વિદેશી દારૂનું કાર્ટિંગ કરતા 5 ખેપીયાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા
નવસારી : નવસારીના સમરોલી ગામે જુના વલસાડ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂની હેરાફેરી સાથે કાર્ટિંગ કરતા બે સ્થાનિક બુટલેગરોને નવસારી LCB પોલીસે બાતમીને આધારે પકડી પાડ્યા હતા. જ્યારે ઘટના સ્થળેથી 5 ખેપીયાઓ ભાગવામાં સફળ રહ્યા હતા.
નવસારી LCB પોલીસે ત્રણ કાર સાથે 10.75 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ ગત રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન PC ગોવિંદ રાજાને બાતમી મળી હતી કે, તાલુકાના સમરોલી ગામે જુના વલસાડ રોડ ઉપર આવેલ ક્રિષ્ના સોસાયટીમાં રહેતા વિશ્વાસ રાજપૂતની ઘરની સામે આવેલી ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કાર્ટિંગ થઈ રહ્યું છે. જેને આધારે પોલીસે ક્રિષ્ના સોસાયટીમાં છાપો માર્યો હતો. જ્યાં ત્રણ અલગ અલગ કારમાં ભરેલ અને તેમાંથી નીચે ઉતરેલો વિદેશી દારૂનો જથ્થો જણાતા પોલીસે તાત્કાલિક ખેતપિયાઓને પકડવા દોડ લગાવી હતી. પરંતુ પોલીસને જોઈ ઘટના સ્થળેથી 5 ખેપીયાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે ઘટના સ્થળેથી સમરોલીમાં ચિત્રકૂટ રેસીડેન્સીમાં રહેતો બુટલેગર હેમિલ પટેલ અને શૈલેષ બારોટને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી 3.24 લાખ રૂપિયાની વ્હિસ્કી, વોડકા અને બીયરની કુલ 2338 બાટલીઓ કબ્જે કરી હતી. જ્યારે વિશ્વાસ રાજપૂત, વલસાડના હેમંત પટેલ, ચીખલીના બામણવેલ ગામનો પાંડુ અને મહેશ નાયકા તેમજ વિજલપોરના પંડિત પાટીલને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 3.24 લાખનો દારૂ, 7.50 લાખ ત્રણ કાર અને 1 હજાર રૂપિયાના મોબાઈલ ફોન સાથે કુલ 10.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, ચીખલી પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.