450 વર્ષ જૂના વિરવાડી હનુમાનજી ઉપર ભક્તોની અતૂટ શ્રદ્ધા
નવસારી : ભગવાનશ્રી રામના ભક્ત શ્રી હનુમાનજીનો આજે જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સારંગપુર સમાન શ્રી વિરાવાડી હનુમાનજી મંદિરે પણ દાદાની શોડોપચાર પૂજા અર્ચના કરી, 5 હજારથી વધુ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. હનુમાનજીના દર્શનાર્થે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયુ હતુ.
શ્રી વિરવાડી હનુમાનજીને સોનાના વરખની આંગી કરાઈ
શ્રીરામ ભક્ત, કષ્ટભંજન દેવ, અંજની અને મારૂતિ નંદન, બાહુબલી શ્રી હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે ભકતોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવસારીના ધારાગીરી ગામે 450 વર્ષોથી બિરાજિત અને દક્ષિણ ગુજરાતના સાળંગપુર ધામ તરીકે પ્રસિદ્ધ શ્રી વિરવાડી હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે બ્રહ્મ મુર્હતમાં દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ હનુમાનજીને શોડોપચાર પૂજન સાથે જ સોનાના વરખની આંગી કરવામાં આવી હતી. જેની સાથે જ દાદાની મહાઆરતી કર્યા બાદ એક વ્યક્તિએ 11 હનુમાન ચાલિસા બોલી હતી, મંદિરમાં હજારો ભક્તો હોવાથી અંદાજે 5 હજારથી વધુ હનુમાન ચાલિસા બોલાઈ હતી. આ સાથે જ મંદિર પરિસરમાં સુંદરકાંડ યજ્ઞ કરાયો હતો. ત્યારબાદ બપોરના સમયે દાદાને આધુનિકતાના રંગે બર્થ ડે કેક કાપીને પણ ભક્તોએ જન્મોત્સવની શુભકામનાઓ આપી હતી. બપોરના સમયે હનુમાનજી મહારાજને બાળ ભોગ ધરાવવામાં આવ્યો હતો. જ્યારે સાંજે મહાઆરતી બાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 50 હજારથી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે એવી સંભાવના સેવાઈ રહી છે.
વિરવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું પણ થયુ આયોજન
450 વર્ષ અગાઉ સ્વયંભૂ પ્રગટ થયેલા નવસારીના વિરવાડી હનુમાનજી પ્રત્યે નવસારી સહિત દક્ષિણ ગુજરાતના ભકતોમાં અતૂટ શ્રદ્ધા છે. શનિવાર, અમાસ અને હનુમાન જન્મોત્સવ પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દાદાના દર્શને ઉમટી પડે છે. હનુમાનજી મંદિરના સુચારૂ સંચાલન માટે રચિત વિરવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના વિકાસ માટે અનેક પ્રયાસો થયા છે. જેની સાથે સમાજિક કાર્યક્રમોને પણ પ્રમુખતા આપી, અનેક જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવે છે. આજે પણ હનુમાન જન્મોત્સવ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ધાર્મિક કાર્યક્રમ સાથે રક્તદાન શિબિર પણ યોજી છે. જેમાં દાદાના દર્શને આવતા ભક્તો ઉત્સાહ અને શ્રદ્ધાથી રક્તદાન કરશે.
નવસારી શહેર અને જિલ્લાના અનેક હનુમાનજી મંદિરે પણ ભક્તોએ કર્યા દાદાના દર્શન
આજે હનુમાન જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે નવસારી શહેરના ગ્રીડ, કાલિયાવાડી, તીઘરા જકાતનાકા, મોટાબજાર, જલાલપોર, શાંતાદેવી રોડ, નવસારી શાક માર્કેટ, વિજલપોરના શિવાજી ચોક, મારૂતિ નગર, નવસારી રેલ્વે સ્ટેશન, એરૂ ચાર રસ્તા, સરબતિયા તળાવ સહિતના વિસ્તારોમાં હનુમાનજી મંદિરોએ દાદાની પૂજા અર્ચના, યજ્ઞ, હનુમાન ચાલિસા સહિતના કાર્યક્રમો સાથે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.