LCB પોલીસે ગણદેવી અને જલાલપોરની બે ચોરીનો ભેદ ઉકેલાયો
નવસારી : નવસારી જિલ્લામાંથી વાહન ચોરીના બનાવો છાસવારે બનતા હોય છે, જેમાં પરપ્રાંતિય વાહન ચોરી કરીને બારોબાર નીકળી જતા હોય એવી ઘટનાઓ પણ સામે આવી છે, ત્યારે ગત રોજ નવસારી LCB પોલીસે બોરીયાચ ટોલનાકા પાસે વાહન ચોરી દરમિયાન ચોરીની બાઇક સાથે એક પરપ્રાંતિય ચોરને દબોચી લીધો હતો. ચોર પકડાતા નવસારીના ગણદેવી અને જલાલપોરની બાઈક ચોરીના ગુના ઉકેલાયા છે.
પોલીસે કુલ 33 હજારની બંને બાઈક લીધી કબ્જે

મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગત રોજ નેશનલ હાઈવે નં. 48 પર બોરીયાચ ટોલનાકા નજીક ટ્રાફિક પોલીસ સાથે વાહન ચેકિંગમાં હતી. એજ સમયે એક યુવાન ઉપર શંકા જતા, તેને રોકીને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાધે ઉર્ફે અનિરૂદ્ધ ઉર્ફે જુગ્રુ ગોડ અને ઉત્તરપ્રદેશના મહારાજ ગંજ જિલ્લાના ગૌરી બડેપૂર્વા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની પાસે બાઈકના કોઈપણ દસ્તાવેજો મળી આવ્યા ન હતા. જેથી પોલીસે તેને અટકમાં લઈ કડકાઇથી પૂછતા તેણે બાઈક ચોરીનું હોવાનું જણાવતા પોલીસે રાધે ગોડની ધરપકડ કરી હતી. સાથે જ તેણે અન્ય એક બાઇક પણ ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે 33 હજાર રૂપિયાની બંને ચોરીની બાઇક કબ્જે લીધી હતી. આરોપી રાધે પકડાતા ગણદેવી અને જલાલપોરની બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્યારે તેને વધુ તપાસ અર્થે જલાલપોર પોલીસને સોંપવામાં આવ્યો છે.
ચોરે પોલીસને કહ્યુ પ્રયાગરાજથી આવ્યો.!!

નવસારી LCB દ્વારા પકડેલ બાઈક ચોર રાધે ગોડ મૂળ ઉત્તરપ્રદેશનો છે, પરંતુ હાલમાં ક્યાં રહે છે એની યોગ્ય માહિતી આપી નથી રહ્યો. ક્યારેક કહે છે પ્રયાગરાજથી આવ્યો, તો ક્યારેક કહે છે રેલ્વે સ્ટેશન ઉપર સુઈ રહે છે. જેથી ઉડાઉ જવાબ આપતો હોવાથી પોલીસ તેના વિશેની અને ચોરી અંગેની માહિતી મેળવવામાં પણ ગૂંચવાઈ રહી છે.
બાઈક ચોરી કર્યા બાદ પેટ્રોલ પુરૂ થતા છોડી દેતો અને બીજી બાઈક કરતો ચોરી
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રાધે ગોડે ગત 19 ફેબ્રુઆરીના રોજ અંચેલી રેલ્વે સ્ટેશન પાસે પાર્ક કરેલ મોટી કરોડના ધવલ પટેલની બાઇક ચોરી કરી હતી. ત્યારબાદ રાધે ફરતો ફરતો જલાલપોર તાલુકાના ઓંજલ ગામે પહોંચ્યો હતો. જ્યાં બાઈકનું પેટ્રોલ પુરૂ થઈ જતા, ચોર રાધેએ બાઈક છોડી દીધી હતી અને બાદમાં ઓંજલના આહિર વાસમાં રહેતા નિકુલ પટેલ તેના ગામમાં આવેલા ઝીંગાના તળાવ નજીક બાઇક પાર્ક કરી તપાવ પર ગયો હતો. ત્યાંથી પોણો કલાકમાં પરત ફર્યો હતો, પણ એ પૂર્વે રાધેએ તેની બાઈક ચોરી કરી લીધી હતી અને ચોરીની બાઇક લઈને નેશનલ હાઈવે નં. 48 પરથી પસાર થતા LCB પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.