પોલીસે આરોપીઓ પાસેથી 2.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે
નવસારી : દક્ષિણ ગુજરાતના શહેરો અને ગામડાઓમાં ચેઇન સ્નેચીંગના ગુનાઓના રીઢા આરોપી સાથે બે ચેઇન સ્નેચરોને નવસારી LCB પોલીસે ટેકનીકલ સર્વેલન્સ તેમજ મળેલ બાતમીને આધારે સુરતના સાયણથી દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન સહિત કુલ 2.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ ક્બ્જે કરી, કુલ 28 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
બાઇક ઉપર હેલ્મેટ પહેરીને વૃદ્ધાઓને જ બનાવતા નિશાન

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાં 6 મહિના અગાઉ બીલીમોરા શહેરની એક સોસાયટીમાં ઘરે જઈ રહેલા એક વૃદ્ધાના ગળામાંથી બાઇક સવાર બે બદમાશો સોનાની ચેઇન ઝાટકા સાથે તોડીને ફરાર થયા હતા. એજ અરસામાં ગણદેવી તાલુકાના અમલસાડ ગામે પણ એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને બે બદમાશો ફરાર થયા હતા. બંને ગુનાઓમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ આરંભી હતી, જેમાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે આરોપીઓનું પગેરૂ શોધી કાઢવા CCTV કેમેરાઓના ફૂટેજ સાથે જ બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કર્યુ હતું. જેમાં પોલીસને 6 મહીને જઈને સફળતા મળી અને ચેઇન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ સુરતના સાયણ વિસ્તારમાં હોવાની બાતમીને આધારે નવસારી LCB પોલીસની ટીમ સાયણ પહોંચી હતી. જ્યાં બાતમીવાળા યુવાનોને બાઇક ઉપર આવતા જોઈ, બંનેને રોકીને દબોચી લીધા હતા. પોલીસે સાયણથી ચેઇન સ્નેચીંગનાં રીઢા ગુનેગાર અને સુરતના ઓલપાડના સાયણ સુગર રોડ ઉપર ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં રહેતા 39 વર્ષીય ધવલ દિનેશ પારેખ અને સુરતના ભરથાણામાં ભૈરવ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા 29 વર્ષીય કાન્હુચરણ ઘનશ્યામ બધઈની ધરપકડ કરી હતી. બંનેની કડકાઈથી પૂછપરછ કરતા બંનેએ અમલસાડ અને બીલીમોરામાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી, ભાગી ગયા હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી 1.60 લાખ રૂપિયાની 19.240 ગ્રામ સોનાની ચેઇન, 70 હજાર રૂપિયાનું બાઇક, 10.50 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન મળીને કુલ 2.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે ગણદેવી પોલીસને સોંપ્યા છે.
આરોપી ધવલ પારેખ સામે ચેઇન સ્નેચીંગના જ 16 ગુનાઓ

નવસારી LCB ના હાથે પકડાયેલ ધવલ પારેખ રીઢો ગુનેગાર છે. વર્ષ 2007 થી ધવલ 21 વર્ષની વયેથી જ ધવલ ચોરી, ચેઇન સ્નેચીંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિના રવાડે ચઢી ગયો હતો. સામાન્ય રીતે કાપડનો વેપાર કરતો ધવલ પારેખ પતાના ગુનેગાર મિત્રો સાથે મળીને મોબાઈલ ચોરી, લૂટ, વાહન ચોરી અને ચેઇન સ્નેચીંગના અનેક ગુનાઓમાં અગાઉ પકડાઈ ચુક્યો છે. જેના કારણે પાસા હેઠળ પણ અનેકવાર જેલની હવા ખાઈ ચુક્યો છે. 18 વર્ષોમાં ધવલ પારેખ 16 ચેઇન સ્નેચીંગના ગુનામાં પકડાયો છે, જેની સાથે જ 1 લૂટ, 6 વાહન ચોરી, 4 મોબાઇલ ચોરી અને બે પાસા મળીને કુલ 28 ગુના ધવલ સામે નોંધાયા હતા. જયારે તેનો સાથી કાન્હુ બઘઈ પણ રીઢો છે અને તેની સામે પણ ચેઇન સ્નેચીંગના ત્રણ ગુનાઓ નોંધાયા હતા.
આ હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી

ધવલ પારેખ અને કાન્હુ બઘઈ બંને રીઢા ગુનેગારો છે, જેઓ બાઇક ઓળખાઇ ન જાય એ માટે તેની નંબર પ્લેટ કાઢી નાંખતા હતા. જયારે પોતાની ઓળખ છુપાવવા માટે મોઢે રૂમાલ અથવા હેલ્મેટ પહેરી લઇ, રસ્તામાં એકલી જતી અને ગળામાં સોનાની ચેઇન અથવા મંગળસૂત્ર પહેરલ વૃદ્ધ મહિલાને નિશાન બનાવી, તેમના ગળામાંથી સોનાની ચેઇન આંચકીને તોડીને ફરાર થઇ જતા હતા.