નવસારીના ધારાગીરીના યુવાનો બાઈક પર સાપુતારા ફરવા જઈ રહ્યા હતા
નવસારી : વરસાદી માહોલમાં બાઈક લઈને સાપુતારા ફરવા નીકળેલા નવસારીના ધરાગીરીના 10 યુવાનોમાંથી એક બાઈક ચીખલીના વાંઝણા ગામ નજીક સ્લીપ થઇ હતી અને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ટ્રકનું તોતિંગ ટાયર બાઈક ચાલક યુવાન ઉપરથી ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતું. જયારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય એક યુવાનને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ કરૂણ મોત નીપજતા માતમ છવાયો છે.
અકસ્માતમાં એકનું ઘટના સ્થળે, તો બીજાનું સારવાર દરમિયાન મોત


ચોમાસુ શરૂ થતા જ નવસારીના ડુંગરાળ વિસ્તારો સાથે નજીકના જંગલોથી આચ્છાદિત ડાંગ જિલ્લાનું સાપુતારા વાદળોથી ઘેરાય છે, વાદળો વચ્ચે વરસાદની મજા માણવા હજારો લોકો સાપુતારાની વાટ પકડે છે. ત્યારે આજે નવસારીના ધારાગીરી વિસ્તારમાં રહેતા 10 યુવાન મિત્રોની ટોળકી 5 બાઈક પર સાપુતારા જવા નીકળી હતી. જેઓ ચીખલી વાંસદા રોડ પર વાંઝણા ગામ નજીક પહોંચતા જ 22 વર્ષીય ફેઝલખાન સલીમખાન પઠાણ અને 23 વર્ષીય અમાન ઈમ્તિયાઝ શેખ, જે સ્પોર્ટ્સ બાઈક પર સવાર હતા, એ વરસાદી પાણીમાં ભીંજાઈને લપસણા બનેલા રસ્તા પર લપસી જતા બંને રસ્તા પર પટકાયા હતા. બાઈક લપસતા થોડે સુધી ખેંચાઈ હતી અને એવામાં જ સામેથી આવતી ટ્રકમાં ઘુસી ગઈ હતી અને ફેઝલખાન પઠાણ ઉપરથી ટ્રકના તોતિંગ પૈંડા એના ઉપરથી ફરી વળતા ફેઝલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ અમાન શેખને પણ માથા સાથે શરીરે ગંભીર ઈજાઓ થતા પ્રથમ ચીખલી રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ અમાને પણ અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માત થતા બંનેના મિત્રોએ પરિવારજનોને જાણ કરી કરતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જયારે ઘટના સ્થળે પહોંચેલી ચીખલી પોલીસે મૃતક ફેઝલનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ હેઠળ ખસેડ્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.
પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

નવસારીના ધરાગીરી ખાતે રહેતો ફેઝલખાન ડ્રાઈવર હતો, જયારે અમન શેખ હાલ કોઈ કામ કરતો ન હતો. બંને મિત્રો પોતાના અન્ય મિત્રો સાથે સાપુતારામાં વરસાદની મજા માણવા નીકળ્યા, પણ તેમને રસ્તામાં કાળ ભેટી જતા જીવનનો આનંદ માણવા, જતા મોતનાં અંધારામાં સરી પડ્યા હતા. જેમાં અમાન શેખતો પરિવારનો એકનો એક દીકરો હતો, ત્યારે અકસ્માતમાં બંનેના મોત થતા પરિવાર પર આભ ફાટ્યુ છે, સાથે ધરાગીરી શોક મગ્ન થયું હતું.