નવસારીમાં 4335 ગણેશ પ્રતિમાઓનું આસ્થાના ઓવારેથી થયુ વિસર્જન
નવસારી : ધામધૂમથી ભગવાન શ્રી ગણપતિને લાવ્યા બાદ 10 દિવસો સુધી શ્રીજીની ભક્તિભાવથી પૂજા કર્યા બાદ આજે ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. નવસારીના વિરાવળ સ્થિત આસ્થાના ઓવારા સહિત 5 ઓવારાઓ પરથી 4335 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.
પૂર્ણા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ક્રેનની મદદથી કરાઈ રહ્યુ છે વિસર્જન


ગણેશોત્સવ આવતા જ ભક્તોના મન પ્રફુલ્લિત થઈ જાય છે. દૂંદાળા દેવને ધામધૂમથી પોતાના મંડપ કે ઘરે લાવતા હોય છે. ગણેશ ચતુર્થીએ ભક્તિભાવ સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે લંબોદરની સ્થાપના કર્યા બાદ 10 દિવસો સુધી શ્રધ્ધાથી તેમની આરાધનામાં ગાળ્યા હતા. જ્યારે આજે અનંત ચતુર્થીના દિને શ્રીજી ભક્તોએ ભીની આંખે ભગવાનને વિદાય આપી હતી. એકદંતને વિદાય આપવા વિવિધ ગણેશ મંડળોએ ઢોલ, નગારા, તાસા, મંજીરા તેમજ DJ ના તાલે નાચતા નાચતા વિસર્જન યાત્રામાં જોડાયા હતા. બપોરે 12 વાગ્યા બાદ નવસારી શહેરના રાજમાર્ગો ઉપર વિસર્જન યાત્રા શરૂ થઈ હતી, જેમાં મોટી ગણેશ પ્રતિમાઓ બપોર બાદ વિસર્જન યાત્રામાં જોડાઈ હતી. શહેરની મોટા ભાગની ગણેશ પ્રતિમાઓનું વિરાવળ સ્થિત પૂર્ણા નદીના ઓવારાથી વિસર્જિત કરાઈ હતી. પરંતુ નવસારીના ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની જળ સપાટી વધતા વિસર્જનમાં વિઘ્ન જણાતું હતું. પણ જ્યારે ખુદ વિઘ્નહર્તાનું જ વિસર્જન હોય, ત્યારે આવા વિઘ્નો પાંગળા સાબિત થાય છે. મહાનગર પાલિકા દ્વારા કરાયેલ ક્રેનની વ્યવસ્થા અને વિરાવળના તરવૈયાઓની મહેનતથી રાતે 8:30 વાગ્યા સુધીમાં વિરાવળ સ્થિત આસ્થાના ઓવારેથી 133 મોટી અને 1998 નાની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. જોકે વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો, તેને પહોંચી વળવા મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અને નવસારી પોલીસના જવાનો ખડે પગે તૈયાર હતા. જ્યારે નવસારી પોલીસના જવાનોએ વિસર્જન પ્રક્રિયામાં ખડે પગે ટ્રાફિક સંચાલન તેમજ સુરક્ષાની ઉમદા કામગીરી કરી હતી.
નવસારીના 5 ઓવારાઓ ઉપરથી 416 મોટી અને 3919 પ્રતિમાઓનું વિસર્જન

નવસારી મહાનગર પાલિકા વિસ્તારમાં ગણેશ વિસર્જનને લઈને ત્રણ મુખ્ય ઓવારાઓ ઉપર વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેની સાથે દાંડી અને એરૂ ખાતે પણ વિસર્જનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જેમાં સવારથી રાતે 8:30 વાગ્યા સુધીમાં વિરાવળ ઓવારાથી 133 મોટી અને 1998 નાની, દાંડી ઓવારાથી 52 મોટી અને 296 નાની, જલાલપોર ઓવારાથી 51 મોટી અને 538 નાની, એરૂ ઓવારાથી 37 મોટી અને 256 નાની, જ્યારે ધારાગિરી ઓવારાથી 143 મોટી અને 831 નાની મળી કુલ 4335 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.