વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કર્યા ધરણા
નવસારી : નવસારીના નાંદરખા ગામના ખેડૂતોની ખેતીની કિંમતી જમીન સરકારી પ્રોજેક્ટના કામ માટે ભાડે લઇ L&T કંપનીએ ભાડા કરારનું ઉલ્લંઘન કરવા સાથે જ ભાડામાં વિરોધાભાસ રાખી ખેડૂતો સાથે છેતરપીંડી કરી હોવાના આક્ષેપો સાથે આજે જમીન ભાડે આપનાર ખેડૂતો વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં L&T કંપનીના પ્લાન્ટના ગેટ પર જ ધરણા પર બેઠા હતા. જોકે મંજૂરી ન હોવાનું કહીને પોલીસે ઉઠાડી મુકતા કોંગી ધારાસભ્ય સાથે ખેડૂતો મામલતદાર કચેરી દોડી ગયા હતા અને ન્યાયની માંગ કરી હતી.
પોલીસે ધરણા ન કરવા દેતા, ગણદેવી મામલતદાર પાસે કરી ન્યાયની માંગ

નવસારી જિલ્લામાંથી ભારત સરકારના એક મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ સરકારી પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતી લાર્સન એન્ડ ટૂર્બો કંપની દ્વારા પોતાના કામદારોના રહેઠાણ માટે કોલોની અને સિમેન્ટ પ્લાન્ટ બનાવવા ગણદેવી તાલુકાના નાંદરખા ગામે અંદાજે 38 ખેડૂતોની અંદાજે 40 વીઘાથી વધુ જમીન જમીન માલિકો સાથે ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં વાર્ષિક ભાડા પેટે એક વીઘાના 80 હજાર રૂપિયા અને જમીનમાં આવેલા ઉભા ઝાડોની પણ રકમ નક્કી કરી વળતર સાથે ભાડુ નક્કી કર્યુ હતુ. પરંતુ કંપની દ્વારા 38 ખેડૂતોમાં એક જ પ્રકારનો ભાડા કરાર હોવા છતાં એમાં અલગ અલગ ભાડુ નક્કી કર્યુ, જયારે 10 ખેડૂતો જેમણે 6 મહિના બાદ કરાર કર્યો, એમને અસરગ્રસ્તોના કહેવા પ્રમાણે ઉચ્ચક અને લાખોમાં ચુકવણું કર્યુ હતું. બીજી તરફ ખેડૂતોએ 4 વર્ષો સુધી ભાડામાં વાર્ષિક 10 ટકાનો વધારો અને 5 વર્ષે ભાડા કરાર રીન્યુ કરવાની શરત રાખી હતી. જોકે L&T કંપની દ્વારા ખેડૂતોને ભાડા વધારો પણ આપ્યો નહીં, સાથે જ તેમની જમીનમાં હતા એ ઝાડોનું યોગ્ય વળતર ગણવામાં ન આવ્યુ, જમીનમાં ફક્ત સામાન મુકવા કે રો મટીરીયલ નાંખવાની વાત હતી, પણ બાદમાં જમીનમાંથી માટી ખોદી કાઢવામાં આવી અને સિમેન્ટ કોન્ક્રીટ પ્લાન્ટ બનાવીને જમીનની ફળદ્રૂપતા નષ્ટ કરી નાંખી હોવાના આક્ષેપો સાથે L&T કંપનીને જમીન ભાડે આપનાર ખેડૂતોએ બે મહિના અગાઉ જિલ્લા કોંગ્રેસ સાથે મળીને ચીખલી પ્રાંત અને મામલતદારને રજૂઆતો કરી હતી. જેમાં મામલતદાર, ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે સમાધાન થયું હતું અને ખેડૂતોને ભાડાનો તફાવત આપવા મુદ્દે કંપની અધિકારીઓ તૈયાર થયા હતા. પરંતુ 2 મહિના વીતવા બાદ પણ ખેડૂતોને ભાડાનો તફાવત અને વળતર ન મળતા આંદોલન છેડ્યુ છે.
મામલતદાર સામે ભાડાનો તફાવત અને વળતર આપવાની તૈયારી, બાદમાં કંપની ફરી ગઈ હોવાના આક્ષેપો
L&T કંપનીને અંદાજે 40 વીઘા જમીન ભાડે આપ્યા બાદ ભાડા અને ઝાડનાં વળતરમાં છેતરપીંડી કરનાર કંપની સામે મોરચો માંડનારા ખેડૂતોએ આજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ અને પીડિત ખેડૂતોએ ભાડે આપેલી પોતાની જમીનમાં જ ધરણા કરવા બેઠક લગાવી હતી. ન્યાયની માંગ સાથેના સુત્રોચ્ચાર તેમજ પ્લેકાર્ડ પણ ખેડૂતો લાવ્યા હતા. પરંતુ સ્થાનિક પોલીસે ધરણાની મંજૂરી ન હોવાનું જણાવી, તેમને ઉઠાડી મુકતા ખેડૂતો ધારાસભ્ય અનંત પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ગણદેવી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મામલતદારને કંપની દ્વારા કરવામાં આવેલા અન્યાયની સામે ન્યાયની માંગણી કરી ભાડા અને ઝાડના વળતરનો તફાવત L&T કંપની પાસે અપાવવા રજૂઆત કરી હતી. જો ન્યાય ન મળે તો આગામી દિવસોમાં કોંગ્રેસ સાથે મળીને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ખેડૂતોએ અંદાજે 40 વીઘાથી વધુ જમીન L&T કંપનીને ગ્રામ પંચાયતની સાક્ષીએ ભાડે આપી હતી
સરકારી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે વધારાની જગ્યાની જરૂર હોય L&T કંપની દ્વારા સીધા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની સાક્ષીએ અંદાજે 38 ખેડૂતો સાથે ભાડા કરાર કર્યો, પણ એમાં પણ ભાડા મુદ્દે ભેદભાવ કરતા ખેડૂતોએ લડત છેડી છે, હવે જોવું રહ્યું કે ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં…