વાંસદા પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી, તપાસ આરંભી
નવસારી : સામાજિક જીવનમાં ગુરૂને ભગવાનથી પણ ઉપર ગણવામાં આવે છે, કારણ કે ગુરૂ અંધકારમાંથી અજવાળા તરફ લઇ જાય છે. પરંતુ જયારે ગુરૂ જ વાસના રૂપી અંધકારની ગર્તામાં ધકેલાય જાય ત્યારે…. આવી જ ઘટના નવસારીના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાના છેવાડાના ગામની આશ્રમ શાળામાં બની છે. આશ્રમ શાળાના શિક્ષકે ગુરૂની ગરિમાને લાંછન લગાવ્યુ છે. આશ્રમ શાળાની 12 વર્ષીય બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરી, શિક્ષકે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. બાળકીની આપવિતીની જાણ થતા, પરિવારની ફરિયાદ પર વાંસદા પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી, તપાસ આરંભી છે.
આશ્રમ શાળાના શિક્ષક ભુપેશે બાળકીને બાથમાં ભીડી કર્યા શારીરિક અડપલા

પૌરાણિક સમયમાં બાળકો આશ્રમમાં રહીને જ શિક્ષણ મેળવતા હતા, જેને ધ્યાને લઇને સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના બાળકો માટે આશ્રમ શાળાઓ શરૂ કરી, જેમાં બાળકો આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને પોતાનું શિક્ષણ કાર્ય કરી શકે એવી વ્યવસ્થા ઉભી કરી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકો પણ ત્યાં જ રહેતા હોય છે અને એક વાલી તરીકે બાળકોનું ધ્યાન રાખતા હોય છે. આવી જ એક આશ્રમશાળા વાંસદા તાલુકાના છેવાડાના ડુંગરાળ વિસ્તારમાં કાર્યરત છે. જ્યાં વાંસદાના જ એક ગામની 12 વર્ષીય બાળકી 5 વર્ષ અગાઉ અભ્યાસ માટે આવી અને આશ્રમ શાળામાં જ રહીને ભણી રહી છે. પરંતુ બાળકી જયારે તરૂણ અવસ્થામાં પહોંચી રહી છે, ત્યારે આજ આશ્રમ શાળાના આચાર્ય અને શિક્ષક, ભૂપેશ અમૃત વહિયાને બાળકીને જોઇને પોતાના મનમાં હવાસનો કીડો સળવળિયો હતો અને તેણે માસુમ બાળકી ઉપર નજર બગાડી હતી. નરાધમ ભૂપેશ બાળકીને કૃષ્ણ જન્માષ્ટમીના પર્વ પર કવિતા શીખવાડવાના બહાને પોતાની ઓફિસમાં તો ક્યારેક બાળકીના રૂમમાં જઈ તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. પોતાના ગુરૂ દ્વારા શરીરને અડવાની ચેષ્ટા બાળકીને કંઈક અજુગતી લાગતી હતી. પરંતુ માસુમ બાળા શિક્ષકની હરકતને પ્રથમ સમજીના શકી, ગત 24, 25 ઓગસ્ટ અને 28 ઓગસ્ટના રોજ આ લંપટ આચાર્યએ સગીર વિદ્યાર્થીનીને બાથમાં ભીડી હદ વટાવવાનો પ્રયાસ કરતા, બાળકીએ હિંમતથી પોતાના પરિવારને તેની સાથે શિક્ષકની અભદ્ર વર્તણુકની આપવીતી વર્ણવી હતી. જે બાદ પરિવારે વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, ગણતરીના કલાકોમાં પોલીસે હવસખોર આચાર્યની ધરપકડ કરી હતી. પોલીસે આચાર્ય ભૂપેશ વહિયાનો મેડિકલ ટેસ્ટ કરાવી આગળની તપાસ આરંભી છે.
લંપટ શિક્ષક ભૂપેશની કામવાસનાનો ભોગ અન્ય વિદ્યાર્થીની બની છે કે કેમ તેની થશે તપાસ

વાંસદાના ડુંગરાળ અને છેવાડાના ગામની આશ્રમ શાળાનો શિક્ષક ભૂપેશ વહિયા 15 વર્ષોથી કાર્યરત છે, જે હાલમાં આશ્રમ શાળાના આચાર્ય તરીકે અને અહીં જ રહે છે. લંપટ શિક્ષક ભૂપેશની કાળી કરતૂતને લઇ સમગ્ર પંથકમાં તેના પ્રત્યે આક્રોશ વ્યાપ્યો છે. સાથે જ વાંસદા પોલીસે ભૂપેશની ધરપકડ કરી, તેણે આશ્રમ શાળામાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ કરી છે કે કેમ..? એ દિશામાં તપાસને વેગ આપ્યો છે.
આશ્રમ શાળાની બાળકી સાથે પિતાતુલ્ય શિક્ષકના અડપલા સમાજ માટે કલંક
ઉલ્લેખનિય છે કે, લંપટ શિક્ષક ભૂપેશ એક દિકરીનો પિતા છે, આશ્રમ શાળાનો આચાર્ય હોવાથી અહીં રહેતી દિકરીઓના લાલન-પાલનની જવાબદારી પણ તેની જ હોવાથી, દિકરીઓ માટે પિતાતુલ્ય ગણાય છે. પરંતુ ભુપેશે પિતાના લાડ અને ગુરૂની ગરિમાને લજવી માસુમ બાળકીની લાજ લેવાનો પ્રયાસ કર્યો, જે સમાજ માટે કલંક રૂપી કિસ્સો છે.