અપરાધ

ધામધુમાથી 99 હજારના ખેરના લાકડા સાથે એકની ધરપકડ

Published

on

માંડવખડકના ખેડૂતોના ખેતરમાંથી કાપી, ગોડથલ લઈ જવાતા હતા લાકડા

નવસારી : નવસારીના ખેરગામ તાલુકાના ધામધુમા ગામ નજીકથી નવસારી SOG પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 99 હજારના લાકડા ભરેલા પીકઅપને પકડી પાડી ચાલકની ધરપકડ કરી હતી. પરવાનગી વિના વહન થતા લાકડા પકડાતા ચીખલી વન વિભાગે પણ લાકડા કપાવનાર અને લેનાર ખેડૂતો સામે કાર્યવાહી કરી તપાસને આગળ ધપાવી છે.

ચીખલી વન વિભાગે લાકડા કાપનાર ખેડૂતો પાસે 50 હજારની ડિપોઝિટ મુકાવી

મળતી માહિતી અનુસાર, નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમ આજે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પોલીસને ધામધુમા ગામ પાસેથી પસાર થતી વેળા એક પીકઅપમાં લાકડા વહન થતા જણાતા, પોલીસે તેને અટકાવી તપાસ કરતા લાકડા ખેરના હતા અને તેને વહન કરવાની કોઈ પરવાનગી પણ ન હતી. જેથી પોલીસે પીકઅપમાં ભરેલ 99 હજાર 125 રૂપિયાના 3765 કિલો લાકડા કબ્જે કરી, ચાલક અને વાંસદાના રવાણીયા ગામે રહેતા 26 વર્ષીય દિલીપ પવારની અટક કરી, ચીખલી રેન્જ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગની તપાસમાં ખેરના લાકડા વહન કરવા માટે દિલીપ પાસે કોઈ પરવાનગી ન હતી. જ્યારે ખેરના લાકડા માંડવખડક ગામે રહેતા ચુનીલાલ પટેલના ખેતરમાં ઉગેલા ખેરને કાપીને ભર્યા હતા. જેને ગોડથલ ગામે રહેતા અર્જુન નીછા પટેલને પહોંચાડવાના હતા. જેથી વન વિભાગે લાકડાનો કબ્જો લઈ, આરોપી ચુનીલાલ પટેલ અને અર્જુન પટેલ વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ અન્વયે ગુનો નોંધી બંને ખેડૂતો પાસેથી કુલ 50 હજાર રૂપિયા ડિપોઝિટ પેટે જમાં કરાવ્યા છે. સાથે જ પકડાયેલા 99 હજારના ખેરના લાકડાને એંધલ વન ડેપો પર પહોંચાડી આગળની તપાસને વેગ આપ્યો છે.

Click to comment

Trending

Exit mobile version