પાલિકાના કર્મચારી શૈશવ માણિકે સ્વ. નગરસેવકને નગરજનોને સભા સ્થળે લઇ જવાની કામગીરી સોંપી, કર્યુ અક્કલનું પ્રદર્શન
નવસારી : નવસારી વિજલપોર પાલિકાના લાયકાત વિનાના કર્મચારીએ સ્વ. નગરસેવકને PM ના કાર્યક્રમમાં માણસોને સભા સ્થળ સુધી લઇ જવાની જવાબદારી સોંપીને અક્કલનું પ્રદર્શન કરતા સમગ્ર શહેરમાં પાલિકાના પદાધિકારી અને અધકારીઓની બુદ્ધિમત્તા ચર્ચાના એરણે ચડી છે.
પાલિકાના કર્મચારી શૈશવ માણિકની દોઢગીરીથી પાલિકાને થયુ નીચાજોણું
નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. 3 ના નગરસેવક અને પાલિકાના પૂર્વ કારોબારી પ્રમુખ અશ્વિન કાસુન્દ્રાનું ગત 5 ફેબ્રુઆરીના રોજ મલ્ટીપલ ઓર્ગન ફેલીયારને કારણે લાંબી માંદગી બાદ નિધન થયુ હતુ. નગરસેવક અશ્વિન કાસુન્દ્રાનાં નિધનને લઇ પાલિકાએ પણ શોક મનાવ્યો હતો અને અડધા દિવસની રજા જાહેર કરી, સ્વ. અશ્વિન કાસુન્દ્રાની અંતિમ યાત્રામાં પણ કર્મચારી, અધિકારી, પદાધિકારીઓ પણ પહોંચ્યા હતા. બીજી તરફ 10 ફેબ્રુઆરીના રોજ આવાસ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિધાનસભા સ્તરે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલિ સંબોધન કરશે. ત્યારે નવસારી વિધાનસભાનો કાર્યક્રમ નવસારીના ગણદેવી રોડ પર ઓમ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં સભા સ્થળે શહેરી જનોને લઇ જવા માટે નગરસેવકો સાથે કર્મચારીઓને સંયુક્ત રીતે કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે પાલિકાના કર્મચારી શૈશવ માણીકે પોતાની અક્કલનું પ્રદર્શન કરી સ્વ. નગરસેવક અશ્વિન કાસુન્દ્રાને પણ કામગીરી સોંપી છે. જેમાં તેમના વોર્ડ નં. 3 ના શાંતાદેવી વિસ્તારમાંથી નગરજનોને સભાસ્થળે લઇ જવાની કામગીરીના લીસ્ટમાં સ્વ. અશ્વિન કાસુન્દ્રાનું નામ લખવા સાથે તેમનો મોબાઈલ નંબર પણ લખી નાંખ્યો છે. શૈશવ માણીકની આ ભુલને પાલિકાના મુખ્ય અધિકારી જે. યુ. વસાવાએ પણ ચકાસી હોય કે કેમ એ પ્રશ્ન રહ્યો છે. ત્યારે પાલિકાની મૃતક નગરસેવકને કામગીરી સોંપવાની વાત શહેરમાં ચર્ચાની એરણે ચઢી છે.