નવસારી કોર્ટનાં આદેશ પર બોગસ દસ્તાવેજોને આધારે જામીનદાર રહેનાર સામે નોંધાઈ ફરિયાદ
નવસારી : નવસારીની કોર્ટમાં દારૂ અને મારામારી જેવા ગુનાના આરોપીઓના બોગસ જામીનદારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા જામીનદાર સામે સમન્સ કાઢવામાં આવ્યા હતા, પરંતુ બોગસ જામીનદાર નહીં, જેના દસ્તાવેજ અને નામ – સરનામાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એણે કોર્ટ સમક્ષ હાજર થવું પડ્યુ હતું. જેમાં 6 વર્ષોમાં અલગ અલગ 14 ગુનાઓમાં સમન્સ મળતા, અંતે થાકેલા વ્યક્તિએ કોર્ટને રજૂઆત કરતા, કોર્ટે બોગસ જામીનદારને પકડી પાડવા પોલીસને આદેશ કર્યો છે.
નયન દેસાઇના ચુંટણી ઓળખ કાર્ડ પર પોતાનો ફોટો લગાવી, દશેરા ટેકરીનો દિવ્યેશ નાયકા રહેતો હતો જામીનદાર

મળતી માહિતી અનુસાર, નવસારીના વિજલપોરના રાધેક્રિશ્ના એપાર્ટમેન્ટમાં રહેતા નયન દેસાઈને ગત વર્ષ 2019 માં સુરત કોર્ટમાંથી સમન્સ આવતા, કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં આરોપીના જામીનદાર હોવાથી, આરોપી કોર્ટ સમક્ષ હાજર ન રહેતા તેમને સમન્સ કાઢવામાં આવ્યો હતો. પરંતુ નયન દેસાઈએ કોર્ટને જણાવ્યું કે તેઓ જામીન રહ્યા જ નથી, સાથે જ દસ્તાવેજ ચકાસતા તેમના મતદાન ઓળખ કાર્ડ ઉપર કોઈક બીજાનો ફોટો હતો. જેથી કોર્ટે તેમને નિવેદન લઇ જવા દીધા હતા. સુરત રેલ્વે કોર્ટ બાદ નવસારી કોર્ટમાંથી પણ આજ પ્રકારે જામીનદાર રહ્યા હોવાથી સમન્સ આવવા માંડતા નયન દેસાઈ હેરાન થઇ ગયા હતા. છેલ્લા 6 વર્ષોમાં દેશી દારૂ, વિદેશી દારૂ, મારામારી જેવા અનેક ગુનાઓના આરોપીઓના જામીનદાર રહ્યા હોવાથી અને આરોપી કોર્ટમાં હાજર ન થતા જામીનદારને કોર્ટમાં હાજર રહેવાના સમન્સ મળ્યા હતા. નયન દેસાઈએ દર વખતે કોર્ટને તેમની સ્થિતિ સમજાવી અને કોર્ટ તેમનું નિવેદન લઇ તેમના સામેની કાર્યવાહી કાઢી નાંખતી હતી. કેટલીક વખત કોર્ટે બોગસ દસ્તાવેજોને આધારે જામીનદાર રહેનારા નવસારીના દશેરા ટેકરીના દિવ્યેશ નાયકાને પણ પકડી લાવવા આદેશ કર્યો હતો. દરમિયાન નયન દેસાઈએ નવસારી ટાઉન પોલીસ મથક તેમજ જલાલપોર પોલીસ મથકે અરજી પણ કરી હતી. જોકે બોગસ દસ્તાવેજ બનાવનાર દિવ્યેશ નાયકા તેને કોર્ટમાં રજૂ કરીને જામીનદાર રહેતો જતો હતો. ગત મહિનામાં પણ નવસારી કોર્ટમાં જામીનદાર તરીકે હાજર રહેવા નયન દેસાઈને સમન્સ આવ્યો હતો, જેમાં ફરી નયન દેસાઈએ 6 વર્ષોથી હેરાન થતા હોવાની ફરિયાદ કરી, કોર્ટને અરજી કરી આ પ્રકારની પરિસ્થિતિથી છુટકારો આપવાવા દાદ માંગી હતી. જેને ધ્યાને લઇને કોર્ટે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કરતા, નવસારી ટાઉન પોલીસ મથકે બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર દિવ્યેશ નાયકા સામે ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.
દિવ્યેશ નાયકાની કરામતને કારણે 6 વર્ષોથી હેરાન હતા નયન દેસાઇ

6 વર્ષોથી નવસારીના દશેરા ટેકરીનો દિવ્યેશ નાયકા બોગસ દસ્તાવેજને આધારે ગુનેગારોનો જામીનદાર રહેતો હતો, જેમાં નયન દેસાઈ ભેરવાતા કરે કોઈ, ભરે કોઈની સ્થિતિએ હેરાન થતા હતા. પરંતુ નવસારી કોર્ટને સમગ્ર પ્રકરણ ધ્યાને આવતા કોર્ટે બોગસ દસ્તાવેજ બનાવનારા દિવ્યેશ સામે પોલીસ ફરિયાદનો આદેશ કરતા નયન દેસાઈને રાહત મળી છે.