સતત ચોથી વાર અને દેશમાં ત્રીજા નંબરની લીડ મેળવનારા સી. આર. પાટીલને મળ્યો શિરપાવ
નવસારી : નરેન્દ્ર મોદીએ ભારતના 17 માં વડાપ્રધાન તરીકેની શપથ લેતા જ મોદી સરકાર 3.0 નો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં 72 મંત્રીઓએ શપથ લીધા, જેમાં દેશમાં ત્રીજા નંબરની લીડ સાથે સતત ચોથી વાર વિજેતા બનેલા નવસારી લોકસભાના સાંસદ સી. આર. પાટીલે પણ કેબીનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.
સી. આર. પાટીલે શપથ લેતા જ નવસારીને તેના પ્રથમ કેન્દ્રીય કેબીનેટ મંત્રી મળ્યા

વર્ષ 2009 માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી 25 – નવસારી લોકસભા બેઠક ઉપર પ્રથમવાર ભાજપે સી. આર. પાટીલને મેદાનમાં ઉતાર્યા હતા. લોકસભાના સમરાંગણમાં સી. આર. પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને પછડાટ આપી નવસારીના પ્રથમ સાંસદનું બિરૂદ મેળવ્યું હતુ. ત્યારબાદ સી. આર. પાટીલે પાછું વળીને જોયું નથી અને સતત નવસારી લોકસભા વિસ્તારમાં લોકો વચ્ચે રહી, વિકાસની કેડી કંડારી, પેજ સમિતિની રણનીતિ સાથે સતત ચારવાર લોકસભા ચુંટણી જીતી છે. જેમાં તેમણે સૌથી વધુ મત મેળવવાના પોતાના જ રેકોર્ડને તોડ્યા છે. 2019 માં સી. આર. પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને હરાવી 6.89 લાખ મતોની લીડ પોતાના નામે કરી હતી. જે રેકોર્ડને પણ ગત લોકસભા ચૂંટણીમાં સી. આર. પાટીલે તોડી 7.73 લાખ મતોની લીડ મેળવી દેશમાં ત્રીજા નંબરે રહ્યા છે.
ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બેઠકો મેળવતા પાટીલને કેન્દ્રમાં સ્થાન નિશ્ચિત હતુ

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અને વિધાનસભા ચુંટણીમાં સી. આર. પાટીલે રાજકીય કુનેહ અને પેજ સમિતિના ગણિત થકી ગુજરાતના રાજકારણમાં સફળતાનો ઝંડો લહેરાવ્યો હતો. જેથી 2024 ની લોકસભા ચુંટણીમાં પણ સીઆર પાટીલે રાજ્યની 26 લોકસભા બેઠકો ઉપર 5 લાખ મતોની લીડ મેળવવાનો ટાર્ગેટ નક્કી કરી, કાર્યકર્તાઓમાં જોમ ભર્યું હતુ. જેનો ફાયદો પણ થયો, પરંતુ રાજપુત આંદોલન સાથે જ જાતિગત સમીકરણો, સ્થાનિક સમસ્યાઓ અને આદિવાસી પટ્ટા સહિત કેટલીક બેઠકો પર મજબૂત ઉમેદવારોને કારણે ટાર્ગેટ મેળવવામાં ભાજપને મુશ્કેલી નડી અને એમાં બનાસકાંઠાની એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. તેમછતાં સી. આર. પાટીલના સફળતાના ટ્રેકને ધ્યાનમાં રાખી મોદી સરકાર 3.0 માં તેમને શિરપાવ મળ્યો છે. મોદી સરકારના 30 કેબીનેટ મંત્રીઓમાં એક સી. આર. પાટીલે પણ કેબીનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જેની સાથે જ નવસારીને તેના પ્રથમ કેન્દ્રીય કેબીનેટ મંત્રી મળ્યા છે.