બેંક કરતા ઉંચા વ્યાજે 3.08 કરોડ રોકાવ્યા, રોકાણકારોને એક પણ રૂપિયો ન આપ્યો, GPID હેઠળ નોંધાયો ગુનો
નવસારી : નવસારીના એક ભેજાબાજે ત્રણ વર્ષ અગાઉ રોકાણ ઉપર બેંક કરતા વધુ વ્યાજ આપવાની લાલચે નવસારી સહિત આસપાસના શહેરો અને ગામડાઓમાંથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ, રોકાણકારોને એક પણ રૂપિયો ન આપી છેતરપીંડી કરવાના પ્રકરણમાં નવસારી LCB પોલીસે નવસારીની ખાનગી ફાયનાન્સ કંપનીના ડીરેક્ટર તેમજ ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી હતી. જયારે અન્ય બે ઠગબાજોને વોન્ટેડ જાહેર કરી, તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે.
બેંક કરતા ઉચું વ્યાજ આપવાની સ્કીમ બનાવી શરૂ કરી પદ્માવતી ફીનવેક્સ નિધિ લિ.

નવસારીના ગણદેવી રોડ પર આવેલ જમના પાર્ક સોસાયટીમાં ભાડેના બંગલામાં રહેતા અને તેલના વેપારી કલ્પેશ ધીરજલાલ કોઠારી (50) એ ઓછા સમયમાં જ કરોડો રૂપિયા કમાવવાનો નુસખો તેના સાથી અને મુંબઈના બોરીવલી ખાતે રહેતા જીતુ મણીલાલ પટેલ સાથે મળીને શોધી કાઢ્યો હતો. કલ્પેશ કોઠારીએ 4 વર્ષ અગાઉ પદ્માવતી ફીનવેક્સ નિધિ લિ. સ્થાપી, બેંક કરતા ઉંચા વ્યાજ આપવાની લાલચે નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક શહેરો, ગામડાઓના લોકોની પાસેથી રોકાણ લેવાનું શરૂ કર્યુ હતું. રોકાણના બદલામાં કલ્પેશ અને જીતુ FD બનાવી આપતા હતા. જેની સાથે જ FD ની રકમ આધારે કંપનીના 10 રૂપિયાનાં શેર આપવાની લોભામણી જાહેરાત આપી, લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. જેમાં ગત ઓગસ્ટ 2022 માં નવસારીના દુધિયા તળાવ સામે નુતન સોસાયટીમાં રહેતા જાપાન અને અમેરિકામાં જ્વેલરીનો વેપાર કરતા ચંદ્રકાંત રણછોડજી પટેલનો ફ્લેટ લેવા પહોંચેલા કલ્પેશ કોઠારીએ 51 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. પરંતુ ચંદ્રકાંત પટેલ તેને બેંકમાં નાંખે એ પૂર્વે બેલેન્સ નહી હોવાનું બહાનું કાઢી કલ્પેશે ચેક નાંખવા દીધો ન હતો. બીજી તરફ ચંદ્રકાંત અમેરિકા જતા રહ્યા હતા, દરમિયાન તેમની દીકરીનું અવસાન થતા તેઓ હતાશામાં સારી પડ્યા હતા, પરંતુ ડિસેમ્બર 2022 માં નવસારી આવતા કલ્પેશે તેમને સાંત્વના આપી, પોતાની ખાનગી બેંક પર બેસવાની સલાહ આપી હતી. જેથી ચંદ્રકાંત અને કલ્પેશ વચ્ચે નિકટતા વધી અને બેંક કરતા ઉંચું વ્યાજની સ્કીમ સમજાવતા ચંદ્રકાન્તે પોતાના અને તેમના સગા સબંધીઓના મળીને કુલ 2.37 કરોડ રૂપિયા કલ્પેશની પદ્માવતી ફીનવેક્સ કંપનીમાં રોક્યા હતા.
કલ્પેશે વધુ 2 કરોડ રૂપિયાનું રોકાણ માંગતા ભાંડો ફૂટ્યો
દરમિયાન કલ્પેશ કોઠારીએ ચંદ્રકાંત પટેલને વાતોમાં ભેળવી વધુ 2 કરોડ રૂપિયાનું રોકાણ માંગતા, ચંદ્રકાંત પટેલે તેના મિત્રોને 2 કરોડ રોકવા તૈયાર કર્યા હતા, જેના બદલામાં કલ્પેશે FD તેમજ 10 રૂપિયાના કંપનીના શેર તેમજ લેટર પેડ ઉપર લખાણ આપવાની બાહેંધરી આપી હતી. પરંતુ રોકાણકારોએ પોતાના ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે દસ્તાવેજોની ચકાસણી કરાવતા પદ્માવતી ફીનવેક્સ કંપની ફ્રોડ હોવાનુ ધ્યાને આવતા તેમણે રોકાણ કરવાની નાં પાડી દીધી હતી.
ચંદ્રકાંતને રોકાણ કરેલા રૂપિયા પરત ન આપી, કલ્પેશ આણી કંપનીએ આપી ધમકી

