આરોપીનો DNA રિપોર્ટ સજા આપવામાં મુખ્ય સબિત થયો
નવસારી : નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના ગામમાં એક સાવકા પિતાએ પોતાની 13 વર્ષીય દીકરી સાથે અનેકવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાના પ્રકરણમાં આજે નવસારી સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીને પુરાવાઓ અને ખાસ કરીને DNA રિપોર્ટને આધારે તકસીરવાર ઠરાવી 50 હજાર રૂપિયાનો દંડ અને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.
આરોપી સાવકા પિતાએ 5 થી 6 વાર દુષ્કર્મ આચરી, જાનથી મારી નાંખવાની આપી હતી ધમકી

નવસારીના ગણદેવી તાલુકામાં રહેતી પરિણીત મહિલાને જલાલપોર તાલુકાના કાંઠાના એક ગામમાં રહેતા સતિષ હળપતિ સાથે આંખો ચાર થતા તેની સાથે પોતાની બે દીકરીઓ અને એક દીકરા સાથે વિના લગ્નએ રહેવા લાગી હતી. જેમાં મોટી દીકરી 13 વર્ષની હતી, જેના ઉપર સાવકા પિતા સતિષ હળપતિએ દાનત બગાડી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી, કોઈને ન કહેવા ધમકાવી હતી. ત્યારબાદ સતિષે માસુમ બાળકીને અંદાજે 5 વાર પીંખી હતી, જેના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. ગત 14 માર્ચ 2024 ના રોજ માસુમને પેટમાં દુ:ખાવો ઉપડતા તેની માતાને કહેતા ગણદેવીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી. જ્યાં ડોક્ટરે બાળકીને તપાસતા તેને 4 મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા જ માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. જેથી માતાએ પોતાની લાડલીને સમજાવીને પૂછતા તેણે 4 થી 5 મહિના અગાઉ સાવકા પિતા સતિષે રાત્રિના સમયે મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ આચરી, કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મુદ્દે માતાએ તેના પ્રેમી સતિષ ભીખા હળપતિ વિરૂદ્ધ મરોલી પોલીસ મથકે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
બાળકીની માતાએ પ્રેમી સતિષને બચાવવા ખોટા નિવેદનો અપાવ્યા, પણ કોર્ટે કર્યો ન્યાય
સમગ્ર મુદ્દે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા જ સક્રિય થયેલી મરોલી પોલીસે પીડિતા અને આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવી, તપાસને વેગ આપ્યો હતો. જેમાં આરોપી અને પીડિતાના ગર્ભનું DNA ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોર્ટમાં જ્યારે કેસ ચાલ્યો, ત્યારે પીડિતા અને તેની માતા બંનેએ ફરિયાદથી વિપરીત નિવેદનો આપી સતિષને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્ટે મુંબઈ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખી પીડિતા અને ફરિયાદી પોતાના નિવેદનથી ફરી ગયા હોવા છતાં વૈજ્ઞાનિક પુરાવાઓ અને તબીબી પરીક્ષણના રિપોર્ટના આધારે આરોપી સતિષ હળપતિને તકસીરવાર ઠેરવ્યો હતો. જેમાં ખાસ DNA રિપોર્ટ મુખ્ય પુરાવા તરીકે માનવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ પીડિતાનો 16 મહિનાનો ગર્ભ પડાવવામાં આવ્યો હતો, જેના અને આરોપીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેનો DNA રિપોર્ટ આરોપી સતિષને તેની સાવકી દીકરીના ગર્ભનો પિતા હોવાનું ગણાવતો હતો. જેથી નવસારીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટના ન્યાયધીશ તેજસ બ્રહ્મભટ્ટે આરોપી સતિષ હળપતિને તેની સગીર સાવકી દીકરી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના ગુનામાં કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, સાથે જ 50 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો.
પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ
સમગ્ર પ્રકરણમાં સ્પેશ્યલ પોસ્કો કોર્ટે વિક્ટિમ કમ્પનસેશન સ્કીમ, 2019 અંતર્ગત પીડિતાને પણ 4 લાખ રૂપિયાની વળતર ચૂકવી આપવા આદેશ કર્યો હતો.