રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચે ગણદેવીના બે યુવાનો પાસેથી 33 લાખ ખંખેર્યા હતા
નવસારી : નવસારીમાં તપસ્યા નારી સેવા સમિતિના નામે NGO ચલાવી સમાજ સેવિકા બનીને ફરતી રિશીદા ઠાકૂરે ગણદેવીના બે યુવાનોને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચે દિલ્હીના તેના ચાર સાથીઓ સાથે મળીને 33 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જે ગુનામાં પોલીસ ધરપકડથી બચવા રિશીદા દ્વારા મુકવામાં આવેલી આગોતરા જામીન અરજી નવસારીની એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. જેથી પોલીસ હવે ભાગેડુ આરોપી રીશીદાને પકડવાના ચક્રો ગતિમાન કરશે.
NGO ચલાવતી રિશીદાએ મોટા માથાઓ સાથે ઘરબો હોવાનો રોફ જમાવી કરી હતી છેતરપિંડી
મળતી માહિતી અનુસાર, નવસારીના ગણદેવીના કરાટે શિક્ષક વિપિન કુશવાહા વર્ષ 2021 માં નવસારીમાં તપસ્યા નારી સેવા સમિતિ NGO ચલાવતી રિશીદા ઠાકૂરના સંપર્કમાં આવ્યો હતો. વિપિનને સરકારી નોકરીમાં રસ હોવાનું જાણતા રિશીદા ઠાકૂર તેના દિલ્હીના સાગરીતો સાથે મળીને વિપીન કુશવાહાને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. દિલ્હીના ઠગબજોની વાતોમાં આવેલા વિપિને લાખો રૂપિયા આપતા, તેને રેલ્વેનો ID કાર્ડ તેમજ પોસ્ટિંગ લેટર શુદ્ધા આપી દેવામાં આવ્યો હતો. જેથી વિપિનનો મિત્ર અભિષેક પટેલ પણ રિશીદાની વણેલી જાળમાં ફસાયો હતો. બંને મિત્રોએ દિલ્હીના ઠગબાજોને રેલ્વેમાં નોકરી મેળવવા કુલ 33 લાખ રૂપિયા આપ્યા હતા. દરમિયાન આ ઠગબાજોએ વિપિન અને અભિષેકને દિલ્હીમાં ટ્રેનિંગ પણ આપી હતી. પરંતુ બાદમાં પોસ્ટિંગ આપવામાં આનાકાની થતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો અને અંતે વિપિન કુશવાહાએ નવસારી ટાઉન પોલીસ મથકમાં NGO સંચાલિકા રિશીદા ઠાકૂર ને મુખ્ય આરોપી બનાવી તેના દિલ્હીના સાગરીત જગમિત સિંહ, આશુતોષ અરોરા, નિખિલ છાબરા અને ગોરખ ધામા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ રિશીદા ઠાકૂર પોલીસથી બચવા ભાગતી ફરતી હતી. દરમિયાન રિશીદા ઠાકૂરે પોતાના વકીલ મારફત નવસારીની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ મોટા માથાઓ સાથે ઘરોબો હોવાનો રોફ જમાવી બે યુવાનો સાથે લાખોની છેતરપિંડી કર્યાની વાતને કોર્ટે ગંભીરતાથી લઈ રિશીદા ઠાકૂરના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. જેથી હવે નવસારી ટાઉન પોલીસ રિશીદાને પકડવા માટેના પ્રયાસો હાથ ધરશે.
મોટા રાજકારણીઓ અને અધિકારીઓ સાથે ફોટો પડાવી મોટી પહોંચ હોવાનું બતાવી ફાયદો ઉઠાવ્યો
નવસારીમાં તપસ્યા નારી સેવા સમિતિ NGO સ્થાપી, રિશીદા તેના થકી નવસારી અને ગુજરાત તેમજ દેશના મોટા રાજકારણીઓ અને નામી સંસ્થાઓના વડાઓ સાથે ફોટાઓ પડાવતી હતી. જેના થકી રિશીદા ઠાકૂરે તેની ઉંચે સુધી પહોંચ હોવાનો માહોલ બનાવ્યો હતો. દિલ્હીના ઠગબાજો પણ મંત્રાલય અને રેલ્વેમાં મોટા અધિકારીઓ હોવાનું અને તેઓ તેને ઓળખતા હોય ચિંતા નહીં કરવાનું આશ્વાસન રિશીદાએ વિપિનને આપ્યું હતું. જેથી રિશીદા ઉપર કરેલા આંધળા વિશ્વાસને કારણે વિપિન અને તેના મિત્ર અભિષેકે લાખો ખોવાનો વારો આવ્યો હતો.