1 વર્ષ અગાઉ નવસારી હાઇવે પર યુવાનને કારમાં બેસાડી 42 હજારની કરી હતી લૂટ
નવસારી : હાઇવે પર વાહનની રાહ જોતા લોકોને કારમાં લિફ્ટ આપી તેમને ધમકાવીને લૂટી લઈ, કારમાંથી ધક્કો મારી ઉતારીને ફરાર થતી મહારાષ્ટ્રીયન ટોળકીના મુખ્ય આરોપીને વોન્ટેડ એક્યુસડ સેલ પોલીસની ટીમે મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડયો હતો.
સારવાર અર્થેના રૂપિયા લઈ, હોસ્પિટલ જવા નીકળેલા યુવાનને લિફ્ટ આપી, ધમકાવીને લૂટ્યો

મળતી માહિતી અનુસાર, એક વર્ષ અગાઉ ગત 23 જાન્યુઆરી, 2023 ની સવારે 11:45 વાગ્યાના આસપાસ નેશનલ હાઇવે નં. 48 પર નવસારીની રામદેવ હોટલથી 100 મીટરના અંતરે કડોદરા દવાખાને જવા પેસેન્જર વાહનની રાહ જોઈ ઉભેલા યુવાનને લિફ્ટ આપી, તેને વચ્ચે બેસાડ્યા બાદ રસ્તામાં કોન સી હોટેલ મેં કામ કરતા હૈ, ક્યાં કામ કરતા હૈ, કિતના પગાર મિલતા હૈ, કોન સે ગાંવ કા હૈ, જેવા સવાલો પૂછતા જ યુવાન ગભરાઈ ગયો હતો અને કારમાં સવાર લોકો યોગ્ય ન હોવાનો અણસારો આવતા કાર થોભાવી, તેને ઉતારી દેવા કહ્યુ હતું. પરંતુ કારમાં સવાર અને મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા 31 વર્ષીય તબરેઝ સલીમ શાહે તેને ગાળો આપીને ચૂપચાપ બેઠા રે, કાટ દાલુંગા, કિડની નિકાલ લુંગા, કાર સે ફેંક દુંગા… કહીને ધમકાવ્યો હતો અને તેને માર પણ માર્યો હતો. બાદમાં તેની પાસેના 37 હજાર રૂપિયા રોકડા અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન લૂટી, તેને નવસારીના આરક ગામના પાટિયા પાસે યુવાનને ધક્કો મારી ઉતારીને ભાગી છૂટયા હતા. સમગ્ર પ્રકરણમાં નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીઓ વોન્ટેડ હતા.
વોન્ટેડ એક્યુસડ સેલની ટીમે મહારાષ્ટ્રના પુણેથી આરોપીને દબોચી લીધો
દરમિયાન ફરાર તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે રચાયેલ નવસારીની વોન્ટેડ એક્યુસડ સેલની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે ફરાર આરોપીઓને શોધવાના પ્રયાસમાં હાઇવે પર પેસેન્જરના સ્વાંગમાં લૂટ ચલાવતી ટોળકીનો મુખ્ય આરોપી તરબેઝ શાહ મહારાષ્ટ્રના પુણે શહેરના કાશિવાડી, ભવાની પેઠ ખાતે હોવાની બાતમી મળી હતી. જેથી નવસારી SOG ના PSI ડી. એમ. રાઠોડ અને તેમની ટીમ પુણે રવાના થઈ હતી અને આરોપી તરબેઝ શાહને દબોચી નવસારી લઈ આવી હતી. જેમાં આરોપીએ હાઇવે લૂટ સાથે જ પોતાની ટોળકી સાથે સુરત શહેરના ઉધના વિસ્તારમાં રિક્ષામાં ગ્રાહકના સ્વાંગમાં એકના રોકડ અને મોબાઈલની લૂટ ચલાવી હોવાની કબૂલાત કરતા પોલીસે તરબેઝની ધરપકડ કરી, તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.