નવસારી સાયબર ક્રાઈમે વાપીથી 4 ઠગોની ધરપકડ કરી
નવસારી : ટ્રાફિક નિયમ ભંગનું ઓનલાઈન ચલણ ભરવાના બહાને મોબાઈલમાં ertochallan.apk ફાઇલ મોકલીને લોકોના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સેરવી લેતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. નવસારી સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે વલસાડના વાપી ખાતેથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હવે આ ગેંગના મુખ્ય સૂત્રધારો અને ‘apk’ ફાઇલના સ્ત્રોત સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે.
ગણદેવીના વ્યક્તિને ertochallan.apk મોકલી કરી, દોઢ લાખ પડાવ્યા

નવસારીના ગણદેવી વિસ્તારના એક વ્યક્તિને થોડા દિવસો પહેલાં તેના વોટ્સએપ પર ટ્રાફિક નિયમ ભંગ બદલ ઓનલાઈન ચલણ ભરવા માટે ertochallan.apk ફાઇલ સાથેનો મેસેજ મળ્યો હતો. આ વ્યક્તિએ આ ફાઇલ ડાઉનલોડ કરતા જ સાયબર ઠગોએ તરત જ તેનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો. બાદમાં, ગણતરીની મિનિટોમાં જ તેના બેંક એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શનમાં કુલ 1.50 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. પોતાની સાથે થયેલ આ ઓનલાઈન છેતરપિંડીની જાણ થતાં જ પીડિત વ્યક્તિએ તાત્કાલિક નવસારી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ પકડમાં આવેલા 4 આરોપીઓ માત્ર પ્યાદા

ફરિયાદ મળતા જ નવસારી સાયબર ક્રાઈમની ટીમે ટ્રાન્સફર થયેલી રકમ જે બેંક એકાઉન્ટમાં ગઈ હતી તેની કડી મેળવી. પોલીસે તપાસના આધારે વાપીના ચલા ખાતે રહેતા 27 વર્ષીય પ્રકાશ તિવારીને ઝડપી પાડ્યો હતો. તેની કડકાઈથી પૂછપરછ કરતા અન્ય ત્રણ સાગરીતો વાપીના બલીઠા ચેકપોસ્ટ નજીક, આટીયાવાડ 23 વર્ષીય સચિન સિંઘ અને 31 વર્ષીય રમેશ મંડળ તેમજ વાપીના મોરાઈ ગામે રહેતા 24 વર્ષીય સોમોકુમાર શર્માના નામો ખુલતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, સાયબર ક્રાઈમના અધિકારી અનુસાર, પકડાયેલા ચારેય આરોપીઓ આ ટોળકીના માત્ર પ્યાદાં છે. આરોપી પ્રકાશ તિવારી બેંક એકાઉન્ટ હોલ્ડર છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ દલાલ તરીકે અથવા તો એકાઉન્ટ શોધી આપવાનું કામ કરતા હતા.
આ રીતે ચલાવવામાં આવે છે સમગ્ર નેટવર્ક

સાયબર ઠગો સ્થાનિક સ્તરે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને 5 થી 10 હજારની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ભાડે રાખતા હોય છે, અથવા તો તેમના નામે નવા એકાઉન્ટ ખોલાવતા હોય છે. સમગ્ર મુદ્દે પોલીસ ertochallan.apk ફાઇલ કોણે અને ક્યાંથી મોકલી હતી, તેમજ આ સમગ્ર નેટવર્કના મુખ્ય આરોપીઓ કોણ છે, તેનું પગેરૂ શોધવા મથામણ કરી રહી છે.
વાંચકો માટે ચેતવણી
કોઈપણ અજાણી કે શંકાસ્પદ .apk ફાઇલ ડાઉનલોડ કરશો નહીં.
ટ્રાફિક ચલણ ભરવા માટે હંમેશા સરકારી વેબસાઇટ અથવા સત્તાવાર એપ્લિકેશનનો જ ઉપયોગ કરો.
જો કોઈ વ્યક્તિ વોટ્સએપ પર ચલણ ભરવા માટે લિંક કે ફાઇલ મોકલે, તો સાવચેત રહો અને બેંકની વિગતો આપવાનું ટાળો.