લોકસભા 2024 ચુંટણી પૂર્વે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા બદલીનો ગંજીપો ચીપાયો
નવસારી : લોકસભા 2024 ની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સનદી અને પોલીસ અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. જેમાં ગુજરાત ગૃહ વિભાગ દ્વારા ગત રોજ રાજ્યના બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની સાગમટે બદલીનો ગંજીપો ચીપાયો છે. નવસારી જિલ્લામાં પણ 3 પોલીસ ઇન્સ્પેક્ટર અને 11 સબ ઇન્સ્પેક્ટરની બદલી સામે 3 ઇન્સ્પેક્ટર અને 9 સબ ઇન્સ્પેક્ટરની નિયુક્તિ પણ થઇ છે.
PSI અને PI બાદ ઉચ્ચ અધિકારીઓની પણ બદલીની સંભાવના
મળતી માહિતી અનુસાર, ભારતમાં આગામી એપ્રિલ કે મે મહિનામાં લોકસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. જે પૂર્વે જ ગુજરાતમાં લાંબા સમયથી એક જ જિલ્લામાં ફરજ બજાવતા સનદી અને પોલીસ અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. ગત દિવસોમાં IAS અધિકારીઓની બદલી બાદ TDO, મામલતદારોની બદલી થઇ છે અને ગત રોજ ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 232 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર અને 551 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ 43 હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાગમટે બદલીનો ગંજીપો ચીપ્યો છે. જેમાં નવસારી જિલ્લામાં હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરમાં કોઈ નહીં, પરંતુ બિન હથિયારી 3 પોલીસ ઇન્સ્પેક્ટર અને 11 સબ ઇન્સ્પેકટરની બદલી થઇ છે.
3 સામે 3 પોલીસ ઇન્સ્પેક્ટર, જયારે 11 સામે 9 સબ ઇન્સ્પેકટરની નિયુક્તિ
નવસારી જિલ્લામાં ફરજ બજાવતા PI પી. જી. ચૌધરીની વલસાડ જિલ્લામાં, PI કે. એલ. પટણીની ઇન્ટેલિજન્સમાં તેમજ PI પી. આર. કરેણની સી. આઈ. ડી. ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે. જેમની સામે અમદાવાદ સીટીના PI એ. જે. ચૌહાણ, PI વી. જે. જાડેજા અને PTC જૂનાગઢના PI ડી. જે. કુબાવતની નવસારી જિલ્લામાં કરાઈ નિયુક્તિ થઇ છે. એજ પ્રમાણે નવસારી જિલ્લામાં ફરજ બજાવતા PSI એસ. એસ. માલની પશ્ચિમ રેલ્વેમાં અમદાવાદ ખાતે, PSI એન. ડી. ચૌધરીની પશ્ચિમ રેલ્વેમાં વડોદરા ખાતે બદલી થઇ છે. જયારે PSI એમ. આર. વાળાની પૂર્વ કચ્છ, PSI એમ. જી. પાટીલની નર્મદા, PSI એસ. એમ. ગામિતની પંચમહાલ, ટ્રાફિક PSI જાગૃત જોશી અને ખેરગામ PSI ડી. આર. પઢેરિયાની મહેસાણા, PSI એ. આર. સૂર્યવંશીની અને PSI ડી. ડી. રાવલની તાપી, PSI પી. એચ. કછવાહાની સુરત ગ્રામ્ય અને PSI બી. જે. ચૌધરીની પશ્ચિમ કચ્છ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જેની સામે તાપીના PSI એમ. આર જાની, ભરૂચના PSI આર. જી. પટેલ, અમદાવાદના PSI એમ. બી. ગામીત અને PSI એસ. વી. પટેલની નવસારી, ભરૂચના PSI આઈ. એલ. સૈયદ, અમદાવાદના PSI સી. એલ. મોહિતે અને PSI વી. પી. ચૌધરી, સુરતના PSI યુ. એમ. ગાવિત અને PSI પી. જી. ડાવરાને નવસારી જિલ્લામાં નિયુક્તિ આપવામાં આવી છે.