બીજી તરફ ચંદ્રકાત પટેલને પણ પોતે ભેરવાયા હોવાનું ભાન થતા, તેમણે પણ પદ્માવતી ફીનવેક્સના ડીરેક્ટર કલ્પેશ કોઠારી પાસેથી તેમની રોકાણ કરેલી રકમ પરત માંગી હતી, જેમાં કલ્પેશે પોતાના સાથી ફિરદોશ ઘાઈ, જીતું મણીલાલ પટેલ, વિશાલ જીતુ પટેલ સાથે મળીને ચંદ્રકાન્તને જાનથી મારી નાંખવાની ધમકી આપી, થાય તે કરી લોની ધમકી આપી હતી. જેથી પોતે ઠગાયાનો એહસાસ થતા ચંદ્રકાંત પટેલે નવસારી ટાઉન પોલીસ મથકે પદ્માવતી ફીનવેક્સના કલ્પેશ કોઠારી સહિત 6 સામે ફરિયાદ આપતા, પોલીસે છેતરપીંડી તેમજ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એક્ટ (GPID) હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં પદ્માવતી ફીનવેક્સના ડીરેક્ટર કલ્પેશ ધીરજલાલ કોઠારી (50) અને ફિરદોશ મીનો ઘાય (57) દેશ છોડીને ભાગવાની ફિરાકમાં હતા, તે પૂર્વે જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. જેની સાથે જ પદ્માવતી ફીનવેક્સની મેનેજર રિયા સંજય શાહ (25) અને કંપનીનું બેંક સબંધી કામકાજ કરનાર યોગેશ ગોપાલ રાજ્પૂત (31) ની ધરપકડ કરી હતી. સાથે જ અન્ય બે આરોપીઓ જીતુ મણીલાલ પટેલ અને વિશાલ જીતુ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પકડાયેલા તમામ આરોપીઓ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર

પદ્માવતી ફીનવેક્સના કલ્પેશ કોઠારી તેમજ 3 કર્મચારીઓની ધરપકડ બાદ, તેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન નવસારી LCB, SOG, ટાઉન તેમજ વિજલપોર પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ છે, જેમાં પદ્માવતીની ઓફીસની તપાસમાં અનેક દસ્તાવેજો, બેંક ડીટેલ્સ તેમજ મિલકતોની માહિતી સાથે જ રોકાણ કરનારાઓની યાદી મળી છે. પદ્માવતી ફીનવેક્સ સામે ફરિયાદ કરતા જ છેતરપીંડીનો ભોગ બનેલા અન્ય લોકોએ પણ પોલીસનો સંપર્ક કરતા વધુ 71 લાખની છેતરપીંડી સામે આવતા કલ્પેશ કોઠારી અને ટોળકીની છેતરપીંડીનો આંક 3.08 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. જેમાં હજી પણ આંકડો વધવાથી કરોડોમાં અને આરોપીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના પણ વધી છે.
RBI ના નિયમો અનુસાર પદ્માવતી ફીનવેક્સની નોંધણી નહીં..!!
નવસારી જિલ્લા પોલસી અધિક્ષક સુશિલ અગ્રવાલે સમગ્ર મુદ્દે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ઠગ ભગત કલ્પેશ કોઠારીની છેતરપીંડીનો પર્દાફાશ કર્યો હતો. સાથે જ પોલીસ તપાસમાં કલ્પેશની કંપની પદ્માવતી ફીનવેક્સ RBI ના નિયમો અનુસાર નોંધાયેલી ન હોવાનું તેમજ તેની પાસે રોકાણ લેવા મુદ્દે કોઈ લાયસન્સ ન હોવાનું પ્રાથમિક તબક્કે ખુલ્યુ હતુ. જોકે પોલીસ સમગ્ર મુદ્દે ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેમાં કલ્પેશની ઓફીસમાંથી રોકાણકારોની યાદી મળી છે, જેના આધારે પોલીસે તપાસને વેગ આપ્યો છે.