આરોપી પાસેથી 100 ઓક્સીટોસીન ઇન્જેક્શન મળી આવ્યા
નવસારી : પશુઓ વધુ દૂધ આપે એ માટે ઓક્સીટોસીન હોર્મન માટેના ઇન્જેક્શન ગેરકાયદેસર રીતે આપવામાં આવે છે. પશુપાલન વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આળસને કારણે આજે પણ નવસારીના પશુપાલકો બેખોફ પશુઓને ઓક્સીટોસીનના ઇન્જેક્શન આપે છે, ત્યારે નવસારીના સંદલપોર ગામે પશુપાલકોને પ્રતિબંધિત ઓક્સીટોસીન ઇન્જેક્શન આપવા જતા સુરતના વૃદ્ધને નવસારી SOG પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો. જયારે તેની પાસેથી 100 ઓક્સીટોસીન ઇન્જેક્શનનો જથ્થો પણ મળી આવ્યો હતો.
ઓક્સીટોસીન ઇન્જેક્શન સુરતના એક કરીયાણાના દુકાનદાર પાસે લાવ્યો હતો આરોપી


મળતી માહિતી અનુસાર, નવસારી SOG પોલીસની ટીમના HC ભક્તેશ નિવૃત્તિ અને HC મયુર રઘુ બંનેને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે નં. 48 ને અડીને આવેલા નવસારી તાલુકાના સંદલપોર ગામના પાટીયા થઇને એક વ્યક્તિ ગામના પશુપાલકોને ગાય અને ભેંસ વધુ દૂધ આપે એ માટેના હોર્મોન વધારવા ઓક્સીટોસીન ઇન્જેક્શન વેચવા આવવાનો છે. જેના આધારે SOG પોલીસે સંદલપોર પાટીયા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ઇસમ બાઇક ઉપર આગળ બે થેલા મુકીને સંદલપોર પાટીયા પાસે આવતા જ પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેના થેલાઓમાંથી ઇન્જેક્શનના બોક્ષ મળી આવ્યા હતા. જેથી પોલીસની પૂછપરછમાં વ્યક્તિએ પોતાની ઓળખ સુરતના એકે રોડ, ફૂલપાડા સ્થિત ગીતાનગરમાં રહેતા 70 વર્ષીય ખુશાલ ગંગારામ કટપુરિયા તરીકે આપી હતી. જયારે તેના થેલામાંથી ઓક્સીટોસીનના 200 મિલીની 100 ઇન્જેક્શન બોટલો મળી આવી હતી. જેની સાથે જ 5 મિલીની 45 ઇન્જેક્શનની સિરીંજ અને 240 વેટરનરી નીડલ પણ મળી આવી હતી. જેથી પોલીસે ઇન્જેક્શન તેમજ તમામ જથ્થા, મોબાઈલ અને બાઇક સાથે કુલ 44,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી ખુશાલ કટપુરિયાની ધરપકડ કરી પ્રતિબંધિત ઇન્જેક્શન ક્યાંથી લાવ્યો હોવાનું પૂછતાં સુરતના કામરેજ ખાતે લસકાણા ખાતેની એક અનાજ કરીયાણાની દુકાનેથી વેચવા માટે લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે આરોપી ખુશાલ વિરૂદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પશુ ક્રુરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.
વધુ દૂધ મેળવવા પશુઓને આપવામાં આવે છે ઓક્સીટોસીન

માદા પશુમાં ઓક્સીટોસીન હોર્મનનો સ્ત્રાવ થતા દૂધ ઝરે છે. જેથી પશુપાલકો વધુ દૂધ મેળવવા બહારથી ઓક્સીટોસીનના ઇન્જેક્શન આપે છે. જેના થકી પશુના આરોગ્ય ઉપર પણ અસર પડે છે. ચર્ચા અનુસાર ઓક્સીટોસીન બહારથી આપવું પશુનાં જીવન માટે જોખમ કારક છે. સાથે જ દૂધ સાથે ઓક્સીટોસીન જો માનવ શરીરમાં જાય તો એ નુકશાનકારક પણ છે. જેથી સરકાર દ્વારા ઓક્સીટોસીન ઇન્જેક્શન ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તેમ છતાં પશુપલકો ગેરકાયદેસર રીતે ઓક્સીટોસીનના ઇન્જેક્શન મેળવી તેને પશુને આપીને ઓછા સમયમાં વધુ દૂધ મેળવવાનો પ્રયાસ કરે છે. કારણ ઇન્જેક્શન મુકતા જ દૂધ ઝરવા માંડે છે. જોકે ડોક્ટરની ભલામણ પર મેળવી શકાય છે.