પોલીસે લૂટેલી સોનાની ચેઈન કબ્જે લઇ, અન્ય લૂટારૂને વોન્ટેડ જાહેર કર્યો
નવસારી : નવસારીના લુન્સીકુઈ પાસે રસ્તો ક્રોસ કરવા ઉભા રહેલા વૃદ્ધાને સરનામું પૂછ્યા બાદ તેમના ઉપર કોઈક પદાર્થ નાંખી બેહોશ કરીને દોઢ તોલાની સોનાની ચેઈન લૂટી જનાર મદારી ગેંગના એકને નવસારી LCB પોલીસે બાતમીને આધારે રીંગ રોડ ખાતેથી ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે લૂટેલી સોનાની ચેઈન રિકવર કરી, તેના અન્ય એક સાથીદારને વોન્ટેડ જાહેર કર્યો છે.
બદમાશોએ સોનાની ચેઈન સાથે પાકીટમાંથી 500 રૂપિયા પણ કાઢી લીધા ચોરી લીધા હતા

મળતી માહિતી અનુસાર, મુળ નવસારીના અને હાલ પોતાની દિકરીને ત્યાં રહેતા 73 વર્ષીય ઉષાબેન ભારતિયા કંસારા સમાજના મહિલા મંડળમાં આટલી ઉંમરે પણ સક્રિય રીતે કામ કરે છે. રોજ તેઓ ગણદેવીથી બસમાં નવસારી આવે છે અને મોડી સાજે પરત ગણદેવી પહોંચે છે. આ નિત્યક્રમ પ્રમાણે ગત 31 ઓગસ્ટના રોજ ઉષાબેન સવારે સવા 10 વાગ્યા આસપાસ નવસારીના લુન્સીકુઈ પાસે બસમાંથી ઉતર્યા હતા. રસ્તો ક્રોસ કરીને તેઓ પુષ્પક સોસાયટી સ્થિત પોતાના કાર્યસ્થળે જવાના હતા. ટ્રાફિક વધુ હોવાથી તેઓ લુન્સીકુઈ પાસેની કન્યા છાત્રાલય પાસે ઉભા હતા, ત્યારે બાઇક ઉપર આવેલા બે અજાણ્યા યુવાનોએ તેમને મેલડી માતાનું મંદિર ક્યાં આવ્યુ છે..? પૂછ્યુ હતુ. ઉષાબેને તેમના તરફ ધ્યાન ન આપ્યુ અને ના કહેતા, જ બંને યુવાનો થોડા આગળ નીકળી ગયા હતા. પરંતુ ઉષાબેનના માથાના ભાગે તેમણે સિફત પૂર્વક કોઈ પ્રવાહી પદાર્થ નાંખી દીધો હતો. જેથી ઉષાબેનને માથામાં ઠંડુ લાગ્યાની થોડી જ સેકન્ડોમાં ચક્કર આવવા સાથે આંખે અંધારા આવ્યા અને તેઓ ફૂટપાથ પર બેસતા જ બેહોશ થઇ ગયા હતા. બાદમાં બંને યુવાનોએ તેમના ગળામાંથી દોઢ તોલાની સોનાના પેન્ડલ વાળી સોનાની ચેઈન કાઢી લીધી હતી અને તેમના પાકીટમાંથી 500 રૂપિયા પણ કાઢીને રફૂચક્કર થઇ ગયા હતા. હોશમાં આવતા ઉષાબેનને તેમનું પાકીટ થોડે દૂર દેખાતા તેઓ ચિંતામાં મુકાયા હતા. તપાસ કરતા પાકીટમાંથી 500 રૂપિયા અને ગળામાંથી સોનાની ચેઈન ગાયબ જણાઈ હતી. જોકે બાદમાં તેઓ પોતાના ગંતવ્ય સ્થળે પહોંચ્યા હતા અને મોડી સાંજે જયારે ઘરે પહોંચ્યા તો દિકરીને ઘટનાની જાણ કરી હતી. પરિવારની હિંમત મળતા ઉષાબેન ભરતિયાએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી.
CCTV ફૂટેજ અને બાતમીદારોના સહયોગથી પોલીસે એક આરોપીને દબોચી લીધો

ફરિયાદ થતા જ નવસારી ટાઉન પોલસ સાથે તપાસમાં જોતરાયેલી નવસારી LCB પોલીસે લુન્સીકુઈ વિસ્તારના CCTV ફૂટેજ ચકાસતા બે યુવાનો જણાયા હતા. જેથી પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોને એક્ટિવ કર્યા હતા. દરમિયાન ગત રોજ પોલીસને બાતમી મળી હતી કે શહેરના રીંગ રોડ પાસે એક શંકાસ્પદ યુવાન ફરી રહ્યો છે, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી, શંકાસ્પદ યુવાનને અટકમાં લઇ પૂછપરછ કરતા, ગાંધીનગરના દેહગામના ગણેશપુરા સ્થિત મદરીવાસમાં રહેતો 31 વર્ષીય સંજયનાથ સુરમનાથ મદારી હોવાનું ખુલ્યુ હતું. પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા સંજયનાથ ભાંગી પડ્યો હતો અને તેણે અને તેના બનેવી ખેડા જિલ્લાના કપડવંજના તૈયબપુરા સ્થિત મદારીવાસમાં રહેતા બોપલનાથ દિલીપનાથ મદારી સાથે મળીને વૃદ્ધાને બેહોશ કરીને સોનાની ચેઈન લૂટી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે સંજયનાથ મદારીની ધરપકડ કરી હતી. આરોપી સંજયનાથ પાસેથી પોલીસ લૂટેલી 73 હજાર રૂપિયાની સોનાના પેન્ડલ સાથેની સોનાની ચેઈન રિકવર કરવામાં સફળ રહી છે. જ્યારે બોપલનાથ મદારીને વોન્ટેડ જાહેર કરી, તેને પકડવાની કવાયદ હાથ ધરી છે.