મહિલા વકીલે પીડિતાના લગ્ન હિંદુ યુવાન સાથે કરાવી, માતા પિતા વિરૂદ્ધ બોલવા અને છૂટાછેડા પણ કરાવ્યા
નવસારી : નવસારીના ચકચારિત લવ જેહાદ પ્રકરણમાં પીડિતાના લગ્ન હત્યારોપી હિંદુ યુવાન સાથે કરાવી, માતા પિતા વિરૂદ્ધ બોલવા અને બાદમાં છૂટાછેડા પણ કરાવી આપનાર મહિલા વકીલની પુરાવાઓને આધારે સક્રિય ભૂમિકા હોવાનું જણાતા નવસારી સેશન્સ કોર્ટે તેના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.
વકીલ દક્ષા લાઠીયાએ વકિલાતની ફરજ નિભાવી હોવાની દલીલ સાથે માંગ્યા હતા આગોતરા જામીન

નવસારી જિલ્લાના ખેરગામના શાતિર દિમાગ બુટલેગરે અસીમ નિઝામમિયાં શેખે જબરદસ્તી સગીરાને પોતાની જાળમાં ફસાવી, તેની સાથે વર્ષો સુધી દુષ્કર્મ આચર્યુ હતુ. સાથે જ સગીરા પુખ્તવયની થતા તેને પોતાની બેગમ હોવાનો વિશ્વાસ આપીને પણ તેનું શારીરિક શોષણ કરતો હતો. જેમાં લવ જેહાદનાં વિવાદથી દૂર રહેવા નવસારીની મહિલા વકીલ દક્ષા ગોપાલ લાઠીયા (33) ની સલાહથી વિધર્મી અસીમે પીડિતાને પોતાના મિત્ર અને હત્યાના ગુનાના આરોપી રોનક ઉર્ફે બોબડો પટેલ સાથે પરણવા માટે મનાવી લીધી હતી. પ્લાન પ્રમાણે મહિલા વકીલ દક્ષાએ પીડિતાના ગત 20 મે, 2023 ના રોજ નવસારીના મહાદેવ મંદિરમાં લગ્ન કરાવ્યા બાદ નોટરી પણ કરાવી હતી. દરમિયાન પીડિતાએ પોતાના માતા પિતાને ફોન કરીને પોતાના લગ્નની વાત કરતા, પિતાએ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જેથી મહિલા વકીલ દક્ષાએ નવપરિણીત યુગલ પીડિતા અને રોનકને પોલીસ મથકે હાજર કરાવ્યા હતા. જેમાં પણ પીડિતાને તેના માતા પિતા વિરૂદ્ધ ઘરની બહાર નીકળવા દેતા નથી, સાંકળથી બાંધી રાખે છે અને મોબાઈલ પણ આવતા નથી, એવું કહેવા જણાવ્યુ હતું. જોકે પીડિતાએ માતા પિતા વિરૂદ્ધ કઈ ન બોલતા પોલીસે કાઉન્સેલિંગ બાદ પીડિતાને માતા પિતાને સોંપી હતી. ત્યારબાદ વકીલ દક્ષાએ પીડિતા અને રોનકના લગ્નના ત્રીજા જ દિવસે ગણદેવી કોર્ટમાંથી છૂટાછેડા પણ કરાવી દીધા હતા. આ સમગ્ર ઘટના પોલીસ તપાસમાં સામે આવતા ધરપકડથી બચવા વકીલ દક્ષા લાઠીયાએ નવસારી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.
મહિલા વકીલે વિધર્મી અસીમ સાથે 124 વાર અને હત્યારોપી રોનક સાથે 70 વાર ટેલીફોનીક વાતો કરી

નવસારી સેશન્સ કોર્ટના અધિક જજ તેજસ ભ્રહ્મભટ સમક્ષ આ કેસ ચાલી જતા, મહિલા વકીલના વકીલે તેમણે અસીલના કહેવા પ્રમાણે તેમની વકિલાતની ફરજ જ નિભાવી હોવાનું જણાવી આગોતરા જામીન માંગ્યા હતા. જેમાં સામે પક્ષે સરકારી વકીલ તુષાર સુળેએ પોલીસ તપાસમાં સામે આવેલી કડીઓ કોર્ટ સમક્ષ પુરાવા રૂપે રજૂ કરી હતી. જેમાં વકીલ દક્ષા લાઠીયાએ ગુનાના મુખ્ય આરોપી વિધર્મી અસીમ શેખ સાથે 124 વાર ટેલીફોનીક વાતો કરી હતી. જયારે સહ આરોપી રોનક ઉર્ફે બોબડો પટેલ સાથે 70 વાર અને અન્ય એક મેહુલ સાથે 10 વાર ફોન ઉપર વાતો કરી હતી. સાથે જ પીડિતાના હત્યારોપી સાથે લગ્ન, માતા પિતા વિરૂદ્ધ બોલવા સમજાવવી અને છૂટાછેડા પણ કરાવી આપવા સમગ્ર બાબતો વિકલ દક્ષાની સક્રિયતા દર્શાવે છે. જેથી જામીન નામંજૂર કરવાની દાદ માંગી હતી. જેને સેશન્સ કોર્ટના અધિક જજ તેજસ ભ્રહ્મભટે ગ્રાહ્ય રાખી, મહિલા વકીલે પોતાના આર્થિક ફાયદા માટે કાયદાનો દુરૂપયોગ કરી ગેરકાયદે કાવતરૂ રચવામાં સક્રિય ભૂમિકા ભજવી હોવાનું તારણ કાઢી, મહિલા વકીલ દક્ષા લાઠીયાના આગોતરા જામીન ફગાવી દીધા હતા.