ડાંગ : વિશ્વ વસ્તી દિવસ, ભારત માટે મંથન સાથે ચિંતન કરવાનો દિવસ છે. કારણ ભારતની વસ્તી દિવસે દિવસે વધી રહી છે અને જાણે વસ્તી વિસ્ફોટ થશે એવી સ્થિતિ છે. ત્યારે આજે ડાંગના સુબીર તાલુકાના પીપલાઈદેવી ગામની સરકારી માધ્યમિક શાળામાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જન જાગૃતિ રેલી, નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજીને ઉજવવામાં આવ્યો હતો.
વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે શાળાના શિક્ષક રાહુલ ગામિતે વિદ્યાર્થીઓને ભારતમાં વધતી વસ્તીના ગેરફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં વસ્તી વધવાથી ગરીબી, બેકારી, બેરોજગારી વગેરે સમસ્યાઓનુ સર્જન થાય છે. ત્યારે વધતી વસ્તીને અટકાવવાના પ્રયાસો વિચારી લોકોને જાગૃત કરવા ઉપર બહાર મુક્યો હતો. સાથે જ વસ્તી વિસ્ફોટ રોકવાના ઉપાયોની પણ સમજુતી આપવામા આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે વસ્તી વધારા અને તેને રોકવાના મુદ્દે યોજાયેલી નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધામાં 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
શાળાના આચાર્ય એસ. એસ. ભોયેએ ભાગ લેનાર તથા વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરી અભિનંદન પાઠવ્યા હતા. જયારે કાર્યક્રમનુ સંચાલન સ્મિતા ચૌધરી, ફાલ્ગુની પટેલ અને રાહુલ ગામીત દ્વારા કરવામાં આવ્યુ હતુ.