દિવ્યાંગ વિદ્યાર્થીઓએ 13 સ્વર્ણ, 17 રજત અને 9 કાંસ્ય પદક જીત્યા
નવસારી : ભગવાન જ્યારે માનવને કોઈ ખોટ આપે છે, ત્યારે એની સાથે સાહસ પણ આપતો હોય છે અને એ ખોટને સાહસ થકી દૂર કરી માનવી શિખર પર પહોંચી શકે છે. આવું જ ઉદાહરણ નવસારીના મમતા મંદિરના મુક બધિર બાળકોએ આપ્યું છે. રાજ્યકક્ષાએ સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધામાં મમતા મંદિરના 54 બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 39 મેડલો જીતી નવસારીને ગૌરવ અપાવ્યુ છે.
સ્પે. ખેલ મહાકુંભમાં મમતા મંદિરના 54 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
રમશે ગુજરાત, જીતશે ગુજરાતના નારા સાથે ઓલ ગુજરાત સ્પોટર્સ કાઉન્સીલ ઓફ ધી ડેફના નેજા હેઠળ નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આયોજિત સ્પે. ખેલ મહાકુંભ 2.0 માં મુક બધિર વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાઓ રમાઇ હતી. ૧૫ થી ૧૭ જૂન ત્રિ દિવસીય સ્પે. ખેલ મહાકુંભમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, 800 મીટર દોડ, 4×100 મીટર રીલે દોડ, ઊંચીકુદ, લાંબીકુદ, ચક્રફેંક, ગોળાફેંક અને બરછીફેંક જેવી વિવિધ એથ્લેટીક્સ રમતો રમાડવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી દિવ્યાંગ બાળકો માટે કાર્યરત 11 શૈક્ષણિક સંસ્થાઓના 455 જેટલા મૂક-બધિર બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં નવસારીની સ્વ. મહેશભાઈ કોઠારી દ્વારા સ્થાપિત અને માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિર વિદ્યાલયના 54 વિદ્યાર્થીઓએ પણ પોતાની ખેલ પ્રતિભા દર્શાવી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી 13 સ્વર્ણ, 17 રજત અને 9 કાંસ્ય પદકો મળી કુલ 39 પદકો જીતી શાળા પરિવાર અને નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતુ.
સ્પર્ધા દરમિયાન શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી કર્યા પ્રોત્સાહિત
રાજ્ય કક્ષાની સ્પે. ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં શાળાના મુક બધિર વિદ્યાર્થીઓને શાળાના ઈ. આચાર્ય દિપક ટંડેલ સહિત મદદનિશ શિક્ષક રાકેશ નાયકા, રાજેન્દ્ર પટેલ, કિશોર તલાવિયા, રીતેશ પટેલ, બલદેવ પટેલ, શીલા પટેલ, અનિતા નાયક, કામિનિ રાઠોડ તથા સાધના પટેલે મેદાન પર હાજર રહી બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.