બીલીમોરામાં દિકરીના લગ્નના દાગીના અને લાખોની રોકડની કરી હતી ચોરી
નવસારી : નવસારીના બીલીમોરા શહેરમાં ગત શનિવારે ધોળા દિવસે સોનાના દાગીના અને લાખોની રોકડ ચોરીની ઘટનામાં નવસારી LCB પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના નેટવર્કને એક્ટીવ કરી, કચરો વિણવા ભટકતી વ્યારાની મહિલાને નસીલપોર ગામે કચરો વીણતાં સમયે ઝડપી પાડી, તેની પાસેથી 2.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દિકરીના લગ્ન માટે લાવેલા સોનાના દાગીના અને લાખોની રોકડ ચોરાઇ

નવસારીના બીલીમોરા શહેરના બીલીનાકા નજીક રહેતા ઉમેશ મહેતાની ફિઝીયોથેરાપીસ્ટ દિકરીના થોડા દિવસમાં લગ્ન લેવાયા હતા. જેથી દિકરીના લગ્નની તૈયારી ચાલી રહી હતી, જેમાં અંદાજે 17 તોલા સોનાના દાગીના સહિત 5.50 લાખ રૂપિયા રોકડા ઘરમાં લાવીને રાખ્યા હતા. બીજી તરફ દિકરીના લગ્નની ખુશીમાં મહેતા દંપતી ગત શનિવારે માં અંબાના દર્શન કરવા અંબાજી ગયા હતા. જયારે તેમની દિકરી નોકરી પર ગઈ હતી. દરમિયાન સવારે 10:30 વાગ્યા બાદ કોઇક તેમના ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં મુકેલી લાખોની રોકડ અને સોનાના દાગીના ચોરી કરી, ફરાર થયુ હતુ. બપોરે દોઢ વાગ્યા બાદ ઉમેશ મહેતાની દિકરી ઘરે આવી, તો દરવાજો ખુલ્લો અને સામાન અસ્તવ્યસ્ત પડેલો જોઇ, ઘરમાં ચોરી થયાનું જણાયુ હતુ. જેમાં સોનાના દાગીના અને રોકડ ગાયબ હતી, જેથી તેણે માતા પિતાને ફોન ઉપર ઘટનાની જાણ આપી હતી. સાથે જ ધોળા દિવસે થયેલી ચોરીની જાણ થતા જ બીલીમોરા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી, જોકે 4.75 લાખ રૂપિયા રોકડા અને 3.10 લાખ રૂપિયાના દાગીના મળીને 7.85 લાખની ચોરી પોલીસ ચોપડે નોંધાઇ હતી.
સીસીટીવી અને બાતમીદારોની મદદથી ચોર સંગીતાને નસીલપોરથી પકડી

ધોળા દિવસે ચોરી થતા જિલ્લા પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી, જેમાં બીલીમોરા પોલીસ સાથે નવસારી LCB પોલીસ પણ તપાસમાં જોતરાઇ હતી. જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલ દ્વારા અલગ અલગ ટીમ બનાવી, ચોરીનો ભેદ ત્વરિત ઉકેલી કાઢવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં 4 દિવસમાં જ નવસારી લોકલ ક્રાઈમને સફળતા મળી છે. LCB ની ટીમે સીસીટીવી કેમેરાઓનું એનાલિસીસ કરી, ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ચોરી કચરો અને ભંગાર વિણવા આવેલી મહિલાએ ચોરી કરી હોવાનું શોધી કાઢ્યુ હતુ. સાથે જ મહિલાની ઓળખ તાપી જિલ્લાના વ્યારા ખાતે લુહાર ફળિયામાં રહેતી 45 વર્ષીય ભાનુ ઉર્ફે બાનું ઉર્ફે સંગીતા યશવંત ઢાલવાલે તરીકે થતા જ તેની હરકત ઉપર નજર રાખી હતી. જેમાં ગત રોજ આરોપી સંગીતા નવસારી બારડોલી રોડ પર નસીલપોર ગામે કચરો વિણવા આવી હોવાની બાતમી મળતા જ પોલીસે નસીલપોરથી તેને ઝડપી પડી, નવસારી LCB કચેરી લઇ આવી હતી. પોલીસ પૂછપરછમાં સંગીતા જવાબ આપવામાં આનાકાની કરી રહી હતી, પણ પોલીસની કડકાઇ સામે સંગીતા ભાંગી પડી હતી અને તેણે જ બીલીમોરામાં દાગીના અને રોકડની ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી, 52,300 રૂપિયાનું સોનાનું લુઝ અને 2.17 લાખ રૂપિયા રોકડ મળી કુલ 2,59,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સંગીતા સાથે અન્ય કોઈ ચોરીમાં સામેલ છે કે કેમ..? ચોરીના દાગીના કોઈને વેચ્યા છે કે પછી કોઈને આપ્યા છે..? એ દિશામાં તપાસ હાથ ધરવા તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
વ્યારાથી બસમાં દક્ષિણ ગુજરાતમાં કોઇપણ શહેરમાં પહોંચી, તક મળતા જ કરતી ચોરી

નવસારી LCB પોલીસે ચોરીના ગુનામાં પકડેલી સંગીતા ઢાલવાલે ચોરી કરવામાં હોશિયાર છે. સંગીતા વ્યારાથી બસમાં બારડોલી, નવસારી, સુરત, વલસાડ, નર્મદા જેવા શહેરોમાં પહોંચી જાય છે. જ્યાં ડેપોમાં તકનો લાભ લઇને પાકીટ પણ મારી લે છે. જયારે કોથળો લઇ, સોસાયટી, મોહલ્લા, શેરીઓમાં કચરો અને ભંગાર વિણવાને બહાને પહોંચી રેકી કરે છે. બાદમાં ક્યાંક બંધ ઘર દેખાતા જ તેની પાસેના લોખંડના સળિયા કે પથ્થર વડે દરવાજાને મારેલ તાળું તોડી, ઘરમાં પ્રવેશ કરી, જે હાથમાં લાગે એ લઇને તરત જ ફરાર થઇ જાય છે. બીલીમોરામાં પણ ઉમેશ મહેતાના ઘરના દરવાજે મારેલ તાળું લોખંડના સળિયાથી તોડી ઘરમાં પ્રવેશી હતી અને થોડી જ મિનિટોમાં ચોરી કરી, બીલીમોરાથી નવસારી આવી ગઈ હતી. ચોરીનો સામાન કચરાના કોથળામાં મુકતી હોવાથી કોઈને એના ઉપર શંકા પણ જતી ન હતી.
ચોર સંગીતા સામે અગાઉ ચોરીના 11 ગુના નોંધાયા છે

પાકીટ મારવામાં અને ઘરફોડ ચોરી કરવામાં માહિર ચોર સંગીતા ઢાલવાલે સામે અગાઉ પણ પોલીસ ચોપડે ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં અગાઉ વાંસદામાં સંગીતાએ તેના સાગરીતો સાથે મળીને ચાંદીના વાસણો ચોરી કર્યા હતા. જયારે નવસારી ટાઉન, તાપી જિલ્લાના વ્યારામાં 3, વાલોડમાં 2, સોનગઢમાં 1, સુરત જિલ્લાના બારડોલીમાં 1, માંડવીમાં 1 અને નર્મદા જિલ્લાના રાજપીપળામાં 1 મળી કુલ 11 ગુના સંગીતા સામે નોંધાઈ ચુક્યા છે.
ચોરીના રૂપિયા મોજશોખ પાછળ ઉડાવી દીધા

ઉમેશ મહેતાનાં ઘરેથી ચોરેલા લાખો રૂપિયા સંગીતા ઢાલવાલેએ ત્રણ દિવસોમાં મોજશોખ અને જલસા પાછળ ઉડાવી દીધા હતા. સંગીતાએ તેના બાળકો અને પતિને રૂપિયા આપ્યા હતા. સાથે જ પોતાના માટે કપડાની ખરીદી કરી હતી. જેમાં મુળ કિંમત કરતા વધુ રૂપિયા આપીને પોતે કચરો વિણવા વાળી નહી, પણ રૂપિયાવાળી હોવાનો વટ પણ પાડ્યો હતો. સાથે જ સંગીતા દારૂ પીવાની ટેવ પણ ધરાવતી હોવાની માહિતી પણ મળી હતી.