સમારકામ દરમિયાન બંધ રહેલી નહેરમાં પાણી આવ્યા બાદ ફરી 4 દિવસોથી બંધ
નવસારી : નવસારી જિલ્લાની ખેતીમાં મુખ્ય પાકોમાં શેરડી અને ડાંગર છે. જેમાં હાલ ઉનાળુ ડાંગર માટે ખેડૂતો ધરૂ ઉગાડવા સાથે તેની રોપણીમાં જોડાયા છે. પરંતુ ગત મહિનામાં નહેર બંધ રહ્યા બાદ ફરી નહેર 10 દિવસોથી બંધ થતા ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ ડાંગરમાં વધુ પાણીની જરૂર હોય છે અને સમયે પાણી ન મળે તો રોપણીને અસર થશે. જેથી નહેર વિભાગ સમયે પાણી આપે એવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.
પાણી નહીં મળતા, ડાંગરનું ધરૂ પીળું પડવા માંડ્યુ, સાથે રોપણી પણ લંબાશે


નવસારી જિલ્લામાં સૌથી વાળું ડાંગરની ખેતી થાય છે. જિલ્લામાં મોટાભાગનો વિસ્તાર નહેર આધારિત ખેતી કરે છે, તેમાં પણ છેલ્લા થોડા વર્ષોથી નહેર વિભાગ દ્વારા ડીસેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન 50 કે 70 દિવસો સુધી નહેરના સમારકામની કામગીરી ચાલતી હોવાથી નહેરમાં પાણીનું રોટેશન બંધ રહે છે. બીજી તરફ ખેડૂતો ઉનાળુ ડાંગરની ખેતીમાં જોતરાતા તેમને પાણીની જરૂર પડે છે, નહેરમાં સમારકામ પૂર્ણ થયા બાદ પાણી આવતા જ ખેડૂતો ડાંગરના ધરૂ તૈયાર કરવા સાથે તેની રોપણીની શરૂઆત કરી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસોથી નહેરમાં ફરી પાણી બંધ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ ઉગાડેલું ધરૂ પીળું પડવા આવ્યુ છે અને તૈયાર ધરૂની સમયે રોપણી ન થાય તો પણ મુશ્કેલી વધશે. સાથે જ ધરૂ તૈયાર હોવાથી નહેરમાં પાણી આવતા જ બધા જ ખેડૂતો રોપણીની તૈયારી કરશે, તો મજૂરો મળવા મુશ્કેલ થશે અને ઉંચો રોજ આપવા પડશે. ડાંગરની રોપણી મોડી થવાથી પણ તૈયાર ડાંગરની કાપણી સમયે વરસાદ વહેલો શરૂ થયો તો પણ નુકશાની વેઠવી પડશે. જેથી નહેર વિભાગ વહેલી તકે પાણી આપે અને સમારકામ દરમિયાન પણ વચ્ચેના ગાળામાં 10 દિવસ પાણી આપવાનું આયોજન કરે એવી લાગણી અને માંગણી વ્યક્ત કરી રહ્યા છે.
ટેકનીકલ ખામીને કારણે બંધ થઇ હતી નહેર, વિભાગે શરૂ કર્યુ રોટેશન

નવસારી અંબિકા ડીવીઝન નહેર વિભાગ દ્વારા નવસારી, સુપા, ગણદેવી, ચીખલી અને વલસાડ પેટા વિભાગને સિંચાઈ સાથે નવસારી શહેર અને પાણી યોજના માટે પાણી પુરવઠો 15 – 15 દિવસોના આંતરે આપવામાં આવે છે. જેમાં પણ પાણી યોજના સમયે પણ સિંચાઈ માટે લો લેવલે પાણી આપવામાં આવતું હોય છે. પરંતુ ટેકનીકલ ખામીને કારણે થોડા દિવસોથી નવસારી, સુપા અને ગણદેવી ડીવીઝનમાં પાણી બંધ થયું હતું. જે ક્ષતિ દૂર થતા આજથી ત્રણેય ડીવીઝનમાં પાણી પુરવઠો પુરતા પ્રમાણમાં અપાશે, જેથી પાણી સમસ્યા નહી રહે.