કપડાનો ધંધો કરતા દેવાદાર થતા યુવાને શોર્ટ કર્ટ શોધ્યો, પણ નવસારી SOG પોલીસે કરી ધરપકડ
નવસારી : ઓછા સમયમાં વધુ રૂપિયા બનાવવાની યુવાનોની લાલચ તેમને અવળા રસ્તે પહોંચાડી છે. આવું જ કઈ નવસારીના તલાવચોરા ગામે બન્યુ છે. તલાવચોરાના યુવાને રાતો રાત રૂપિયા બનાવી લેવા હતા અને એણે સરળ રસ્તો શોધી કાઢ્યો, ઘરે જ કલર પ્રિન્ટર ઉપર 200 અને 100 રૂપિયાના દરની નકલી ચલણી નોટો બનાવી તેના ઉપયોગની ફિરાકમાં હતો. પરંતુ બજારમાં નકલી ચલણી નોટ વટાવવા જાય એ પૂર્વે જ નવસારી SOG પોલીસે તેને પકડી પાડી જેલના સળીયા ગણતો કરી દીધો છે.
આરોપી તેજસ પાસેથી 200 અને 100 રૂપિયાના દરની 62 ચલણી નોટ કબ્જે કરી
મહેનત વગર રૂપિયા કમાવવા સરળ નહીં, પણ મુશ્કેલ છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામે રહેતા અને કાપડનો વ્યવસાય કરતા તેજસ સુરેશ ચૌહાણ પણ મહેનત વગર રાતોરાત રૂપિયાવાળો થવાના સપના જોતો હતો. જેમાં તેણે ઘરે જ રૂપિયા છાપવાનો શાતીર વિચાર ઉઠતા, ઓછા રોકાણે ભારતીય ચલણી નોટ છાપવાનું શરૂ કર્યુ હતું. તેજસે ભારતીય ચલણની 200 અને 100 રૂપિયાના દરની ચલણી નોટો છાપવા માટે સ્કેનર સાથેનું કલર પ્રિન્ટર લીધુ હતું. જેના ઉપર તેજસે ચલણી નોટને સ્કેન કર્યા બાદ ચલણી નોટના કાગળને મળતો જ કાગળ વાપરી તેની કલર પ્રિન્ટ કાઢી હતી. અસલ ચલણી નોટ જેવી દેખાય એ રીતે જ નોટ કાપતો હતો. તેજસની રાતોરાત લખપતિ બનવાનું સપનું કોઇકે લીક કરી નાખ્યું અને તેની જાણ નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસને થતા ગત રોજ તલાવચોરા ગામે તેજસના ઘરે છાપો મારી, 200 ના દરની 56 અને 100 ના દરની 6 નોટ મળીને કુલ 62 નોટ મળીને 11,800 રૂપિયાની નકલી ચલણી નોટો સાથે તેજસ પટેલને રંગે હાથ પકડી પાડ્યો હતો. સાથે જ પોલીસે ઘટના સ્થળેથી સ્કેનર સાથેનું કલર પ્રિન્ટર, A/4 સાઈઝના પેપર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મુદ્દે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, PSI એચ. એસ. પટેલે આગળની તપાસ હાથ ધરી છે.
આરોપી તેજસ પટેલ 6 દિવસના પોલીસ રિમાન્ડ પર
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી તેજસ અગાઉ પ્રોહીબીશનના ગુનામાં પકડાઈ ચુક્યો હતો. જોકે હાલ કપડાનો ધંધો કરતો તેજસ દેવાદાર બનતા તેણે શોર્ટકર્ટ અપનાવી રૂપિયા બનાવી લેવાનો કીમિયો રચ્યો હતો. પરંતુ નકલી ચલણી નોટો છાપીને બહાર વટાવવા જાય એ પૂર્વે જ પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી તેજસને ચીખલી કોર્ટ સમક્ષ રજૂ કરી 6 દિવસનાં પોલીસ રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં તેની સાથે અન્ય કોઈ જોડાયેલો છે કે કેમ.? એણે નકલી નોટ છાપીને ક્યાંક વટાવી છે કે કોઈને આપી છે..? એની તપાસને ચીખલી પોલીસ વેગ આપશે.
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીને આધારે 6.23 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે એકને વોન્ટેડ જાહેર કરીને તપાસને વેગ આપ્યો છે.
પોલીસે ઘટના સ્થળેથી 16.28 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના લાખોના વિદેશી દારૂની હેરાફેરી થાય છે. ત્યારે નવસારી ગ્રામ્ય પોલીસના HC નજુ જીલુ અને HC અજય રમેશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કથ્થાઈ રંગના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો દમણથી વાપી, વલસાડથી નેશનલ હાઈવે પર નવસારી થઇને આગળ સુરત તરફ જનાર છે. જેને આધારે ગ્રામ્ય પોલીસની ટીમે નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, ટેમ્પોમાં આગળના ભાગે દોરા ધાગાનાં બોબીનનાં બોક્ષની પાછળ વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો. જેમાં 6,23,760 રૂપિયાની વ્હીસ્કી બીયરની કુલ 2136 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના નિફાડ તાલુકાના પીમપ્લસ રામાયે ગામના આનંદનગરમાં રહેતા 31 વર્ષીય કાનીફનાથ પુરીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો અશ્વિન નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો, જેથી પોલીસે અશ્વિનને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 10 લાખ રૂપિયાનો ટેમ્પો અને 5 હજાર રૂપિયાના મોબાઈલ ફોન સાથે કુલ 16.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.
પોલીસે સેલવાસના રમેશ અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે 4.07 લાખના વિદેશી દારૂ ભરેલા પીકઅપ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે દારૂ ભરાવનાર સેલવાસના રમેશ અને દારૂ મંગાવનાર અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
LCB પોલીસે ઘટના સ્થળેથી 9.16 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન LCB ના HC નયન હનુભા અને HC દિગ્વિજયસિંહ રવજીભાઇની સંયુક્ત બાતમી હતી કે, એક પીકઅપ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. જેથી પોલીસે હાઈવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે જ બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી, તપાસ કરતા ટેમ્પોમાં 35 પૂઠાનાં બોક્ષમાંથી 4,06,800 રૂપિયાની વ્હીસ્કી અને બીયરની 972 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને સેલવાસના આમલી ગામે રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના રાજારામ બનવારી હરીજનની ધરપકડ કરી હતી. જયારે તેની પૂછપરછમાં દારૂનો જથ્થો સેલવાસના રમેશે ભરાવી આપ્યો હતો, જયારે તેને અજાણ્યાને પહોચાડવાનો હતો. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 9.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો.