ગણદેવીના માછીયાવાસણ ગામે બંધ DJ ને અન્ય DJ સંચાલકે ખસેડવા કહેતા થઇ હતી માથાકૂટ
નવસારી : ધંધાની અદાવતમાં ગણદેવીના માછીયાવાસણ ગામે ગત રોજ રસ્તામાં DJ બંધ પડ્યુ હતુ, ત્યારે જ હરીફ DJ સંચાલક પોતાનું DJ લઇ પસાર થયો અને બંધ DJ હતાડવાનું કહેતા થયેલી માથાકૂટમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા. બંને જૂથો વચ્ચે હથિયારો સાથે થયેલી મારામારીમાં એક યુવાનને પેટમાં ચપ્પુ મારી દેવાના પ્રકરણમાં હરકતમાં આવેલી ગણદેવી પોલીસે ગણતરીના કલાકોમાં મારામારી કરી ચપ્પુના ઘા મારનાર જૂથના 6 લોકો, જયારે સામેના જૂથના 4 માંથી 2 ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ગણદેવી પોલીસે સામ સામે ફરિયાદ નોંધી, કુલ 10 માંથી 8 આરોપીઓની કરી ધરપકડ
મળતી માહિતી અનુસાર, ગણદેવી તાલુકાના માછીયાવાસણ ગામે રહેતો આકાશ કલ્પેશ ખલાસી DJ ના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જે ગત રોજ પોતાનું DJ લઇને ક્યાંક જઈ રહ્યો હતો. પરંતુ રસ્તામાં તેનું DJ બંધ પડી ગયુ હતુ. દરમિયાન માછીયાવાસણમાં જ રહેતો આશિષ કિશોર ખલાસી પણ પોતાનું DJ લઇ, એજ રસ્તા પરથી નિકળ્યો હતો. પરંતુ આકાશનું DJ રસ્તામાં બંધ પડેલું હોવાથી આગળ જઈ શકતો ન હતો. જેથી આશીષે, આકાશને તેનું DJ હટાવવા કહ્યુ હતુ. આકાશે દેખાતું નથી, DJ બંધ પડ્યુ છે, કહેતા જ આશિષ ખલાસી અને તેની સાથેના નિકેશ ઉર્ફે નીકુ કિશોર ખલાસી, ભાવિન ઉર્ફે ભાવો પટેલ, માસા ગામે રહેતો દર્શન મુકેશ પટેલ, અમલસાડની શંખેશ્વર સોસાયટીમાં રહેતો દેવ મહેશ પટેલ અને છાપર ગામે રહેતો સાગર ઉર્ફે સાગુ પ્રકાશ પટેલ આકાશ અને તેના ભાઈ પીનલ ખલાસી તેમજ અન્ય બે યુવાનો સામ સામે આવી ગયા હતા. જેમાં વાત મારમારી સુધી પહોંચી હતી અને આશિષ તરફથી ચપ્પુ કાઢીને વાર કરતા પીનલ પટેલના પેટના ભાગે વાગી જતા, તેનું આંતરડું બહાર આવી જતા તમામ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા પીનલ પટેલને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જયારે ઘટનાની જાણ થતા ગણદેવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળેથી બંને DJ સીસ્ટમ કબ્જે લઇ, આકાશની ફરિયાદને આધારે આશિષ અને તેના સાથીઓ સામે રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તમામ હુમલાવરોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં 24 કલાકમાં જ પોલીસને સફળતા મળી છે અને ગણદેવી પોલીસના PSI દિગ્વિજયસિંહ રાઠોડ અને તેમની ટીમે આશિષ ખલાસી સાથે તેના ભાઇ નિકેશ ઉર્ફે નીકુ, ભાવિન ઉર્ફે ભાવો, સાગર ઉર્ફે સાગુ, દર્શન અને દેવની ધરપકડ કરી હતી. જયારે સામે પક્ષે આશિષની ફરિયાદને આધારે પોલીસે આકાશ ખલાસી તેના ભાઇ પીનલ ખલાસી સહિત કુલ 4 સામે મારામારીની ફરિયાદ નોંધી, આકાશ ખલાસી અને તેના સાથીની ધરપકડ કરી જેલના સળીયા ગણતા કરી દીધા છે. જોકે પીનલ સારવાર અર્થે હોવાથી અને તેમનો બીજો એક સાથી મળી બે આરોપીઓ વોન્ટેડ છે. ગણદેવી પોલીસે સમગ્ર મુદ્દે તપાસને વેગ આપ્યો છે.
7 મહિના અગાઉ લગ્નમાં DJ ને લઇ આશિષ અને આકાશ વચ્ચે થયો હતો ઝઘડો
ગણદેવી પોલીસના હાથે પકડાયેલા આશિષ ખલાસીની પૂછપરછમાં તેણે જણાવ્યુ કે, આશિષ અને આકાશ બંને એક જ ગામના અને DJ ના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે. બંને વચ્ચે ધંધાને લઇને સ્પર્ધા રહે છે, જેમાં 7 મહિના આગાઉ લગ્નમાં DJ ના બુકીંગને લઇ બંને વચ્ચે વિવાદ થયો હતો. જેની અદાવત બંને વચ્ચે ચાલતી હતી જ, તેમાં ગત રોજ આકાશે DJ ખસેડવાની વાત કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી મારામારી સુધી પહોંચી હતી. જેમાં સામ સામે ચપ્પુ ચાલતા આકાશના ભાઈ પીનલને પેટમાં વાગી જતા તેના આંતરડા બહાર આવી ગયા હતા.
મારામારી અને હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલા 5 આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
ગણદેવી પોલીસે પીનલ ખલાસીની હત્યાના પ્રયાસમાં પકડેલા 6 આરોપીઓમાંથી 5 આરોપીઓ સામે પોલીસ ચોપડે ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. જેમાં સાગર ઉર્ફે સાગુ પટેલ રીઢો ગુનેગાર છે, જેના સામે ગણદેવી તાલુકાના અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 13 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. જયારે આશિષ ખલાસી સામે 5 ગુનાઓ નોંધાયા હતા. દર્શન પટેલ સામે 3, ભાવિન ઉર્ફે ભાવો પટેલ સામે 2 અને નિકેશ ઉર્ફે નીકુ ખલાસી સામે 1 ગુનો નોંધાયો હતો.