Connect with us

તહેવાર

નવસારીના સિસોદ્રા ગામે વડમાં બિરાજમાન છે, સ્વયંભુ શ્રી ગણેશ

Published

on

હિન્દુ મંદિરોનો વિધ્વંશ કરવા નિકળેલા મુઘલ બાદશાહ ઔરંગઝેબને વિઘ્નહર્તાએ પાડ્યો હતો ઘૂંટણીએ

નવસારી : ગણેશ પુરણમાં ભક્ત માટે વડમાં સ્વયંભુ પ્રગટેલા ભગવાન શ્રી ગણેશે, હિન્દુ મંદિરોનો વિધ્વંશ કરવા નિકળેલા મુઘલ બાદશાહ ઔરંગઝેબને સતનો પરચો બતાવી ઘૂંટણીએ પાડ્યો હતો. એવા અલૌકિક અને ચમત્કારી નવસારીના ગણેશવડ મંદિરે આજે ગણેશ ચતુર્થીના પવન પર્વ પર મોટી સંખ્યામાં ભક્તોએ વિઘ્નહર્તાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભક્ત ભૂખો ન રહે એ માટે વડમાં પ્રગટ થયા વિનાયક

આજથી ગણેશોત્સવનો ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. નવસારીમાં ગલી, મોહલ્લા, સોસાયટી, એપાર્ટમેન્ટ, ઘરોમાં ભક્તોએ એકદંતની વિધીવિધાન સાથે સ્થાપના કરી બાપ્પાને આવકાર્યા છે.  ત્યારે નવસારીના સિસોદ્રા ગામે આવેલા પૌરાણિક ગણેશવડ મંદિરે પણ વહેલી વહેલી સવારથી શ્રધ્ધાળુઓ સ્વયંભુ શ્રી ગણેશજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. ભક્તોએ અંતરના ઉમળકાથી લંબોદરનું પૂજન કરી, તેમના આશિર્વાદ મેળવ્યા હતા. ગણેશવડમાં બિરાજમાન વિઘ્નહર્તાનો ઉલ્લેખ ગણેશ પુરાણમાં જોવા મળે છે. હજારો વર્ષ પૂર્વે એક સંઘ જાત્રાએ નિકળ્યો હતો, એમાં એક ભગવાન શ્રી ગણપતિનો ભક્ત હતો, જે શ્રીજીના દર્શન કાર્ય બાદ જ ભોજન કરતો હતો. સંઘ જયારે નવસારીના સિસોદ્રા પાસે પહોંચ્યો, ત્યારે અંધારૂ થતા રાતવાસો કરવાનો નિર્ણય કર્યો. પરંતુ લંબોદરના દર્શન વિના અન્નનો દાણો ન આરોગતા ભક્તને મુશ્કેલી પડી, કારણ આસપાસ ક્યાંય વિઘ્નહર્તાનું મંદિર ન હતુ. ત્યારે ભક્તને ભુખુ ન રહેવું પડે એ માટે ભગવાન શ્રી ગણપતિ સ્વયંભુ પ્રગટ થયા અને ભક્તને દર્શન આપી તેની શ્રદ્ધાને જીવંત રાખી હતી. ત્યારથી દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત તેમજ દેશ વિદેશમાં તેની પ્રસિદ્ધિ ફેલાય છે. શ્રધ્ધાળુઓ અહીં પોતાની મનોકામના લઇને આવે છે, જેને વિઘ્નહર્તા પૂર્ણ કરતા ભક્તો બાપ્પાના દર્શન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

ગણેશવડ મંદિરના પુજારીઓ પાસે આજે પણ છે ફારસી દસ્તાવેજો

વિઘ્નહર્તાના ચમત્કારનો બીજો કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. ઈ.સ. 1662 વર્ષ પૂર્વે ભારતમાં મુઘલ સલ્તનત બાદશાહ ઔરંગઝેબ હિન્દુ મંદિરોનો વિધ્ન્વંશ કરી રહ્યો હતો. ઔરંગઝેબની સેના ભારતમાં મંદિરોને તોડી રહી હતી, ત્યારે સુરતથી મુઘલીયા સેના એ સમયના સુપા પરગણામાં સ્થિત ગણેશવડ મંદિરે પહોંચી. મંદિર તોડવા જતા જ વિઘ્નહર્તા નજીકમાં આવેલા વડમાં શ્રીજીની આકૃતિ બની અને વડમાંથી ભમરાઓનું ઝુંડ ઉડ્યું અને સૈનિકો ઉપર તૂટી પડતા તેમણે ભાગવા પડ્યુ હતુ. જયારે ઔરંગઝેબને ઘટનાની જાણ થઇ, તો ક્રૂર બાદશાહ પણ વિઘ્નહર્તાના ચમત્કારથી પીગળી ગયો હતો. બાદશાહે ભગવાન શ્રી ગણેશ આગળ માથું ટેકવી માફી માંગી હતી અને મંદિરના પુજારીને 20 વીઘા જમીન દાન પણ કરી હતી. ત્યારથી સિસોદ્રાનું ગણેશ મંદિર ગણેશવડ તરીકે જાણીતું થયુ છે.

