એજન્ટો અને રોકાણકારોએ કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને મળી માંગી મદદ
નવસારી : મહારાષ્ટ્રની શકિત મલ્ટીપર્પસ કો. ઓપરેટીવ સોસાયટીને ગુજરાતમાં શરૂ થતા તેના સેંકડો એજન્ટોએ હજારો લોકો પાસેથી કરોડો રૂપિયા રોકાણ કરાવ્યા, પણ ગુજરાતના ડીરેકટરો દ્વારા બેથી ચાર વર્ષમાં જ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ખાનગી ફાયનાન્સ સંસ્થા બંધ કરી હાથ ઉંચા કરી દેતા, અનેક ઠેકાણે રજૂઆતો કરી થાકેલા નવસારી, સુરત અને વલસાડના પીડિતોએ આજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરી, મદદ માંગી હતી.
શક્તિ મલ્ટીપર્પસના સંચાલકોએ બેંક કરતા ઉંચું વ્યાજ આપવાની લાલચે મેળવ્યું કરોડોનું રોકાણ

લોન આપવા કે રોકાણના બદલામાં ઉંચા વ્યાજની લાલચે અનેક ખાનગી ફાયનાન્સ સંસ્થાઓની હાટડી ખુલી જાય છે અને એમાં એજન્ટો રોકીને હજારો લોકોના કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને સંસ્થાના સંસ્થાપકો ગાયબ થઇ જતા હોય છે. આવી અનેક ઘટનાઓ સમયાંતરે મીડિયામાં આવ્યા બાદ પણ પોતાની મહેનતના રૂપિયા આવી ખાનગી સંસ્થામાં રોકીને છેતરાવા વાળા અનેક લોકો છે. આવું જ કંઈ મુળ વર્ષ 2015 માં મહારાષ્ટ્રના કલ્યાણની શકિત કો. ઓપરેટીવ સોસાયટીને ગુજરાતમાં લાવીને તેના સંચાલકોએ કૌભાંડ કર્યું છે. શક્તિ મલ્ટીપર્પસ કો. ઓ. સોસાયટીમાં 9.5 ટકાથી 14.5 ટકાના ઉંચા વ્યાજે ગુજરાતના સંચાલકોએ દક્ષિણ ગુજરાતના શહેરો અને ગામડાઓમાં એજન્ટો મારફતે 15 હજારથી વધુ ગ્રાહકોનાં 20 કરોડથી વધુનું રોકાણ મેળવ્યું હતું. બેથી ત્રણ વર્ષો સુધી સંચાલકોએ લોકોને રોકાણનું રીફંડ આપ્યુ અને 2017 બાદ રોકાણનાં બદલામાં વ્યાજ સાથેનું વળતર આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. દરમિયાન એજન્ટોને સમજાવીને રોકાણ પણ મેળવતા રહ્યા હતા. પરંતુ 4 વર્ષ અગાઉ શક્તિ મલ્ટીપર્પસ કો. ઓપરેટીવ સોસાયટીના ડીરેક્ટર પૈકી કલ્પેશ રમણ પટેલ, પંકજ પટેલ, રાજેન્દ્ર ચૌહાણ સહિત અન્ય 4 કમિટી સભ્યોએ રોકાણકારો અને એજન્ટોને ઉડાઉ જવાબ આપીને મહારાષ્ટ્રથી રૂપિયા આવશે તો આપીશું કહીને હાથ ઊંચા કરી દીધા હતા. જેથી 15 હજારથી વધુ રોકાણકારોમાં નિરાશા વ્યાપી હતી. જોકે પોતાના રૂપિયા મેળવવા માટે રોકાણકારોએ સ્થાનિક પોલીસ મથકો સહિત સામાજિક અને રાજકીય આગેવાનોને રજૂઆતો કરી છતાં કોઈ પરિણામ મળ્યું નથી.
4 વર્ષના પ્રયાસો છતાં હજી સંચાલકો સામે પોલીસ ફરિયાદ ન થતા આક્રોશ

શક્તિ મલ્ટીપર્પસ કો. ઓપરેટીવના સંચાલકો દ્વારા કરોડો રૂપિયા ઉસેટી લીધા બાદ હાથ ઊંચા કરી દેવાતા રોકાણકારોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરતા, તેમના દ્વારા સીઆઈડી તપાસની વાત કરી હતી. પરતું આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ ન આવતા આજે નવસારી, સુરત, વલસાડ સહિતના જિલ્લાના રોકાણકારોએ નવસારી ખાતે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને મળીને પોતાની વેદના ઠાલવી હતી. જેમને સાંભળ્યા બાદ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એકજૂથ થઇને આંદોલન છેડવાની તૈયારી દર્શાવી હતી. સાથે જ પોલીસ ફરિયાદ થઇ હોય, તો અત્યારે શું સ્થિતિ છે.. ? એની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા કલેકટરને મળીને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.
અનેક ખાનગી ફાયનાન્સ સંસ્થાઓ ઉંચા વ્યાજને નામે છેતરપીંડી કરે, છતાં લોકોમાં સુધારવાનું નામ નહીં.!!
ગુજરાતમાં શક્તિ મલ્ટીપર્પસ કો ઓપરેટીવ લાવ્યાના 4 વર્ષે બંધ થઇ અને છેલ્લા 4 વર્ષોથી રોકાણકારો રૂપિયા પરત મળે એના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના સંચાલકો શાંતિની ઉંઘ સાથે નવી ફાયનાન્સ સંસ્થા ચલાવી રહ્યા હોવાની ચર્ચા પણ છે, ત્યારે લોકો જ આવી ફાયાનાન્સીયલ સંસ્થાઓથી ચેતે એજ તેમની આર્થિક સુરક્ષા માટે જરૂરી છે.