વ્હાલસોયા પુત્રની ક્રૂરતાથી હત્યા કેમ કરી..? કારણ અકબંધ
નવસારી : નવસારીમાં એક પિતા ક્રૂર બન્યો અને પોતાના જ દસ વર્ષીય પુત્રની ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પુત્રના મૃતદેહને ટ્રાફિક ભવનના ગોડાઉનમાં સંતાડી ફરાર થઈ ગયો હતો. બાદમાં આજે પત્નીને ફોન કરી કહ્યુ ” વંશ જોઈતો હોય તો ટ્રાફિક ભવનના ગોડાઉનમાં પહોંચી જા. ” પત્ની ટ્રાફિક ભવન પહોંચી કે તેના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ લાડલો મોતની નિંદ્રામાં સૂતો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસને વેગ આપ્યો હતો.
સંજય બારીયા નવું ઘર જોવાના બહાને પુત્રને લઈને નીકળ્યો હતો

મળતી માહિતી અનુસાર, નવસારી ટ્રાફિક વિભાગમાં કાર્યરત TRB જવાન સંજય બારીયા ગતરોજ બપોરે 2 વાગ્યા આસપાસ નવુ ઘર જોવા જવાના બહાને ઘરેથી નીકળ્યો હતો. સાથે પોતાના 10 વર્ષીય પુત્ર વંશને પણ લેતો ગયો હતો. પરંતુ નવું ઘર જોવા નીકળેલા સંજયના મનમાં કંઈક ઓર જ ચાલી રહ્યું હતુ. સંજય નોકરી ચાલુ હોવાથી, પુત્ર વંશ સાથે નવસારીના મોટા બજાર સ્થિત ટ્રાફિક ભવન ખાતે પહોંચ્યો હતો. ત્યાં ટ્રાફિક ભવનના ગ્રાઉન્ડ ફ્લોરમાં બનેલા સ્ટોર રૂમમાં વહાલસોયા દીકરાને ઝેર આપવા સાથે જ નાયલોનની દોરીથી ગળે ટૂંપો આપી યમધામ પહોંચાડી દીધો હતો. ત્યારબાદ સંજય દીકરાના મૃતદેહને ટ્રાફિક ભવનના સ્ટોર રૂમમાં મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મોડી રાત સુધી સંજય દિકરા સાથે ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેની શોધખોળ આદરી હતી. જેમાં સંજયનું લોકેશન ગણદેવી તરફ બતાવતું હતું, પણ તેની કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન આજે બપોરે 3.40 વાગ્યે સંજયે તેની પત્નીના મોબાઈલ ઉપર ફોન કરી જણાવ્યુ કે, ” વંશ જોઈતો હોય તો ટ્રાફિક ભવનના કંટ્રોલ રૂમમાં પહોંચી જા. ” પતિના આવા શબ્દો સાંભળી બેબાકડી બનેલી પત્ની તરત ટ્રાફિક ભવન પહોંચી હતી અને પોલીસને વાતની જાણ કરતા કંટ્રોલ રૂમમાં તપાસ કરી તો, વંશ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પુત્રને મૃત જોતા જ માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેના હૈયાફાટ રૂદને વાતાવરણને ગમગીન બનાવી દીધું હતુ. ઘટનાની જાણ થતા નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાય સહિતના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહિલા પોલીસે હત્યારા સંજયની પત્નીને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસે FSL ની મદદથી તપાસ શરૂ કરી હતી. બાદમાં મૃતક વંશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ પોલીસ પરિવારમાં બનેલી ગંભીર ઘટનાને જોતા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ પણ ટ્રાફિક ભવન પહોંચા હતા અને ઘટનાની ઝીણવટભરી માહિતી મેળવી હતી. સાથે જ મૃતકની માતાની ફરિયાદને આધારે પિતા સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પત્ની અને પ્રેમિકા વચ્ચે ફસાયેલા સંજયે પુત્રની હત્યા કેમ કરી..? કારણ અકબંધ

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર TRB જવાન સંજય બારીયાને TRB માં જ ફરજ બજાવતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જોકે પ્રેમ સંબંધમાં પત્ની સાથે વિવાદ હોય પણ પુત્રની હત્યા કયા કારણોસર કરી એનો ભેદ અકબંધ રહેવા પામ્યો છે. પોલીસ પણ પોતાની તપાસમાં વિચારતી થઈ છે કે, એવી તે શું ઘટના બની કે સજ્જન જણાતા સંજય બારીયાએ પોતાના જ વહાલસોયા દીકરાની ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી. જોકે સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
ઘટના સ્થળેથી બેગોન, નાયલોન દોરી, મોબાઈલ, ગોગલ્સ મળ્યા


નવસારીના વિરાવળ ખાતે રહેતો TRB જવાન સંજય ગત રોજ બપોરે ઘરે જમવા ગયો હતો. બપોરે જમ્યા બાદ પોતાની સાથે પુત્ર વંશને સાથે લીધો હતો. વંશ પણ ઘણીવાર સંજય સાથે ટ્રાફિક ભવન આવતો હતો, જેથી વંશને લઇને નીકળેલા સંજય વિશે પરિવારને કોઈ સંદેહ ન હતો. જોકે ટ્રાફિક ભવન પહોંચ્યા બાદ જ સંજયે તેના પુત્ર વંશને ઝેર આપ્યા બાદ તેને નાયલોનની દોરીથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સંજય ટ્રાફિક ભવનમાં આવ્યો ત્યારે CCTV માં દેખાયો હતો, પણ ક્યાંથી ગયો એ જોવામાં આવ્યો ન હતો. બીજી તરફ મૃતક વંશના મૃતદેહ પાસે બેગોનની બોટલ, કોલ્ડ્રિંકસ અને જ્યુસની બોટલ, મોબાઈલ ફોન, ગોગલ્સ પણ મળ્યા હતા. FSL ની ટીમે ઘટના સ્થળેથી મળેલ તમામ પુરાવાઓ કબ્જે લઈ તપાસ આગળ વધારી છે.
હત્યારા પિતા સંજય પાસે 5 ફોન નંબર, પોલીસે પકડવા બનાવી અલગ અલગ ટીમ

નવસારીના ટ્રાફિક ભવનમાં લાડકા પુત્રની હત્યા કરીને સંજય બારીયા ફરાર થયો હતો. ત્યારબાદ તેણે પત્ની સાથે જ અન્ય લોકોને પણ ફોન કર્યા હતા. પરંતુ પોલીસ વિભાગમાં કામ કરતા સંજયે અલગ અલગ ફોન નંબરો પરથી વાતો કરી હતી. સાથે જ પોલીસને ભટકાવવા માટે પોતાનો એક મોબાઈલ ફોન પુત્રના મૃતદેહ પાસે છોડી ગયો હતો. જેથી પોલીસે સંજય પાસે અલગ અલગ 5 મોબાઈલ નંબરો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે તેને ટ્રેસ કરવા સાથે જ LCB, SOG સહિતની એજન્સીઓની અલગ અલગ ટીમો બનાવી હત્યારા સંજયનું પગેરૂ શોધવાના પ્રયાસો આરંભ્યા છે.