બીલીમોરાના ઇન્સ્પેક્ટરે વિદેશી દારૂનો વેપલો બંધ કરાવતા બુટલેગર પત્રકાર સાથે ધમકાવવા પહોંચ્યો હતો
નવસારી : બીલીમોરામાં દારૂનો વેપલો કરનારા બુટલેગરને ધંધો કરતા અટકાવતા બીલીમોરા પોલીસ ઇન્સ્પેકટરને પોતાના પત્રકાર મિત્ર સાથે ધમકાવવા તેમના નવસારી સ્થિત સોસાયટીના ઘરે પહોંચ્યો હતો. જ્યાં પત્રકારે સોસાયટીના વોચમેનની છાતી ઉપર દેશી તમંચા જેવુ હથિયાર મુકીને ઇન્સ્પેકટરનું ઘર બતાવ નહીં, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી, ઘરનો નંબર જાણી ત્યાંથી ભાગી છૂટયા હતા. સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધી પોલીસે છાકટા બનેલા સાપ્તાહિકના પત્રકારની ધરપકડ કરી છે, જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોલીસે પત્રકાર ભદ્રેશ રાણાને દબોચી, તપાસને વેગ આપ્યો

બીલીમોરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ડી. કે. પટેલ નવસારીના ઈટાળવા ખાતે આવેલા લેક પામ વીલમાં રહે છે. 4 દિવસ અગાઉ સાંજના સમયે એક કારમાં બે ઈસમો તેમની સોસાયટીમાં પ્રવેશ્યા હતા. જેમણે ગેટ પર હાજર વોચમેન મનીષ હળપતિને PI ડી. કે. પટેલ ક્યાંથી રહે પૂછ્યું હતુ. જેથી મનીષે બંગલો નં. 107 કહેતા તેઓએ કાર આગળ હંકારી હતી. પરંતુ વોચમેન મનીષે તને અટકાવ્યા હતા અને સોસાયટીમાં પ્રવેશવા પૂર્વે એન્ટ્રી કરવી પડશેનું જણાવતા જ કારમાં ક્લીનર સીટ ઉપર બેઠેલ શખ્શે નીચે ઉતરી, તેની પાસેના દેશી તમંચા જેવા હથિયારને વોચમેનની છાતી પર મુકીને ડી. કે. પટેલનું ઘર બતાવ નહીં, તો અહીં જ પતાવી દઈશની ધમકી આપતા ગભરાયેલા વોચમેન મનીષે કેનાલ પાસેથી ડી. કે. પટેલનું ઘર દેખાશે એવું કહેતા જ બંને પોતાની કાર વળાવી ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ વોચમેન મનીષ હળપતિએ તેમની કારનો નંબર લખી લીધો હતો. ઘટના મુદ્દે ઇન્સ્પેકટર ડી. કે. પટેલને મનીષે જાણ કરતા, તેમણે મનીષ પાસેથી પોલીસમાં અરજી કરાવી હતી. જેની જાણ થતા જ બીજા દિવસે રાતે 4 અજાણ્યા શખ્શો મનીષના ઘરે પહોંચ્યા હતા અને તેને ગાળો ભાંડીને અરજી પાછી ખેંચી લેવા ધમકાવ્યો હતો. જેની પણ જાણ પોલીસને કર્યા બાદ પોલીસ તપાસમાં કાર બીલીમોરાના વખારિયા બંદર રોડ ખાતે રહેતા અને સાપ્તાહિકના પત્રકાર ભદ્રેશ રાણાની હોવાનું જણાયું હતું. જ્યારે તેની સાથે આવેલ વ્યક્તિ બીલીમોરાના લિસ્ટેડ બુટલેગર હિરેન ટંડેલ હતો. જેથી પોલીસે બંનેના ફોટો વોચમેન મનીષને બતાવતા તેણે તેમને ઓળખી બતાવ્યા હતા અને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે મનીષ પટેલની ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો હતો. જેમાં પોલીસે દેશી તમંચા જેવું હથિયાર બતાવી ધમકાવનાર પત્રકાર ભદ્રેશ રાણાની ધરપકડ કરી, આજે તેના ઘરે સર્ચ કરી હથિયાર શોધવાનો પ્રયાસ સાથે જ તેની કાર કબ્જે કરી હતી. સાથે જ પોલીસે ભદ્રેશને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે બુટલેગર હિરેનને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.
પોલીસ ઇન્સ્પેકટરને ધમકાવવાનો પ્રયાસ કરતા બુટલેગર અને પત્રકાર સામે કરાશે કડક કાર્યવાહી

નવસારી જિલ્લામાંથી રોજના લાખો રૂપિયાના દારૂની હેરાફેરી થાય છે. ત્યારે બીલીમોરાના પોલીસ ઇન્સ્પેકટર ડી. કે. પટેલે બુટલેગરને દારૂનો વેપલો કરતા રોકવાનો પ્રયાસ કર્યો તો બુટલેગર ઇન્સ્પેકટર અને તેના પરિવારને ધમકાવવાની પેરવીમાં હતો અને ઇન્સ્પેકટરના ઘર સુધી પહોંચી ગયો હતો. ત્યારે પોલીસ આવા બુટલેગર સામે કડક કાર્યવાહી કરી એક ઉદાહરણ બેસાડે, એવી પોલીસ બેડામાં માંગ ઉઠી છે.