શહેરની 2400 થી વધુ કોમર્શિયલ મિલકતોનો અંદાજે 6 કરોડનો વેરો બાકી
નવસારી : નવસારી નગર પાલિકા અને નવસારી વિજલપોર પાલિકાના સમયમાં 10 વર્ષો સુધી કોમર્શિયલ મિલકતોના વેરા નહીં ભરીને પાલિકાની તિજોરીને કરોડોનું નુકશાન કરનારા 2400 થી વધુ મિલકત ધારકો સામે નવસારી મહાનગર પાલિકાએ લાલ આંખ કરી છે, વર્ષોના બાકી વેરા નહીં ભરે, તો મિલકતને સીલ મારવાની કાર્યવાહી આરંભતા જ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
નવસારી વિજલપોર પાલિકાની કુલ વેરા વસુલાતનો અંદાજે 25 ટકા વેરો બાકી રહેતો હતો

નવસારી નગર પાલિકાના સમયથી જ શહેરની કોમર્શિયલ મિલકતોનો વેરો યેનકેન પ્રકારે બાકી રહી જતો હતો. પાલિકામાં રાજકીય અને વહિવટી વગને કારણે વર્ષોથી કોમર્શિયલ મિલકત ધારકો પોતાની મિલકતનો કોમર્શિયલ વેરો પાલિકામાં ભરતા ન હતા અને તેને કારણે પાલિકાની કરોડો રૂપિયાની વસુલાત બાકી રહેતા તિજોરીને નુકશાન થતુ હતું. તેમ છતાં પાલિકાના પૂર્વ શાસકો કોમર્શિયલ વેરો વસુલવામાં આળસ કરતા હતા. 5 વર્ષ અગાઉ નવસારી પાલિકા વિસ્તરણ પામી અને નવસારી વિજલપોર નગર પાલિકા બની, પણ ત્યારે પણ એજ શાસકોને કારણે પાલિકામાં કોમર્શિયલ વેરાનું સ્તર તળિયે જ રહ્યુ હતુ. પાલિકાના વેરા વિભાગની ઢીલાશને કારણે પાલિકાને વર્ષોથી 20 થી 25 ટકા વસુલાતથી દૂર રહેવું પડતુ હતુ અને પાલિકાની સ્વ ભંડોળની આવક ઓછી રહેતી હતી.
નવસારી મહાનગર પાલિકા બનતા જ પ્રથમ બાકી કોમર્શિયલ વેરાની શરૂ થઈ વસુલાત


નવસારી વિજલપોર પાલિકાને ગત 1 જાન્યુઆરીનારોજ નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ કમિશ્નરે આવક વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. કારણ કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની પોતાની આવક તેના વિસ્તારના વિકાસ માટે મહત્વની હોય છે. ત્યારે મહાનગર પાલિકાએ તેના પ્રથમ બજેટને રજૂ કરવા પહેલા બાકી કોમર્શિયલ વેરાની વસુલાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં વેરા વિભાગ દ્વારા શહેરની કુલ 1.40 લાખ મિલકતોમાંથી 27,911 કોમર્શિયલ મિલકતો છે. જેમાંથી 2476 મિલકત ધારકો 4 થી 10 વર્ષોથી કોમર્શિયલ મિલકત વેરો ભરતા જ ન હોય, એવાને અલગ તારવી, મહાનગર પાલિકાના વેરા અધિકારી વિરેશ જાધવ અને તેમની ટીમ કોમર્શિયલ વેરો વસુલવા મંડી પડી છે. જેમાં છેલ્લાં થોડા દિવસોમાં જ શહેરની 55 કોમર્શિયલ મિલકતોને સીલ કરી દેતા, વર્ષોથી કોમર્શિયલ વેરો ભરવામાં આડાઈ કરતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. જેના કારણે મહાનગર પાલિકાની તિજોરીમાં 87 લાખથી વધુનો કોમર્શિયલ મિલકત વેરો ભરાઈ ગયો છે. જેથી અત્યાર સુધીમાં પાલિકાની કુલ 24.64 કરોડની વસુલાત સામે 16.11 કરોડની વસુલાત થઈ ગઈ છે. જેમાં હજી અંદાજે 35 ટકા સુધીનો વેરો બાકી છે, જેને પણ માર્ચ અંત સુધીમાં વસુલાઈ જશે, એવી આશા સેવાઈ છે.
ભાજપના પૂર્વ સ્વ. નગરસેવકનો જ 8 લાખ કોમર્શિયલ વેરો બાકી..!!!

નવસારી મહાનગર પાલિકાના વેરા અધિકારી વિરેશ જાધવે શહેરના કેટલાક કોમર્શિયલ મિલકત ધારકોના બાકી વેરા મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, પાલિકાના પૂર્વ સ્વ. નગરસેવક શુભમ મુંડિયાની ઉદ્યોગ નગરની કોમર્શિયલ મિલકતનો 8 લાખ રૂપિયાનો, શહેરના લોટ્સ એપાર્ટમેન્ટનો 6 લાખ રૂપિયા, મોટા બજારમાં આવેલ ક્રોસરોડ શોપિંગ સેન્ટરના ભાગીદારોની 22 દુકાનોનો અંદાજે અઢી લાખ રૂપિયાનો કોમર્શિયલ મિલકત વેરો બાકી છે. જેમાં કેટલાકે સ્થળ ઉપર થોડો વેરો ભર્યો છે, જ્યારે બાકી વેરો ન ભરનારાની મિલકત સીલ કરવામાં આવી છે.