આરોપી નરાધમે બોર ખવડાવવાની લાલચ આપીને બાળાને બનાવી હતી હવસનો શિકાર
નવસારી : નવસારીના ચીખલી તાલુકાના એક ગામમાં 4 વર્ષ અગાઉ 9 વર્ષની બાળકીને બોર ખવડાવવાની લાલચ આપી તેના જ મોહલ્લાના યુવાને શેરડીના ખેતરમાં લઈ જઈ તેની સાથે હેવાનિયત આચરી હતી. જેમાં આજે નવસારીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટે નરાધમને બળાત્કારના કેસમાં તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સના સંભળાવી છે.
બાળકીએ દુષ્કર્મની આપવિતી કહેતા ચીખલી પોલીસ મથકે નોંધાઇ હતી ફરિયાદ

મળતી માહિતી અનુસાર, નવસારીના ચીખલી તાલુકાના એક ગામમાં ગત 15 ડિસેમ્બર, 2018 ના રોજ બપોરે રાકેશ કિરણ નાયકા તેના ઘરની સામે રમતી 9 વર્ષની બાળકી અને તેની નાની બહેન સાથે પ્લાસ્ટિકના બોલથી રમ્યો હતો. ત્યારબાદ 9 વર્ષીય પીડિતાને ઘર પાછળ આવેલા ખેતરમાં બોર ખવડાવવાની લાલચ આપીને તેને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે રાકેશ નાયકાએ મોઢુ દબાવી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો અને બાળકીને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. બાળકીને થોડી કાળ વળતા પોતાના ઘરે આવી હતી, જ્યાં તેની હાલત જોઈ પડોશીઓએ બૂમાબૂમ કરતા તેના માતા પિતા બાળકી પાસે પહોંચ્યા હતા. જ્યાં બાળકીના મોઢામાં કાદવ અને ગાલ પર નખ વાગ્યા હતા. સાથે જ તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હોય તેની સાથે અજુગતું થયુ હોવાનું જાણતા જ માતા પિતાના હોશ ઉડી ગયા હતા. બાદમાં બાળકીને સમજાવીને પૂછતા તેણે રાકેશે ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાની કહાની કરતા બાળકીના પિતાએ ચીખલી પોલીસ મથકે રાકેશ નાયકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી નરાધમ રાકેશની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
આરોપી નરાધમને કોર્ટે 20 વર્ષની સખત કેદ સાથે 10 હજારનો દંડ ફટકાર્યો

માસૂમ બાળાને પીંખનાર રાકેશ સામે આજે નવસારી સ્પેશયલ પોસ્કો કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જેમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા સાથે મેડિકલ પુરાવા અને બાળકી દ્વારા કોર્ટ સમક્ષ આપેલ જુબાની સાથે સરકારી વકીલ અજય ટેલરની દલીલોને કોર્ટે માન્ય રાખી આરોપી હવસખોર રાકેશ નાયકને બળાત્કારના ગુનામાં તકસીરવાર ઠેરવી તેને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો, જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 6 મહિનાની સજા સંભળાવી હતી.
પીડિત બાળકીને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ
જ્યારે કોર્ટ દ્વારા પીડિત બાળકીને ધી ગુજરાત વિક્ટીમ કંમ્પસેશન સ્કીમ 2019 અંતર્ગત 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. જોકે બાળકીને વચગાળાના વળતર પેટે 2020 માં 2,62,500 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવાયા હતા, જેથી બાકી રહેતી વળતરની રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો.