બનાવટી દસ્તાવેજો સાથેનું કંબોડિયા મોકલેલું પાર્સલ પકડાયું હોવાનું કહી, કરી હતી ડિજીટલ એરેસ્ટ
નવસારી : દેશમાં વધતા સાયબર ફ્રોડ વચ્ચે નવસારીના પૂર્વ પટ્ટીની એક મહિલાએ ગેરકાયદેસર દસ્તાવેજો સાથે દિલ્હીથી એક પાર્સલ કંબોડિયા મોકલાવેલુ હોવાનુ જણાવી તેને ડિજિટલ એરેસ્ટ કરીને ઠગબાજોએ પાંચ દિવસમાં 1.40 કરોડ રૂપિયા ડિજિટલ ટ્રાન્સફર કરાવી ફાઇબર ફ્રોડ કરવાના પ્રકરણમાં નવસારી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાંથી કુલ 10 સાયબર આરોપીઓની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.
બીમાર પતિનો ફોન ઉપાડ્યો અને મહિલા એક મહિનો રહી ડિજીટલી એરેસ્ટ

દેશમાં સાયબર ગુનાઓ વધી રહ્યા છે. જેમાં લોન, લોટરી, ન્યૂડ કોલ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ વગેરે અનેક રીતે સાયબર ફ્રોડનું નેટવર્ક વિસ્તર્યું છે. જેમાં હવે સ્થાનિક અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના નામે ફોન કરીને ડિજિટલ એરેસ્ટ કરીને પણ લાખો-કરોડો રૂપિયાની ડિજિટલ છેતરપીંડીની ફરિયાદો સામે આવી રહી છે. જેમાં નવસારીના પૂર્વપટ્ટીના એક ગામડાની 39 વર્ષીય સીમા પટેલ (નામ બદલ્યું છે) આ જ પ્રમાણે ડિજિટલ અરેસ્ટ થઈ સાયબર ફ્રોડની શિકાર બની છે. સીમાને ગત 17 એપ્રિલ 2024 થી 13 મે 2024 સુધી એક મહિનાથી વધુ સમય માટે સાયબર ઠાગબાજોએ ડિજીટલ એરેસ્ટ કરી હતી. 17 એપ્રિલે સીમાના પતિના મોબાઈલ ફોન ઉપર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, પતિ બીમાર હોવાથી સીમાએ ફોન ઉંચક્યો અને સામેવાળાએ પોતે કસ્ટમ ઓફિસર પ્રવીણ પાંડેની ઓળખ આપી, સીમાએ દિલ્હીથી 8 બનાવટી પાસપોર્ટ, 8 આઇડી કાર્ડની કોપી, 15 એટીએમ કાર્ડ તેમજ 10 પેન્ wટ અને 15 શર્ટનું 9.5 કિલોનું પાર્સલ કંબોડિયા મોકલ્યું હતુ એ પકડાયું હોવાનું જણાવી, તેની તમામ વિગતો સીમાને આપી, જો તેણે કોઈ પાર્સલ મોકલ્યું ન હોય તો દિલ્હીના વસંત વિહાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર યશદિપ માવીનો નંબર આપી જણાવવા કહ્યુ હતુ.
પ્રથમ 9 દિવસ પોલીસ ઇન્સ્પેક્ટરે અને બાદમાં CBI ડિરેક્ટરના નામે સીમાને ડરાવીને 1.40 કરોડ પડાવ્યા

સીમાએ વસંત વિહાર પોલીસ સ્ટેશનના યશદીપ માવીને ફોન કરતા તેણે પાર્સલની વિગતો માંગી હતી, સીમાએ પ્રવીણે આપેલ વિગતો યશદીપને આપ્યા બાદ યશદીપે સીમાનો આધારકાર્ડ વેરીફાઈ કરાવ્યો અને તેના વિરુદ્ધમાં મનીલોન્ડરિંગનો ગુનો નોંધાયો હોવાનું જણાવી તેને ડિજીટલ એરેસ્ટ કરી 17 એપ્રિલ થી 24 25 એપ્રિલ સુધી ઇન્સ્પેક્ટર માગીએ સીમા ને અલગ અલગ વાતે ડરાવી હતી, જેમાં 1 લાખમાં ATM વેચ્યુ હોવા સાથે તેના ફિંગરપ્રિંટ પણ મંગાવ્યા હતા. બાદમાં તેનો કેસ CBI માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાનું જણાવી, CBI ના ડેપ્યુટી ડિરેક્ટર સાથે વાત કરાવી હતી. CBI ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે વાત કરનારે પ્રથમ તો સીમા પટેલને ગભરાવી તેની પાસે કેટલી મિલકત છે..? કેટલું ઈન્વેસ્ટમેન્ટ છે..? એ તમામ માહિતી મેળવી લીધી હતી. સાથે જ કામગીરી ઉપર વોચ રાખી રહ્યા હોવાનું જણાવી તેને ડિજિટલ અરેસ્ટ પણ કરી રાખી હતી. ઠગબાજોની જાળમાં ફસાયેલી સીમાએ મ્યુચ્યુઅલ ફંડમાં દોઢ કરોડ રૂપિયા હોવાનું પણ જણાવી દીધું હતુ. જેથી ઠગબાજે સીમાએ કરેલું ઇન્વેસ્ટમેન્ટ વાઈટના રૂપિયાનું છે કે કેમ એ ચકાસવાના નામે મ્યુચ્યુઅલ ફંડમાંથી તેના પર્સનલ એકાઉન્ટમાં દોઢ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. અને બાદમાં RBI ના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવી પ્રથમ 50 લાખ, પછી 40 લાખ, 35 લાખ મળી કુલ 1.25 કરોડ રૂપિયા અલગ અલગ ત્રણ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
સીમાને ધરપકડથી બચાવવા પહેલા 15 લાખ માંગ્યા, ફરી 10 લાખ માંગતા છેતરાયાનો થયો અનુભવ