આજે પણ મળે છે ગજાનનના પરચા, ભક્તો થાય છે બાપ્પાની આરાધનામાં લીન 

હાલમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મંદિરની જમીનમાંથી પસાર થવાની સંભાવના જોવાતી હતી, પરંતુ બાપ્પાના આશિર્વાદથી મંદિરથી થોડે દૂર પ્રોજેક્ટ આકાર પામ્યો છે અને મંદિરને કોઈ મુશ્કેલી પડી નથી. ત્યારે ગણેશોત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ગણેશવડ સિસોદ્રામાં બાપ્પાના દર્શને ઉમટી પડશે અને પોતાની શ્રદ્ધાનુસાર પૂજન કરી બાપ્પાની આરાધના કરી ધન્યતા અનુભવશે.

તહેવાર

નવ દિવસ બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓ મન મુકીને ગરબે ઝૂમ્યા

Published

on

By

જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ જવાનો માટે કરાયું ગરબાનું વિશેષ આયોજન

નવસારી : નવ દિવસો સુધી નવરાત્રમાં બંદોબસ્તમાં રહી લોકોની સુરક્ષામાં ખડે પગે રહેનારા નવસારી જિલ્લા પોલીસના જવાનો આજે પરિવાર સાથે મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા.

પોલીસ અધિકારીઓ, જવાનો પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે ગરબા રમ્યા

નવરાત્રિના નવ દિવસો દરમિયાન નવસારી શહેર સહિત જિલ્લામાં અનેક ઠેકાણે કોમર્શિયલ તેમજ શેરી મોહલ્લામાં ગરબાના આયોજન થયા હતા. નવરાત્રીમાં લોકો માતાજીની ભક્તિમાં મગ્ન બને છે અને નવ દિવસ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે મોડી રાત સુધી ચાલતા ગરબામાં કોઈ અનિચ્છિય ઘટના ન બને, એ માટે જિલ્લા પોલીસના જવાનો ખડે પગે બંદોબસ્તમાં તૈનાત હોય છે. નવરાત્રના નવ દિવસો દરમિયાન પોલીસકર્મીઓ ફરજ પર હોવાથી પરિવારજનો પણ તેમના વિના ગરબા રમવામાં મૂંઝાતા હોય છે. આજે જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા રમઝટ 2.0 માં જિલ્લા પોલીસના અધિકારીઓ, જવાનો તેમજ તેમના પરિવાર માટે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નવ દિવસો સુધી સતત બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો આજે ગરબાના સૂરમાં અને ઢોલના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે પણ પોતાના પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

Continue Reading

તહેવાર

શ્રીજી ભક્તોએ ભારે હૈયે આપી બાપ્પાને વિદાય

Published

on

By

નવસારીમાં 4335 ગણેશ પ્રતિમાઓનું આસ્થાના ઓવારેથી થયુ વિસર્જન

નવસારી : ધામધૂમથી ભગવાન શ્રી ગણપતિને લાવ્યા બાદ 10 દિવસો સુધી શ્રીજીની ભક્તિભાવથી પૂજા કર્યા બાદ આજે ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. નવસારીના વિરાવળ સ્થિત આસ્થાના ઓવારા સહિત 5 ઓવારાઓ પરથી 4335 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.

પૂર્ણા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ક્રેનની મદદથી કરાઈ રહ્યુ છે વિસર્જન

ગણેશોત્સવ આવતા જ ભક્તોના મન પ્રફુલ્લિત થઈ જાય છે. દૂંદાળા દેવને ધામધૂમથી પોતાના મંડપ કે ઘરે લાવતા હોય છે. ગણેશ ચતુર્થીએ ભક્તિભાવ સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે લંબોદરની સ્થાપના કર્યા બાદ 10 દિવસો સુધી શ્રધ્ધાથી તેમની આરાધનામાં ગાળ્યા હતા. જ્યારે આજે અનંત ચતુર્થીના દિને શ્રીજી ભક્તોએ ભીની આંખે ભગવાનને વિદાય આપી હતી. એકદંતને વિદાય આપવા વિવિધ ગણેશ મંડળોએ ઢોલ, નગારા, તાસા, મંજીરા તેમજ DJ ના તાલે નાચતા નાચતા વિસર્જન યાત્રામાં જોડાયા હતા. બપોરે 12 વાગ્યા બાદ નવસારી શહેરના રાજમાર્ગો ઉપર વિસર્જન યાત્રા શરૂ થઈ હતી, જેમાં મોટી ગણેશ પ્રતિમાઓ બપોર બાદ વિસર્જન યાત્રામાં જોડાઈ હતી. શહેરની મોટા ભાગની ગણેશ પ્રતિમાઓનું વિરાવળ સ્થિત પૂર્ણા નદીના ઓવારાથી વિસર્જિત કરાઈ હતી. પરંતુ નવસારીના ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની જળ સપાટી વધતા વિસર્જનમાં વિઘ્ન જણાતું હતું. પણ જ્યારે ખુદ વિઘ્નહર્તાનું જ વિસર્જન હોય, ત્યારે આવા વિઘ્નો પાંગળા સાબિત થાય છે. મહાનગર પાલિકા દ્વારા કરાયેલ ક્રેનની વ્યવસ્થા અને વિરાવળના તરવૈયાઓની મહેનતથી રાતે 8:30 વાગ્યા સુધીમાં વિરાવળ સ્થિત આસ્થાના ઓવારેથી 133 મોટી અને 1998 નાની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. જોકે વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો, તેને પહોંચી વળવા મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અને નવસારી પોલીસના જવાનો ખડે પગે તૈયાર હતા. જ્યારે નવસારી પોલીસના જવાનોએ વિસર્જન પ્રક્રિયામાં ખડે પગે ટ્રાફિક સંચાલન તેમજ સુરક્ષાની ઉમદા કામગીરી કરી હતી.

