પીરસણિયાના કામ થકી કમાયેલા 51 હજારથી હળપતિ યુવાનોએ કરી લાયબ્રેરી બનાવવાની શરૂઆત
નવસારી : એક નાનો વિચાર સમગ્ર સમાજમાં ક્રાંતિ સર્જી શકે છે. મજૂરી કરીને જ જીવન વ્યાપન કરતા હળપતિ સમાજના યુવાનોમાં સ્ફૂરેલા શિક્ષણનું વિચાર બીજ, પોતાની મહેનતથી કમાયેલા રૂપિયાથી સમાજના બાળકો માટે લાયબ્રેરી બનાવવાની ક્રાંતિમાં પરિણમ્યુ છે. જેમાં નવસારીના છીણમ ગામે પીરસણિયા તરીકે કામ કરીને કમાયેલા રૂપિયાથી હળપતિ યુવાનોએ લાયબ્રેરી બનાવવાની શરૂઆત કરી છે.
પોતાના જેમ મજૂરી નહીં, પણ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ
નવસારી જિલ્લામાં આદિવાસીઓમાં હળપતિઓની સંખ્યા વધુ છે. હળપતિ સમાજ ખેત મજૂરી જ કરતો આવ્યો છે અને સમાજમાં શિક્ષણ ખુબ ઓછુ છે. હળપતિઓના બાળકો વધુ ભણતા નથી, વધુમાં વધુ 5 થી ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો હોય એવી સ્થિતિ છે. ત્યારે નવસારીના જલાલપોર તાલુકાના છીણમ ગામના 200 હળપતિ પરિવારોમાં મોટાભાગના યુવાનો પણ મજૂરી જ કરે છે. ખેત મજૂરી સાથે જ હળપતિ યુવાનો લગ્ન તેમજ અન્ય શુભ પ્રસંગોએ પીરસણીયા તરીકે જાય છે. દરમિયાન હળપતિ સેવા સમાજ મંડળના યતીન રાઠોડ તેમજ તેમની યુવા ટીમે પીરસણીયા તરીકે જે આવક થઇ એમાંથી 51 હજાર રૂપિયા ભેગા કરી, હળપતિઓના ફળિયામાં જ લાયબ્રેરી બનાવવાની શરૂઆત કરી છે. યુવાનોના આ પ્રયાસોને સમાજ તરફથી પણ સમર્થન મળ્યું અને બીજા 1.50 લાખ રૂપિયાનું દાન પણ મળ્યું છે. હળપતિઓ દ્વારા પોતે જ શ્રમ દાન કરી, 70 થી 80 બાળકો બસી શકે એવી, એક ગ્રાઉન્ડ ફ્લોર અને એક માળ સાથેની લાયબ્રેરી બનાવી રહ્યા છે. હળપતિ સાથે ગામના બાળકો આ લાયબ્રેરીનો ઉપયોગ કરી, પોતાના જ્ઞાનમાં વધારો કરે અને ઉચ્ચ શિક્ષણ મેળવતા થાય એવી આશા વ્યક્ત કરી છે.
ઘરમાં ટીવી, આસપાસમાં વાતોથી ડીસ્ટર્બ થતા બાળકો પણ લાયબ્રેરીના નિર્માણથી ખુશ
ગામની પ્રાથમિક શાળામાં ભણતા હળપતિ બાળકોમાં લાયબ્રેરી બનવાની વાતે ખુશી વ્યાપી છે. ખાસ કરીને નાનાં અને કાચા મકાનોમાં બાળકો અભ્યાસ કરવા બેસે, તો તેમને મુશ્કેલી પડે છે. ખાસ કરીને વાંચન કરતી વેળાએ ઘરમાં ટીવી ચાલતું હોય અને આસપાસમાં લોકોની વાતોથી તેઓ ડીસ્ટર્બ થતા હોય છે. ત્યારે લાયબ્રેરી બનશે તો બાળકોને વાંચન અને લેખનમાં ઘણો ફાયદો થશે. જેનું પરીક્ષામાં સારૂ પરિણામ પણ મેળવી શકાશે. જેથી બાળકોએ હળપતિ યુવાનોને લાયબ્રેરી બનાવવા મુદ્દે શુભેચ્છા સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
10 ગામો વચ્ચે એક લાયબ્રેરી બનાવવાનું આયોજન
હળપતિ યુવાનો દ્વારા લાયબ્રેરી બનાવાની શરૂઆત કરી છે, જોકે છીણમ બાદ 10 ગામોનું એક ક્લસ્ટર બનાવી, લાયબ્રેરી બનાવવાની યોજના પણ હળપતિ સેવા સમાજ મંડળ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સમાજમાં યુવાનોની પહેલને આવકાર મળી રહ્યો છે.