વરસાદી આફતથી શહેરમાં જળબંબાકાર, લોકોના ઘરો, દુકાનોમાં વરસાદી પુરના પાણી ભરાયા
નવસારી : નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘાએ ધમદાટી બોલાવી છે. જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ખેરગામમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ નવસારી અને જલાલપોર તાલુકામાં મેઘાએ તાંડવ કરતા નવસારીમાં જળબંબાકારની સ્થિતિ બની છે. નવસારીમાં સવારે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 12.62 ઇંચ સાંબેલાધાર વરસેલા વરસાદ ખાબકતા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં કેળ સમા વરસાદી પાણી ભરતા જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે. જલાલપોરમાં પણ 6 કલાકમાં 11.41 ઇંચ વરસાદ વરસ્યો છે, જેણે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
ખેરગામમાં 2 કલાકમાં 5 ઇંચ, દાદરી ફળિયામાં ખેતરના પાણી રસ્તા પર ફરી વળ્યા
નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘાની સવારી તોફાન મચાવતી આવી હતી. જેમાં ખેરગામ તાલુકામાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 5 ઇંચ વરસાદ પડતા, ખેરગામના નાળા, ખાડી અને ખેતરો પાણીથી છલોછલ થયા હતા. ખેતરોના પાણી નજીકના રહેણાક વિસ્તારમાં રસ્તા પર ફરી વળતા લોકોને મુશ્કેલી વેઠવા પડી હતી. ખેરગામના ગાંધીનગર સોસાયટી, દાદરી ફળિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાથી સ્થાનિક લોકોને હાલાકી વેઠવી પડી હતી. જેમાં દાદરી ફળિયાના લોકોએ પાણીના વહેણમાં અવરોધરૂપ દીવાલ તોડી હતી. જોકે સવારે 8 વાગ્યા બાદ વરસાદે ખેરગામને રાહત આપી અને નવસારીમાં શરૂ થયેલા વરસાદે તાંડવ કર્યું છે. તોફાન મચાવતી મેઘાની સવારીએ નવસારીમાં બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં જ 12.62 ઇંચ, જાણે આભ ફાટ્યું હોય એવો ધમાકેદાર વરસાદ વરસ્યો છે.
શહેરમાં કોન્વેન્ટ સ્કૂલથી તીઘરા જકાતનાકા સુધીના માર્ગ પર કેળ સમા પાણી, હજારો લોકો અટવાયા

નવસારીમાં સવારે દોઢ ઇંચ વરસાદ પડ્યા બાદ 10 થી 12 વાગ્યા સુધીમાં 225 મિમી એટલે 9.37 ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પુરની સ્થિતિ બની હતી. જેમાં શહેરના પ્રવેશદ્વાર સમા અહિંસા દ્વાર પાસે, ગ્રીડ ચોકડી પાસે બારડોલી જવાના સર્વિસ રોડ પર, નેશનલ હાઈવે નં. 48 પર નિરાલી હોસ્પિટલ પાસે, ભારતી ટોકીઝ સામે, કાલીયાવાડી, જુનાથાણા, લાયબ્રેરી, મધુમતી, પ્રજાપતિ આશ્રમથી કુંભારવાડ, પારસી હોસ્પિટલ સામેના રસ્તા પર પાલિકાના બંધ શોપિંગ સેન્ટર પાસે, સરદાર હાઈટ્સ પાસે, સેન્ટ્રલ બેંક, શાકભાજી માર્કેટ, ગોલવાડ, શાંતાદેવી રોડ, વિજલપોર, વિઠ્ઠલ મંદિર, જલાલપોર સહિત શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થયા હતા. આ વિસ્તરોમાં ઘૂંટણથી કેળ સમા પાણી ભરાયા હતા. જેમાં નવસારીથી ગણદેવીને જોડાતા મુખ્ય માર્ગ પર કોન્વેન્ટ સ્કૂલથી તીઘરા જકાતનાકા પાસે કુદરતી કાંસમાં જ બોક્ષ ડ્રેનેજ બનાવી દેતા 15 વર્ષોમાં આટલું પાણી આવ્યું હોવાની સ્થાનિકોનું અનિમાન હતું. જયારે રસ્તા પર પાણી ભરાતા નજીકમાં આવેલ વિદ્યાકુંજ હાઈસ્કૂલ અને કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ છુટ્યા હતા, પણ વરસાદી પાણીમાંથી પસાર થવું વિદ્યાર્થીઓ માટે જોખમ રૂપ હતું. તમે છતાં વાલીઓ, મિત્રો અથવા જે સહારો મળ્યો તેમની સાથે કેળ સમા પાણીમાંથી રસ્તો ક્રોસ કરવા માંડ્યા હતા. હજારો લોકોએ પાણી ભરવાના બંને છેડે પોતાના વાહનો મૂકીને રસ્તો ક્રોસ કરવાની ફરજ પડી હતી. સાથે જ તીઘરા પાલિકા દ્વારા હાલમાં વરસાદી કાંસમાં તીઘરામાં બનાવેલ બોક્ષ ડ્રેનેજ પાણી ભરાવાનું કારણ હોવાના આક્ષેપ લગાવ્યા હતા. જેમાં કાંસની પહોળાઈને સંકોચી બોક્ષ ડ્રેનેજ બનાવી છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ ધીમે રહેતા, હજારો લોકો અટવાયા હતા.
સાંબેલાધાર વરસાદે પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની ખોલી પોલ..!

નવસારી શહેરમાં નવસારી વિજલપોર પાલિકાએ ચોમાસાને ધ્યાને લઇ પ્રી મોનસૂન કામગીરી પાછળ લાખો ખર્ચ્યા હતા. જોકે વિકાસનાં પર્યાય બનવામાં ઘણી જગ્યાએ વરસાદી કાંસ, જે ઘણી મોટી હતી, એમાં સાંકડા વિસ્તારમાં બોક્ષ ડ્રેનેજ બનાવી દેતા વરસાદી પુરની સ્થિતિ બની છે. ખાસ કરીને આભ ફાટ્યાની સ્થિતિને કારણે ડ્રેનેજમાંથી પાણીનો નિકાલ થવો મુશ્કેલ બન્યું હતું. જેથી ઘૂંટણથી કેળ સમા પાણી ભારાયા હતા. જોકે પાલિકાના પ્રી મોનસૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા. પ્રી મોનસૂન કામગીરીમાં પાલિકાએ વેઠ ઉતારતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ અવરાધાયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરે તેમજ દુકાનોમાં વરસાદી પુરના પાણી ભરાયા હતા અને લોકોએ મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.