નવસારીના 5 ઓવારાઓ ઉપરથી 416 મોટી અને 3919 પ્રતિમાઓનું વિસર્જન

નવસારી મહાનગર પાલિકા વિસ્તારમાં ગણેશ વિસર્જનને લઈને ત્રણ મુખ્ય ઓવારાઓ ઉપર વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેની સાથે દાંડી અને એરૂ ખાતે પણ વિસર્જનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જેમાં સવારથી રાતે 8:30 વાગ્યા સુધીમાં વિરાવળ ઓવારાથી 133 મોટી અને 1998 નાની, દાંડી ઓવારાથી 52 મોટી અને 296 નાની, જલાલપોર ઓવારાથી 51 મોટી અને 538 નાની, એરૂ ઓવારાથી 37 મોટી અને 256 નાની, જ્યારે ધારાગિરી ઓવારાથી 143 મોટી અને 831 નાની મળી કુલ 4335 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.

Continue Reading

તહેવાર

શ્રીજીને 8000 કિલો ગુલાલ ઉડાવી આપી વિદાય

Published

on

By

વિજલપોરના શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં ગણેશ વિસર્જન

નવસારી : નવસારીમાં આજે ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ભીની આંખે બાપ્પાને વિદાય આપી હતી. જેમાં નવસારી શહેરના વિજલપોર વિસ્તારના શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં 8000 કિલો ગુલાલ ઉડાવીને શ્રીજીને વિદાય આપતા સમગ્ર વિજલપોર ગુલાલના રંગે રંગાયું હતું.

1985 થી અંબાજી નગરમાં મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં ઉજવાય છે ગણેશોત્સ

નવસારીમાં 10 દિવસો સુધી ભકતોએ ભક્તિભાવ પૂર્વક શ્રી ગણપતિજીની પૂજા અર્ચના કરી હતી. રોજ બાપ્પાની ભાવથી આરતી કરી, તેમને ભાવતા ભોજન પીરસ્યા હતા. પરંતુ આજે અનંત ચૌદશના દીને ગણેશજીએ નીજ ધામ જવાની તૈયારી કરતા જ ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી. જોકે ગણેશ વિસર્જન યાત્રામાં ભક્તોએ બાપ્પાને અનોખી રીતે વિદાય આપવાનું આયોજન કર્યું હતું. જેમાં નવસારી શહેરના વિજલપોરના અંબાજી નગરનું શિવ રાણા ગ્રુપ 1985 થી ગણેશોત્સવ ઉજવતો આવ્યો છે. વર્ષોથી ગ્રુપના સભ્યો મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં બાપ્પાને વિદાય આપે છે. આજે વિસર્જન યાત્રામાં શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન બેન્ડ સાથે જ મહારાષ્ટ્રથી 8000 કિલો ગુલાલ મંગાવ્યો હતો. બપોરે વિસર્જન યાત્રાની તૈયારી કરતા જ બે JCB મશીનમાં હજારો કિલો ગુલાલ ભરવામાં આવ્યો હતો. જ્યારે ગણપતિ બાપ્પાની યાત્રા નીકળી કે ભક્તોએ ગુલાલ ઉડાવી તેમને હર્ષોલ્લાસ સાથે વિદાય આપી હતી. ગુલાલની છોળો ઊડતા સમગ્ર વાતાવરણ લાલ થયુ હતું. એટલું જ નહીં વિસર્જન યાત્રામાં વિજલપોર ગુલાલના રંગે રંગાયું હતું. જ્યારે મહારાષ્ટ્રીયન બેન્ડના તાલે શ્રીજી ભક્તો ઝૂમતા વિરાવળ ઓવારા તરફ આગળ વધ્યા હતા. પરંતુ 10 દિવસ સુધી બાપ્પાની આગતા સ્વાગતા કર્યા બાદ તેમને વિદાય આપતા શિવ રાણા ગ્રુપના સૌની આંખો ભીંજાઈ હતી.

Continue Reading
Advertisement

Trending