સીમાને ધરપકડ કરવાનો ડર બતાવી CBI ના ઉચ્ચ અધિકારીને 15 લાખ રૂપિયા આપવા પડશે, તો જ કેસમાંથી છુટકારો મળશે, નહીં તો મોકલેલા એક કરોડ 25 લાખ રૂપિયા સરકારમાં જમા થઈ જશેની ધમકી આપી હતી. જેથી સીમાએ 15 લાખ રૂપિયા મોકલ્યા હતા. બાદમાં વધુ 10 લાખ રૂપિયા માંગતા સીમાને પોતે છેતરાઈ રહી હોવાનું ભાન થયું હતું અને તેણે દસ લાખ ન મોકલી 14 મે 2024 ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ કરી હતી. જોકે ત્યાં સુધીમાં સીમા પાંચ દિવસમાં ઠગબાજોને 1.40 કરોડ રૂપિયા અલગ અલગ ત્રણ બેંકમાં RTGS દ્વારા મોકલી ચૂકી હતી. સમગ્ર મુદ્દે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ મથકે 25 મે ના રોજ અજાણ્યા ઠગબાજો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
ફરિયાદ બાદ હરકતમાં આવેલી પોલીસે ત્રણ રાજ્યોમાંથી 10 સાયબર ઠગોની કરી ધરપકડ
ફરિયાદ થતા જ હરકતમાં આવેલી નવસારી જિલ્લા પોલીસે નવસારી જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલના માર્ગદર્શનમાં તપાસ આરંભી હતી. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સાથે નવસારી LCB, SOG તેમજ અન્ય પોલીસ મથકોના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ટેકનિકલ સર્વેન્સને આધારે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં તપાસ આરંભી હતી. જેમાં પોલીસને સફળતા મળી અને ગુજરાતના સુરતના સંતોષ લાડુમોર, પ્રતિક પટેલ, વિવેક પટેલ, રાજસ્થાનના જયપુરના અમરજીત સિસોદિયા, મનીષ ભેરવી, રાજસ્થાનના જોધપુરના મનોહર પ્રજાપત, રવિ જહાંગીર અને નાગોરના ગજેન્દ્રસિંહ ભાટી તેમજ ઉત્તરપ્રદેશના ઝાંસીના યશરાજ ડાંગી અને હર્ષિત ત્રિવેદીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન અને 2 લેપટોપ કબજે લીધા છે. સાથે જ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે.? મુખ્ય આરોપી કોણ છે.? નેટવર્ક કેવી રીતે ચાલતું હતું.? સીમા પટેલને કેવી રીતે ફસાવી.? આ તમામ મુદ્દે તપાસને વેગ આપ્યો છે.
નવસારી પોલીસની નેટવર્કનાં માસ્ટર માઇન્ડ સુધી પહોંચવાની કવાયદ
નવસારીની સીમા પટેલને એક મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરી 1.40 કરોડ પડાવનારા આરોપીઓનું એક મજબૂત નેટવર્ક અલગ અલગ રાજ્યોમાં ચાલી રહ્યુ હતું. જેમાં ટાર્ગેટ નક્કી કર્યા બાદ નેશનલ અને ઇન્ટરનેશનલ કોલ જમ્પ કરાવી વાત કરવામાં આવે છે. જેની સાથે ટાર્ગેટને એક બેંક એકાઉન્ટ અપાય છે, પરંતુ તેમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવે છે. સીમા પટેલના કેસમાં પણ પોલીસ ના ધ્યાને 35 બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું જણાયું છે. સાથે જ પોલીસ નેટવર્કના ચોથા લેયર સુધી પહોંચી છે, પણ નેટવર્કનો મુખ્ય માસ્ટર માઈન્ડમાં કોણ છે.? ત્યાં સુધી પહોંચવા પોલીસ હજી પણ મથામણ કરી રહી છે.