASIS સંસ્થાના સંજીવભાઈને વોટ્સએપ મેસેજ કરી, કોઇ એનો પીછો કરી રહ્યો છે અને તેને મારી નંખાશેના ડર સાથે બચાવી લેવાની આજીજી કરી હતી. પરંતુ સમયે સંજીવભાઈની મદદ પીડિતાને મળી ન હતી.
ગૃહ રાજ્ય પ્રધાને પીડિતાને બહેન કહીને ન્યાય અપાવાનું આપ્યુ છે આશ્વાસન
પીડિતાના વોટ્સએપ મેસેજ દ્વારા પીડિતાના પરિવારજનો OASIS સંસ્થા સામે આક્ષેપો કરી રહ્યા હતા. સંસ્થા દ્વારા તેમની દિકરીનાં મોત બાદ તેમની સુધ પણ લીધી ન હતી, સાથે જ પીડિતા સાથે રહેતી અને દુષ્કર્મની સાંજે તેને રૂમ પર લઈને આવનારી નવસારીની જ તેની સહેલી વૈષ્ણવી પણ દુષ્કર્મની ઘટના જ બની ન હોવાનો રાગ અલાપતી હોવાની વાતો સામે આવી હતી. જેથી પીડિતાની માતાએ હાલમાં જ રચાયેલી SIT સામે OASIS સંસ્થાને બચાવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન ગત દિવસોમાં સુરત આવેલા રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને પણ પીડિતાનો પરિવાર મળ્યો હતો. જ્યાં ગૃહ પ્રધાને પીડિતાને પોતાની બહેન બનાવી, ભાઇ ન્યાય અપાવશેનું આશ્વાસન પીડિતાની માતાને આપ્યુ હતુ. ત્યારબાદ આજે વડોદરા પોલીસે સમગ્ર પ્રકરણમાં OASIS સંસ્થાના મુખ્ય સંચાલક સંજીવ શાહ, તેની પત્ની પ્રીતિ શાહ અને પીડિતાની સહેલી વૈષ્ણવી ટાપરિયા સામે બેદરકારી દાખવવાનો ગુનો નોંધી તપાસ આગળ વધારી છે.
પીડિતાની માતાએ પોલીસ અને ગૃહ પ્રધાનનો માન્યો આભાર
OASIS સંસ્થાના મુખ્ય સંચાલક દંપતી સામે ગુનો નોંધાતા જ નવસારીમાં પીડિતાની માતાએ ખુશી વ્યક્ત કરી, પોલીસ અને ગૃહ રાજ્ય પ્રધાન સંઘવીનો આભાર માન્યો હતો. સાથે જ પોલીસ આવનારા દિવસોમાં તેમની દિકરીને મારીને લટકાવી દેનારા દોષિતોને પણ શોધી કાઢશે, એવી અપેક્ષા દર્શાવી હતી. જયારે દોષિતોને ફાંસીએ ચઢાવવાની માંગ પણ કરી છે. સમગ્ર મુદ્દે સંસ્થા શરૂઆતથી શંકાના દાયરામાં હતી, પણ આજે ગુનો નોંધાતા તેમની દિકરીને ન્યાય મળશે અને જેનાથાકી સંસ્થાના અન્ય યુવક-યુવતીઓને જીવનદાન મળશેની આશા પણ વ્યક્ત કરી હતી.