પોલીસે સેલવાસના રમેશ અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે 4.07 લાખના વિદેશી દારૂ ભરેલા પીકઅપ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે દારૂ ભરાવનાર સેલવાસના રમેશ અને દારૂ મંગાવનાર અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
LCB પોલીસે ઘટના સ્થળેથી 9.16 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન LCB ના HC નયન હનુભા અને HC દિગ્વિજયસિંહ રવજીભાઇની સંયુક્ત બાતમી હતી કે, એક પીકઅપ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. જેથી પોલીસે હાઈવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે જ બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી, તપાસ કરતા ટેમ્પોમાં 35 પૂઠાનાં બોક્ષમાંથી 4,06,800 રૂપિયાની વ્હીસ્કી અને બીયરની 972 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને સેલવાસના આમલી ગામે રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના રાજારામ બનવારી હરીજનની ધરપકડ કરી હતી. જયારે તેની પૂછપરછમાં દારૂનો જથ્થો સેલવાસના રમેશે ભરાવી આપ્યો હતો, જયારે તેને અજાણ્યાને પહોચાડવાનો હતો. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 9.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો.